માસ્ક પહેરવા વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાની વિચારણા

માસ્કનો લેખ વાંચો તે પહેલાં જાણી લો કે અમેરિકાની સરકારે શુક્રવારે નાગરિકોને અપીલ કરી છે કે ગ્રોસરી સ્ટોર વગેરે જગ્યાએ જાવ ત્યારે અચૂક સાદા માસ્ક પહેરજો. જોકે પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે મેડિકલ માસ્ક નહિ, પણ સાદા માસ્ક પહેરજો, જેથી તબીબી સ્ટાફ માટે મેડિકલ માસ્કની તંગી ઊભી ના થાય. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે માસ્ક પહેરવાની ભલામણ સ્વૈચ્છિક છે અને હું પોતે સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરવાનો નથી.

કોરોના વાયરસના સંકટ વચ્ચે કોણે કોણે અને કેવી રીતે માસ્ક પહેરવો જોઈએ તેની ચર્ચા નિષ્ણાતો વચ્ચે પણ થતી રહી છે. આમ જનતા પણ તેની ચર્ચા કરતા હોય છે, પણ નિષ્ણાતો તેની ચર્ચા જરા અલગ રીતે કરતા હોય છે. હાલમાં ફરી એકવાર માસ્ક કોણે પહેરવો, કેવા પ્રકારનો પહેરવો, કેટલો સમય અને કેવી પદ્ધતિએ પહેરવો અને તેના નિકાલમાં કેવી કાળજી લેવી તેની પુનઃવિચારણા થઈ રહી છે. પુનઃવિચારણાનો અર્થ એ નથી કે માસ્ક ના પહેરવા માટેની સલાહ અપાશે. પરંતુ વધારે અભ્યાસ સાથે અને સમજણ સાથે ગાઇડલાઇન અપાશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના સલાહકારોની એક કમિટી બેસાડાઈ છે તે આ વિશે હાલમાં વિચારણા કરી રહી છે. માસ્ક વિશેની ગાઇડલાઇન વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી જ છે, પરંતુ તેમાં સુધારો કે વધારો કરવો કે કેમ તેની વિચારણા ચાલી રહી છે. કારણ એટલું કે સ્વતંત્ર સંશોધકોએ ખાંસી અને છીંકને કારણે છાંટા કેટલે સુધી દૂર ઊડી શકે છે તેનો નવો અભ્યાસ કર્યો તેને ધ્યાનમાં લઈને નવેસરથી વિચારણા થઈ રહી છે.

ભારતમાં સામાન્ય દિવસોમાં પણ, મોટા શહેરોમાં દ્વિચક્રી વાહનચાલકોએ હેલમેટ અને હેલમેટ નહિ તો મોંઢે રૂમાલ બાંધીને જ નીકળવું પડે છે. ચાલવા નીકળ્યા હોઈએ ત્યારે પણ અને ઉનાળામાં માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી લેવાતો હોય છે. આ સામાન્ય કાળજી લેવાની વાત છે.

પરંતુ કોરોના જેવી મહામારી વખતે માસ્ક વિશે ગાઇડલાઇન આપવામાં આવે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા પાકું કરીને આપતી હોય છે. હાલમાં જે ગાઇડલાઇન અપાઇ છે તે પ્રમાણે તબીબી સ્ટાફે તેમના માટેના વિશેષ N95 જેવા માસ્ક પહેરવાના હોય છે. પરંતુ જાહેર જનતા માટે એવી ગાઇડલાઇન હતી કે બિલકુલ તંદુરસ્ત માણસ પોતાના ઘરે હોય અથવા બહાર જાય ત્યારે ભીડમાં ના હોય, બીજાથી દૂર હોય ત્યારે માસ્ક ના પહેરે તો ચાલે. પરંતુ અન્યોની નજીક હોય, ખાસ કરીને બીમાર વ્યક્તિની નજીક જવાનું થાય ત્યારે માસ્ક પહેરવો જોઈએ. ક્લિનિક પર જતી વખતે માસ્ક પહેરવો જોઈએ વગેરે સલાહ આપેલી છે.

ખાસ કરીને ખાંસી અને છીંક આવતી હોય તે વ્યક્તિએ પોતાના પરિવારની કાળજી માટે, આસપાસના લોકોની કાળજી માટે મોં ઢાંકવું જરૂરી છે. રૂમાલ આડે રાખીને ઉઘરસ ખાવી જોઈએ અને તરત જ રૂમાલને ખિસ્સામાં નાખી દેવો જોઈએ. એવી કાળજી સાથે કે તેના શરીરના બીજા ભાગને પણ ભીનો હિસ્સો અડે નહિ. વારંવાર રૂમાલ બદલી પણ નાખવો જોઈએ.

એ બધી ગાઇડલાઇન તેમને ઓનલાઇન વાંચવા મળશે, વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર પણ વિગતવાર તે મૂકેલી છે તે જોઈ લેશો. અહીં તમને એ સમાચાર આપીએ છીએ કે હાલમાં ખાંસી ખાવાથી અને છીંકથી છાંટા કેટલે દૂર ઊડે, કેવી રીતે ઊડે, હવામાં કેટલો સમય રહે અને નીચે બેસી જતા કેટલો સમય લાગે તેનું અલગથી સંશોધન થયું છે.

અમેરિકાની એમઆઈટીના સંશોધકોની એક ટીમે કોરોના પછી માસ્ક વિશે ઊભી થયેલી ચર્ચાને ધ્યાનમાં લઈને પ્રયોગો કરવાનું નક્કી કર્યું હતું. અમેરિકા અને યુરોપના લોકો માસ્ક પહેરવાનું ઓછું પસંદ કરે છે. ભારતમાં અને એશિયાના ઘણા દેશો તથા અરબ અને આફ્રિકા જગતમાં પણ ગરમ વાતાવરણ અને ઊડતી ધૂળને કારણે માથું ઢાંકી રાખવાની ટેવ હોય છે. તેથી અમેરિકામાં પ્રારંભમાં માસ્ક પહેરવા વિશે જુદી જુદી સલાહો અપાતી રહી હતી.

કેટલાક ડૉક્ટરોએ પોસ્ટ કરીને પબ્લિકને કહ્યું કે તમે માસ્ક ખરીદીને ખોટો બગાડ ના કરો. તેમનો ઇરાદો કદાચ સારો હતો, કેમ કે હોસ્પિટલમાં કામ કરતાં, પબ્લિક સંપર્કમાં રહીને કામ કરતાં પોલીસ સહિતના વિભાગના કર્મચારીઓને માસ્કની વધારે જરૂર હોય છે. માસ્કની અછત ઊભી થઈ અને લોકોએ મોટા પ્રમાણમાં ખરીદી કરીને ઘરે મૂકી દીધા તેથી ચિંતા ઊભી થઈ હતી. તેની જનતાને જણાવવું પડ્યું હતું કે તમારે બિનજરૂરી 24 કલાક માસ્ક પહેરીને ફરવાની જરૂર નથી. ગ્રોસરી લેવા જાવ ત્યારે પહેરો. ખાસ તો ક્લિનક પર જાવ ત્યારે પહેરો. તે સિવાય ઘરમાં પહેરવાની જરૂર નથી.

બે વ્યક્તિ વચ્ચે કેટલું અંતર રાખવું તેની ગાઇડલાઇન પણ દેશો પ્રમાણે અને નિષ્ણાતો પ્રમાણે જુદી જુદી જાહેર થઈ હતી. 3 ફૂટ અથવા પાંચ ફૂટ અને ઘણા દેશોમાં, રાજ્યોમાં 6થી 8 ફૂટ દૂર રહેવાની સલાહ અપાઈ હતી. આ બધી સલાહોનો સાર એ કે ચેપ એક વ્યક્તિમાંથી છૂટે ત્યારે કેટલે દૂર સુધી જઈ શકે છે તેને ધ્યાનમાં લઈને કાળજી લેવાની હોય. તેથી ચેપ એટલે કે ડ્રોપલેટ એટલે કે આપણી ભાષામાં છાંટા કેટલે દૂર ઊડે તેની સચોટ જાણકારી જરૂરી છે.

એમઆઈટીના પ્રોફેસર લીડિયા બોરિબા અને તેમની ટીમે નિર્ણય કર્યો કે છાંટા કેટલે દૂર ઊડે તેનું પાકું કરીએ. તેથી એકથી વધુ હાઇસ્પીડ કેમેરા, ભેજ પારખતા સેન્સર્સ વગેરેનો ઉપયોગ કરીને પ્રયોગો કર્યા. વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય ત્યારે શું થાય તે રેકર્ડ કરવામાં આવ્યું. કેમેરામાં જોવા મળ્યું કે જોશથી છીંક ખવાય ત્યારે છાંટા ઊડે તે એક બીજાની નજીક હોય એટલે નાનકડું વાદળું નીકળ્યું હોય તેવું લાગે. વાદળું આગળ વધે તેમ ફેલાતું જાય અને છાંટા વિખેરાતા જાય. કેટલાક છાંટા મોટા હોય (મોટા એટલે આપણા વાળથી તો કેટલાય નાના), કેટલાક નાના હોય. સાઇઝ પ્રમાણે તેની ગતિમાં ફેર પડવા લાગે. મોટા છાંટા નીચેની તરફ જવા લાગે, જ્યારે નાના છાંટા વધારે દૂર સુધી સીધે જાય.

દૂર એટલે કેટલે દૂર જાય તે જોવાનું હતું. છીંકને કારણે નાના છાંટા 8 મીટર સુધી દૂર જતા દેખાયા, જ્યારે ખાંસીથી પણ છાંટા 6 મીટર દૂર સુધી પહોંચતા હતા. આ પ્રયોગ ચિંતા કરાવે તેવો હતો, કેમ કે મોટા ભાગના નિષ્ણાતોએ બે મીટરનો અંદાજ બાંધીને 6 ફૂટથી દૂર રહેવા લોકોને જણાવ્યું હતું. પરંતુ અહીં નાના છાંટા 20 ફૂટ સુધી પહોંચી શકે તેવી શક્યતા દેખાતી હતી.

અહીં યાદ એ રાખવાનું છે કે પ્રારંભિક પ્રયોગો થયા તે બંધ કમરામાં થયા હતા. ચારે બાજુ કેમેરા અને ઉપકરણો ગોઠવાયેલા હતા વગેરે. વાસ્તવિક જીવનમાં, રસ્તા પર હવાની ગતિ, વ્યક્તિની હલનચલન વગેરે પરીબળો પણ ગણવા પડે. આમ છતાં આ પ્રયોગે એટલું તો દર્શાવ્યું કે બે વ્યક્તિ વચ્ચે સલામત અંતર વિશે વિચારવું પડે. સાથે જ ધારણા કરતાં વધુ દૂર છાંટા પહોંચી જાય છે ત્યારે માત્ર અંતર નહિ, બીજી પણ કાળજી લેવી પડે.

આ બીજી કાળજી એટલી માસ્ક પહેરવો. એક રૂમમાં કોઈએ છીંક ખાધી તો રૂમના બીજે છેડે બેઠેલા માણસને પણ ચિંતા થઈ શકે. પણ જો માસ્ક પહેર્યો હોય તો છાંટાનું વાદળ સીધું નાકે કે મોંમાં જવાના બદલે ફંટાઇ શકે. સારી ગુણવત્તાનો, સારી રીતે પહેરેલો માસ્ક ભીના પદાર્થને સીધા ત્વચા સુધી જવા ના દે. તેનો અર્થ કે ગ્રોસરી સ્ટોર, મોલ વગેરેમાં માસ્ક પહેરવાનો કે મોઢે રૂમાલ બાંધવાનો આગ્રહ રખાય છે તે યોગ્ય છે. ભારતમાં તો મોટા ભાગે લોકો રૂમાલ બાંધી લે છે, પણ યુરોપ અમેરિકામાં લોકો તે બહુ પસંદ કરતા નથી.

તેથી પ્રોફેસેર લીડિયાનું સંશોધનને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ગંભીરતાથી લીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિષ્ણાતોની એક પેનલ બેસાડી છે. પેનલના વડા તરીકે પ્રોફેસર ડેવિડ હેયમેન છે. હેયમેને કહ્યું છે કે તેમની પેનલ આ પ્રયોગ તથા આ પ્રકારના અન્ય સંશોધનો અને પ્રયોગોનો અભ્યાસ કરશે. નવા જે પણ સંશોધનો થયા છે અને પુરાવા મળ્યા છે તેના આધારે માસ્ક પહેરવા અંગેની વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનમાં જરૂરી સુધારાવધારા કરાશે એમ હેયમેને જણાવ્યું છે.

હાલમાં ખાંસી ખાતી વ્યક્તિથી કમસે કમ એક મીટર દૂર રહેવાની સલાહ છે. તેમાં પણ ફેરફાર થઈ શકે છે અને વધારે દૂર રહેવાની સલાહ પણ આપી શકાય છે. હાલમાં કોરોના માટે તાત્કાલિક આ બાબતોનો વિચાર થઈ રહ્યો છે, પરંતુ બાદમાં આ સંશોધનો આગળ વધશે તે નક્કી છે. ખાંસી અને છીંક ખાધા પછી આસપાસમાં શું સ્થિતિ સર્જાય છે તેના વધારે વ્યાપક સંશોધનો થશે, જેથી માત્ર રોગચાળામાં નહિ, પરંતુ સામાન્ય સ્થિતિમાં પણ સ્વચ્છતા અંગેના વિચારો નવેસરથી કરી શકાય.

વિશ્વ આરોગ્ય સંસ્થાની માસ્ક પહેરવા વિશેની ગાઇડલાઇન સુધારા સાથે આવે ત્યારે તે જાણી લેશો. અમે પણ તમને જણાવીશું. બીજું કે માસ્ક પહેરવો તે કેવો અને કઈ રીતે તેની પણ વિવિધ માર્ગદર્શિકા છે. તે પણ સમજી લેવી જોઈએ. સાદો રૂમાલ બાંધવાથી કામ ચાલતું નથી. નાકની આસપાસનો વિસ્તાર બિલકુલ સીલ થવો જોઈએ અને માસ્કમાં ફિલ્ટરેશનની પણ વ્યવસ્થા હોવી જોઈએ.

બીજું કે માસ્ક વારંવાર બદલો પડે. કેટલા કલાકમાં બદલવો તે કેવા વાતાવરણમાં તમે કામ કરો છો તેના પર છે. ચાર દિવાલ વચ્ચે વધારે લાંબો સમય પહેરી શકાય, પણ ચાર રસ્તા પર ઊભા રહીને કામ કરવાનું હોય ત્યારે ઓછો સમય ચાલે. બીજું કે મોઢા પરથી તેને કાઢતી વખતે એકદમ કાળજી લેવી જોઈએ. સંભાળપૂર્વક વાળીને પેક કરીને પ્લાસ્ટિકની થેલીમાં નાખી દેવો જોઈએ. બાદમાં અલગથી તેનો નિકાલ કરવો પડે. મોટા પ્રમાણમાં માસ્કનો નિકાલ મેડિકલ ઇક્વિપમેન્ટના નિકાલના કડક ધોરણે કરવાનું વિચારવું પડશે તેવો પત્ર મહેશ પંડ્યા જેવા પર્યાવરણવિદે સરકારને લખ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]