મહામારી અને મહાયુદ્ધ પછી રમતોત્સવઃ ખેલ અને ખેલદિલી

માનવજાતને સૌથી વધુ જરૂર છે ખેલ અને ખેલદિલીની, પણ તે સૌથી ઓછી સમાજ વચ્ચે ઉપલબ્ધ હોય તેવી છાપ પડશે. સંકટ આવે ત્યારે ખેલદિલી અને સ્વાર્થ બંને એક સાથી પ્રબળ છે. ક્યારેય સેવા ના કરવાના લોકો પણ પોતાની બનતી મદદ કરવા લાગે છે, પણ કેટલાકની વૃત્તિ એટલી પ્રબળ છે કે માત્ર પોતાના બચાવનો વિચાર કરે બીજાનું થવું હોય તે થાય. એક કિસ્સો ઉદાહરણ માટેઃ સુરતમાં નર્સ તરીકે કામ કરતી બહેન ફરજ બજાવતી રહી, પણ તેમની સોસાયટીના ચેરમેને ફતવો બહાર પાડીને મુખ્ય દરવાજે તાળું મારી દીધું. બધાને પાછળના દરવાજે આવવાનું ફરમાન, પણ તે પાછળનો રસ્તો ઉજ્જડ અને આવવા જવામાં મુશ્કેલી કરે તેવો. લોકોની આવનજાવન ઓછી થાય તેવો ઇરાદો હશે, પણ નર્સ જે જોખમ લઈને ફરજ બજાવે છે તેમને પણ પાછલા રસ્તે ફરીને આવવા હેરાન કરવાના?

સંકટમાં મોટા ભાગના લોકોની બુદ્ધિ બહેર મારી જાય છે. થોડાની બુદ્ધિ સતેજ થઈ જાય છે અને તે ઉલટાના શાંત થઈને, શાંત ચિત્તે માર્ગ શોધે છે. સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ, સૌથી સક્ષમ હોય તે બચે તે નિયમ આના પરથી જ આવ્યો છે. ચિત્તને શાંત કરીને સંકટમાં લાભાલાભ વિચારવાથી સાચો ઉકેલ મળે છે. 1919માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો. તેમાં શું થયું હતું તે આ દરમિયાન તમે એકથી વધુ લેખોમાં વાંચ્યું હશે. પાંચથી દસ કરોડ લોકોનો ભોગ તેમાં લેવાઈ ગયો હતો. પણ તે દરમિયાન અને તે પછી શું થયું તેનો એક પ્રસંગ જોઈએ તો ખ્યાલ આવશે કે મહામારી વચ્ચે માત્ર મહામારીનું વિચાર્યા વિના બીજા માર્ગ પણ શોધતા રહેવા પડે. વ્યક્તિગત રીતે ચિત્તને શાંત અને સકારાત્મક કરવાના પ્રયાસો, ઉપરાંત કેટલાક સામુહિક પ્રયાસો કરવા પડે, જેથી સકારાત્મક માહોલ ઊભો થાય.

સ્પેનિશ ફ્લૂ અને પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો નજીક નજીકનો હતો. વિશ્વ યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને સ્પેનિશ ફ્લુની મહામારી હાહાકાર મચાવ્યા પછી થોડો હાશકારો લઈ રહ્યું હતું. તે વખતે આજના જેટલા ઝડપી સંદેશ વ્યવહારના અને વાહન વ્યવહારના સાધનો નહોતા. યુરોપમાં યુદ્ધ લડવા માટે દુનિયાભરમાંથી સૈનિકો એકઠા થયા હતા. યુરોપનો સામ્રાજ્યવાદ દુનિયાભરનું શોષણ કરી રહ્યો હતો. દુનિયાની પ્રજાને લૂંટીને યુરોપિયનો સમૃદ્ધ થયા હતા. યુરોપના દેશો વચ્ચે લડાઈ જાગી ત્યારે તેમાં લડવા માટે પણ ગુલામ દેશોમાંથી સૈનિકો લાવવામાં આવ્યા હતા. પોતાની લડાઈ માટે પારકા દેશના સૈનિકોનો ભોગ યુરોપના સામ્રાજ્યો લઈ રહ્યા હતા. ભારતમાંથી પણ મોટા પાયે સૈનિકો અંગ્રેજો માટે લડવા ગયા હતા.

અહીં તેની વાત નથી, વાત મૂળ એ છે કે યુદ્ધ પૂર્ણ થયા પછી સૈનિકો છાવણીમાં હતા અને સ્પેનિશ ફ્લૂનો વાયરો થડો શાંત પડ્યો હતો. ત્યારે આ સૈનિકોને સક્રિય કેવી રીતે રાખવા તે સવાલ હતો. તેમાંથી જ જન્મ્યો હતો વિચાર સૈનિકો વચ્ચે રમતોત્સવનો. ઇન્ટર-એલાઇડ ગેમ્સ માટેનો વિચાર કરાયો, જેમાં જુદા જુદા દેશની સૈનિક ટુકડીઓ ટીમ તરીકે વિવિધ રમતોમાં ભાગ લે. બધા સૈનિકો કંઈ સારા ખેલાડીઓ ના હોય, પણ મજબૂત શારીરિક સ્થિતિને કારણે તેઓ રમતગમતમાં ભાગ લઈ શકે તેવી સ્થિતિમાં હોય. બીજું કે આ પણ એક પ્રકારનું યુદ્ધ કહેવાય, પણ રમતના યુદ્ધનું મેદાન. તેમાં હરિફને હરાવી દેવાનો, પણ તેને ખતમ કર્યા વિના. સૈનિકોને મળતી આવતી આ સ્પિરિટ હતી. જોકે રમતગમતમાં સૈનિક વૃત્તિથી સ્પર્ધા કેટલી વાજબી તે જુદી ચર્ચાનો મુદ્દો છે એટલે તેમાં પડતા નથી.

કોરોનાના કારણે ટોકિયો ઑલિમ્પિક્સ કરવી શક્ય લાગતી નથી, ત્યારે સ્પેનિશ ફ્લુના અંત સમયે સૈનિકોનો આ રમતોત્સવ યોજાયો હતો. ખેલની ખેલદિગીનો અનુભવ પણ સૈનિકોને થયો, જે યુદ્ધના મેદાનમાં દુશ્મનને ખતમ કરી નાખવાના ઉશ્કેરાટથી જુદો હતો. બીજું કે જુદા જુદા પ્રકારની ગેમ્સ રમવાની વૃત્તિ પણ સૈનિકોમાં જાગી. આજેય કેટલાક અંશે અમુક દેશમાં અમુક ખેલ લોકપ્રિય હોય, અમુક ખેલ ના રમાતો હોય. ભારતમાં ક્રિકેટ સિવાય જાણે કોઈ ખેલ જ ના હોય તેવી હાનીકારક વૃત્તિ છે, જેને વેપારી કારણોસર વધારે ને વધારે ભડકાવવામાં આવે છે. ક્રિકેટની કાળી બાજુ એ છે કે તેમાં નકરો વેપાર, સટ્ટાબાજી, ચિંટિગ અને આઈપીએલમાં વ્યભિચાર અને વલ્ગર ડિસ્પ્લે છે. અત્યારે ઘરે રહીને ઓનલાઇન ગેમ રમવાના રવાડે પાછા ના ચડી જતા, કેમ કે તે પણ ધંધાદારી પ્રવૃત્તિ છે અને તેની પણ બહુ નુકસાની છે. પણ ઓનલાઇન ચેસ વગેરે રમજો, જેમાં કોઈ વેપારી કંપનીને ફાયદો ના થતા હોય. રમી રમવા ના બેસતા.

આપણે બહુ આડી વાતે ચડી જઈએ છીએ, મૂળ વાત જ કરીએ. મૂળ વાત એ હતી કે ઇટાલીના સૈનિકોને થયું કે લાવોને આપણે ક્યારેય રમ્યા નથી તે બાસ્કેટ બોલ રમીએ. અમેરિકનો પહેલેથી જ બેઝબોલમાં એક્કા એટલે તે જીત્યા હતા અને બીજી પણ કેટલીક રમતોમાં જીત્યા. દોરડા ખેંચવા જેવી રમતને પણ સૈનિકોના રમતોત્સવમાં સ્થાન મળ્યું હતું. પારીસની નજીકના મેદાનોમાં રમતોત્સવ યોજાયો હતો. અમેરિકન સૈનિકો અને સૈન્ય એન્જિનિયરોએ સ્ટેડિયમ બનાવ્યું હતું. અમેરિકાના દળોના કમાન્ડર જનરલ જ્હોન પર્શિંગનું નામ સ્ટેડિયમને અપાયું હતું. 14 દેશોની સૈનિક ટુકડીઓએ તેમાં ભાગ લીધો હતો. સાઉદી અરેબિયા ત્યારે હજી સંયુક્ત બન્યું નહોતું અને અંગ્રેજોનો કબજો હતો. તેમાં એક રાજ્ય હતું હેજાઝ. તેમના ઊંટસવાર સૈનિકો હતા તેમણે રમતોત્સવના ઉદ્ધાટન વખતે પરેડ કાઢી હતી.


આ બધા એલાઇડ ફોર્સિસ એટલે કે મિત્ર દળો હતો. બધાએ સાથે મળીને દુશ્મનો સામે લડાઈ કરી હતી, હવે અંદરોઅંદર સ્પર્ધા કરવાની હતી. યુદ્ધના મેદાનમાં લડાઈ અને સ્ટેડિયમના મેદાનમાં ખેલની સ્પર્ધા કેટલી જુદી હોય છે તેનો સીધો અનુભવ સૈનિકોને થયો. તેમની માનસિકતામાં આના કારણે બહુ ફાયદો થયો હશે તેમ મનોવિજ્ઞાનીઓ માને છે.

તે વખતથી જ અમેરિકા મહાસત્તાના લક્ષણો ધરાવતું થઈ ગયું હતું. એટલે 14 સાથી દેશો વચ્ચે સ્પર્ધા થઈ અને સૌને મડેલો પણ અપાયા, પણ તેમાં અમેરિકી સૈનિક વત્તા રમતવીર છવાયેલા રહ્યા હતા. સમગ્ર આયોજન પણ અમેરિકાની સેના સાથે જોડાયેલી એલ્વૂડ બ્રાઉનની કલ્પના પ્રમાણે થયું હતું એટલે રમતોત્સવમાં અમેરિકી છાંટ દેખાઈ આવતી હતી. યુરોપમાં રહેલા અમેરિકાના દળો સાથે તેઓ એથ્લેટિક્સ વિભાગના વડા તરીકે જોડાયેલા હતા. યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હોય અને ફ્લૂનો રોગચાળો ફેલાવાનું જોખમ ઘટી ગયું હતું તેથી સૈનિકોને પ્રવૃત્તિમય રાખવા માટે રમતોત્સવ કરવો જોઈએ એમ તેમને લાગ્યું હતું. એવું પણ કહેવાય છે કે અમેરિકાના સૈનિકો રમતગમતમાં પણ હોશિંયાર છે અને યુદ્ધવીર ઉપરાંત રમતવીર છે એવું પણ તેઓ આ રીતે દર્શાવવા માગતા હતા.
તેમને રમતોત્સવની દરખાસ્ત કરી હતી તેમાં લખ્યું પણ હતું કે “આપણા સાથી દળોને દર્શાવી શકીશું કે અમેરિકા સ્પોર્ટ્સમાં પણ બેસ્ટ છે, તેમનામાં ખેલદિલી છે અને સાથોસાથ શારીરિક રીતે સૌથી સુસજ્જ છે.” જોકે આમાં ચાલાકી એ કરવામાં આવી હતી કે રમતોત્સવનું નક્કી થઈ ગયું તે પછી અમેરિકાથી જહાજ રવાના કરીને તેમાં 40 ઍથ્લેટ્સને મોકલી અપાય હતા. આ લોકોએ કંઈ યુરોપના યુદ્ધમાં ભાગ લીધો નહોતો. એક હજાર જેટલા ઍથ્લેટ્સ વચ્ચે તેઓ છવાઇ ગયા હતા અને તેના કારણે પણ અમેરિકાને વધારે મેડલ મળ્યા હતા.

સૈનિકો યુદ્ધમાં લડતા હોય ત્યારે તેને જોવા માટે નાગરિકો જઈ શકે નહિ, પણ અહીં રમતના મેદાનમાં જંગ જામ્યો હતો, જે જોવા માટે પારીસ અને દૂરથી પણ નાગરિકો ઉમટી પડ્યા હતા. દિવસ આખો રમતોત્સવ ચાલે અને રાત્રે મનોરંજનના કાર્યક્રમો અને પાર્ટીઓ. ફિલ્મના શૉ થતા હતા અને સૈનિકો સાથે ડાન્સ પાર્ટનર્સ બનવા માટે પણ અમેરિકાથી 95 યુવતીઓ લાવવામાં આવી હતી. આવી ધામધૂમને કારણે આખો રંગ અમેરિકી થઈ ગયો હતો. અમેરિકીઓ ત્યારથી આંકડાં રાખવાની આદત ધરાવે છે. એટલે આવાં આંકડાં નોંધ્યા હતાઃ 39,000 લીટર આઇસક્રીમ, 2,00,000 ગેલન લેમોનેડ વાયએમસીએના સ્વંયસેવકોએ સૈનિકોને પીરસ્યા હતા. વાયએમસીએ જાણીતી ક્લબ છે અને ઍથ્લેટ્સના નિષ્ણાત તરીકે બ્રાઉન આ સંસ્થા સાથે પણ કામ કરતા હતા. તેથી ક્લબ તેમાં જોડાઈ હતી અને સૈનિકોને આઇસક્રીમ અને પીણાં મફતમાં પીવરાવ્યા હતા. સૈનિકો એટલું ચિક્કાર પીતા હતા કે તેઓ બીમાર પડી જશે એવી પણ ચિંતા થવા લાગી હતી.બીજા વિશ્વ યુદ્ધના અંત પછી સાથી દળોના સૈનિકો વચ્ચે આવી જ રીતે રમતોત્સવ યોજવાનો વિચાર કરાયો હતો, પણ તે પ્રથમ વખત જેવો જામ્યો નહોતો. પ્રથમ વારનો પ્રયાસ જ યાદગાર બની રહ્યો હતો. પર્શિંગ સ્ટેડિયમ હજીય ઊભું છે અને ત્યાં બેઝબોલ ગેમ્સ રમાતી રહે છે, જે અમેરિકી સંભારણું જ છે.

કોરોનામાંથી જગત કેવી રીતે બહાર આવશે તે માટે રાહ જોવાની છે, પણ એક વાતનો ઇશારો એ પણ થયો છે કે આધુનિક ટેક્નોલૉજી વધી છે, સાધનો વધ્યા છે, પણ માનવ પોતે નબળો પડ્યો છે. કુદરતની આપત્તિઓ સામે બાકીના જીવોની જેમ બથોડાં લેવાની તેની તાકાત ઘટતી જાય છે. પૃથ્વીની સૃષ્ટિ પર મનુષ્યનો કબજો થઈ ગયો છે, પણ અત્યંત નાનો, સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુ તેને આકળવિકળ કરી દે છે એ પણ હકીકત છે. માનવને ફરીથી શ્રમ કરતો કરવો ઉત્તમ, પણ તે મુશ્કેલ છે ત્યારે કમસે કમ માણસને વધારેમાં વધારે ખેલ કરતા કરવો પડશે – ખેલ એટલે સ્પોર્ટ્સ હોં, ખેલ એટલે પછી પેલા સ્વાર્થી ખેલ નહિ હોં…