જસ્ટીન ટ્રુડોની વેશભૂષા જેટલા વૈવિધ્યપૂર્ણ વિવાદો

સ્ટીન ટ્રુડો બહુ નાની ઉંમરે કેનેડાના વડાપ્રધાન બની શક્યાં, કેમ કે તેમના પિતા પિયર ટ્રુડો 15 વર્ષ વડાપ્રધાન હતા. તેમના પિતા મજબૂત વડાપ્રધાન ગણાતા હતાં. તેમણે કેટલાક મૂળભૂત પરિવર્તનો કેનેડામાં કર્યા હતાં. ફ્રેન્ચને અંગ્રેજી સાથે સત્તાવાર ભાષા તેમણે બનાવી હતી. તેઓ કેબેક પ્રાંતના હતા અને કેબેકમાં ફ્રેન્ચોની બહુમતી હતી. ફ્રેન્ચને તેમનો દીકરો જસ્ટીન પણ મહત્ત્વ આપે છે. એક વખતે સવાલ અંગ્રેજીમાં પૂછાયો, પણ તેમણે જવાબ ફ્રેન્ચમાં આપ્યો હતો. તેમણે વિવાદ થયો તો કહ્યું કે પોતે કેબેક પ્રાંતમાં છે એટલે જવાબ ફ્રેન્ચમાં આપ્યો હતો.

ભાષા અને સંસ્કૃત્તિ અને પરંપરાના મામલે કેનેડામાં પણ રાજ્યોરાજ્યો વચ્ચે ખેંચતાણ ચાલે છે તેની આપણને આમ નવાઈ લાગે. પણ લાગવી ના જોઈએ, કેમ કે ભાષાના નામે, રાજ્યોની પોતપોતાની અસ્મિતાના નામે આપણે ભારતમાં લડ્યા જ કરતાં હોઈએ છીએ. એક બીજા વિશે કટાક્ષો પણ કર્યા કરતા હોઈએ છીએ. આજકાલ બેન્કોને અબજો રૂપિયામાં લૂંટી લેવામાં આવી છે એટલે મજાકો થતી હોય છે કે ગુજરાતીઓ ચારે બાજુથી દેશને લૂંટી રહ્યાં છે. વડાપ્રધાન પણ ગુજરાતી, આરબીઆઇના વડા પણ ગુજરાતી, સૌથી મોટા ઉદ્યોગપતિઓ પણ ગુજરાતી, બેન્કો લૂંટી જનારા પણ ગુજરાતી.

આ સંદર્ભમાં કેનેડામાં હમણાં વડાપ્રધાનના કુટુંબનું મૂળ કેબેકમાં છે તેના નામે કટાક્ષો થયા અને તેના સંદર્ભમાં તેમની ભારતની બહુ લાંબી યાત્રા હતી. આખું અઠવાડિયું જસ્ટીન ભારતમાં રહ્યા અને અહીં વણનોતર્યા મહેમાન જેવી તેમની સ્થિતિ હતી. તે વાતની ટીકા અને કટાક્ષ કેનેડામાં બીજા અને ત્રીજા અઠવાડિયે પણ ચાલતી રહી છે. એવો કટાક્ષ થયો છે કે ઘણા વર્ષે દુનિયાએ કેનેડાની નોંધ લીધી. કેનેડા અમેરિકાનું આશ્રિત રાષ્ટ્ર હોય તેમ ચૂપચાપ તેની ચાળ પકડીને બેઠું રહે છે. વિશ્વના મંચ પર તેની કોઈ નોંધ લેવાતી નથી, પરંતુ જસ્ટીન ટ્રુડો કારણે દુનિયાને ખ્યાલ આવ્યો કે કેનેડા નામનો દેશ છે પણ ખરો.

ભારતના અઠવાડિયાના પ્રવાસે આવેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, એમના પત્ની સોફી અને એમના ત્રણેય બાળકોએ 21 ફેબ્રુઆરી, બુધવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યાંના રસોઈગૃહમાં જઈ સેવા પ્રદાન કરી હતી. એમણે રોટલીઓ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં શીખ અને પંજાબી સમુદાયના લોકો મોટી સંખ્યામાં વસે છે. જસ્ટિન ટ્રુડો અને એમના પરિવારે અમૃતસરની મુલાકાત લઈને કેનેડામાં વસતા શીખ અને પંજાબ સમુદાયના લોકોના મહત્વને રેખાંકિત કર્યું છે.

કેનેડાના વડાપ્રધાનને ફેશનની ખબર પડે છે એવી દુનિયાને ખબર પડી. આવો કટાક્ષ થયો, કેમ કે ટ્રુડો અને તેમના પરિવારે ભારતમાં એક અઠવાડિયા દરમિયાન ખરેખર ‘વેશ કાઢ્યા’ હતા. ગુજરાતમાં ગુજરાતી પોષાક પહેર્યો અને પંજાબમાં પંજાબી કુરતા ચડાવ્યા હતા. માથે પાઘડીઓ પહેરી અને ખભે ખેસ નાખ્યા અને ન જાણે શું શું કર્યું.
શરૂઆતમાં ક્યુટ ફોટો તરીકે વિવિધ વેશભૂષામાં ટ્રુડો પરિવારની તસવીરો પ્રગટ થઈ, પણ ભારતનો પ્રવાસ આગળ વધતો ગયો તેમ તેમના વરણાગી વેષમાં વિવિધતાના રંગ નહી, પણ જોકરના ઢંગ નિરિક્ષકોને દેખાવા લાગ્યા હતા. કાર્ટૂનિસ્ટોએ કાર્ટન દોર્યા – જાપાનમાં કિમોનો, સ્પેનમાં ફ્લેમેન્કો…

આ કેબેકવાળા છે જ એવા – એવો એથનિક ઝઘડો પણ કેનેડામાં શરૂ થયો હતો. અન્ય એક કાર્યક્રમમાં તેમણે આલ્બર્ટાની અવગણના કરી એટલે ત્યાંના લોકો નારાજ થઈ ગયા હતા. ગત જુલાઈમાં કેનેડા ડે પર ટ્રુડોએ ભાષણ કર્યું ત્યારે તેમણે દરેક રાજ્ય વિશે કમેન્ટ્સ કરી હતી. કેનેડામાં 13 રાજ્યો છે, પણ તેમાં આલ્બર્ટાનો ઉલ્લેખ કરવાનું તેઓ ચૂકી ગયા. બાદમાં એનાઉન્સરે યાદ અપાવ્યું એટલે તેમણે સોરી કહ્યું અને કહ્યું કે વી લવ યુ, આલ્બર્ટા. જોકે આલ્બર્ટામાંથી અનેક લોકોએ કમેન્ટ કરી કે વી નો યુ હેટ આલ્બર્ટા. આલ્બર્ટા સાથે ના પિતા પિયર ટ્રુડોને પણ વાંધો પડ્યો હતો. આ રાજ્યમાં તેમના પિતા ધિક્કારને પાત્ર થયા હતા. આલ્બર્ટામાંથી ખનીજ તેલ નીકળે છે. તેના કારણે સ્થાનિકોને સસ્તામાં ફ્યુઅલ મળે અને વીજળી પણ સસ્તી મળે. આ નીતિનો તેમણે વિરોધ કર્યો હતો અને સમગ્ર કેનેડાની જે એનર્જી પોલિસી હોય તે આલ્બર્ટામાં પણ લાગુ પાડવાની ફરજ પાડી હતી. આલ્બર્ટાના મુખ્ય શહેર કેલગરીના મેયરે એક સ્ટિકર તૈયાર કર્યું હતું. લોકો પોતાના બમ્પર પર તે સ્ટિકર લગાડતા હતા. તેમાં લખ્યું હતું કે પૂર્વના મૂર્ખાઓને અંધારામાં જ રહેવા દો.

કેનેડાના મૂળ રહેવાસી જેને સામાન્ય રીતે રેડ ઈન્ડિયન્સ તરીકે આપણે ઓળખીએ છીએ તેની પણ મોટી વસતિ બચી ગઈ છે. તેમના માટે વિશાળ વિસ્તારમાં રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. ઇમિગ્રેશનના કારણે દુનિયાભરના લોકો કેનેડામાં જઈને વસ્યા છે. ફ્રેન્ચ અને અંગ્રેજી બોલનારાની સંખ્યા પણ સ્પર્ધા કરે છે. આ બધાના કારણે કેનેડામાં વૈવિધ્યની ઉજવણી કરવી એવી પરંપરા પડી છે.

પરંતુ વૈવિધ્યના નામે કેનેડાના વડાપ્રધાને ભારત જઈને વેશ કાઢ્યા તેની ટીકા પણ થઈ. વેશ કાઢવા સુધી વાંધો ના આવ્યો હોત, પણ અવગણના છતાં આખું અઠવાડિયું તેમણે ભારતમાં વીતાવ્યું તેની પણ ટીકા થઈ છે. આખું અઠવાડિયું તેમણે મજા જ કરી. પરિવાર સાથે હર્યાફર્યા અને પિકનિક મનાવી, દેશની તીજોરીના ખર્ચે. ભારતમાં તેમના પ્રવાસનો વિવાદ થશે તે વાત અજાણી નહોતી. ખાલિસ્તાનીઓનું ખુલ્લું સમર્થન ટ્રુડોનો પક્ષ કરતો આવ્યો છે. તેમ છતાં અઠવાડિયાના પ્રવાસનું કેમ આયોજન થયું તે ઘણાને સમજાયું નથી.

આવા લાંબા પ્રવાસ પહેલાં ડિપ્લોમેટ્સ મળીને કાર્યક્રમો નક્કી કરતા હોય છે. તેના પરથી જ જસ્ટીન ટ્રુડોના વિદેશ મંત્રાલયે સમજી જવાની જરૂર હતી કે તેમને ભારતમાં આવકાર મળશે નહિ. જોકે આ જાણવા છતાં સ્થાનિક રાજકારણમાં પોતાને ફાયદો થશે એમ સમજીને જસ્ટીને પોતાનો પ્રવાસ લાંબો જ રાખ્યો હતો. ચાર ચાર શિખ જેમના પ્રધાનમંડળમાં હોય તેમના માટે શિખોનું સમર્થન અગત્યનું હશે તેમ ધારી લેવાનું રહ્યું. આ સ્થાનિક રાજકારણ તેમના વિદેશ પ્રવાસમાં હતું અને તે વધારે ચગ્યું તેથી તેઓ દેશ પાછા ફર્યા પછી સ્થાનિક ધોરણે ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
કેનેડાના 13 રાજ્યોમાં જુદી જુદી રીતે આ પ્રવાસને લેવામાં આવી રહ્યો છે. શિખ અને ઇમિગ્રન્ટ્સની વસતિ વધારે હોય ત્યાં જુદી રીતે તેને જોવામાં આવે છે, જ્યારે અન્ય રાજ્યોમાં જુદા પ્રકારની ટીપ્પણીઓ થઈ રહી છે. પિતા પાસે રાજકારણ શીખેલા જસ્ટીન યુવાન વયે જ પીઢ રાજકારણી થઈ ગયા છે એમ વિશ્લેષકો કહે છે. તેમણે અત્યારથી જ પરસ્પર વિરોધી વિચારસરણીવાળા જૂથો વચ્ચે ચર્ચા જગાવીને આગામી ચૂંટણીઓ માટેની ભૂમિકા બાંધી લીધી છે. કેબેકવાળા કહે છે કે આજકાલ કેનેડામાં અને કેનેડામાંથી સમાચારો જગાવવાનો અધિકાર અમારો જ છે. પણ આજકાલ અમે શાંત થઈ ગયા છીએ અને કોઈ ધમાલ કરતા નથી ત્યારે ઓન્ટેરિયાવાળા વિદેશ જઈને સમાચારોમાં ચમકી રહ્યા છે – આવા પ્રકારની મજાકો વચ્ચે કેનેડામાં તેમના પ્રવાસની ભારે ચર્ચા છે.

અમેરિકામાં ઇમિગ્રેશનના મુદ્દે ભારે ઉહોપોહ મચેલો છે. ઇમિગ્રન્ટ્સના કારણે ઇકોનોમી ચાલે છે તેના કારણે તેમને આવવા દેવા છે, પણ એક વર્ગ એવો પણ ઊભો થયો છે, જેમને વિદેશીઓ ગમતા નથી. ગોરાઓની ભૂમિમાં બહુરંગી લોકોની હાજરી ઊડીને આંખે વળગે છે. રૂઢિચૂસ્ત ગોરાઓને તે ગમતું નથી. અમેરિકાના જાહેર જીવનમાં ભારતીયો અને ચીનાઓ છવાયેલા છે. ખાસ તો ભારતીયો. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી જગતની બંને કંપનીના સીઈઓ ભારતીયો હોય તે વાત દેખાયા વિના કેવી રીતે રહે. આવા બીજા ડઝન નામો લઈ શકાય તેમ છે. મોટેલ ઉદ્યોગ સંપૂર્ણપણે પટેલોના હાથમાં છે. આઇટી માટે એચ-1બી વીઝામાંથી 70 ટકા ભારતીયો લઈ જાય.

આવી સ્થિતિમાં ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટેનું વાતાવરણ અમેરિકામાં તૈયાર થયું છે. આવા વાતાવરણ વચ્ચે કેનેડાના દ્વારા ખુલ્લા છે એવું કહેવાયું હતું. કેનેડાની આ નીતિની ચર્ચા પણ સ્થાનિક ધોરણે થયા વિના રહે નહિ. કેનેડામાં પણ ગોરા લોકોને વિદેશીઓ આવે તે ગમતું નથી. કેનેડા અત્યંત વિશાળ દેશ છે, પણ ઉત્તરના ભાગમાં સતત બરફ છવાયેલો રહે છે. અમેરિકાની જેમ એશિયનોને રહેવા અનુકૂળ પ્રદેશો ઓછા છે, તેમ છતાંય એશિયનો અને ભારતીયો અહીં આવવા રાજી છે. વિશાળ પ્રદેશ અને વસતિ ટૂંકી, પણ ઇમિગ્રન્ટ્સની સંખ્યા અમુક જ શહેરો પૂરતી મર્યાદિત હોય એટલે ત્યાં તેમની હાજરી તરત દેખાય આવે. અમેરિકાની જેમ કેનેડીયન કંપનીઓમાં ભારતીયો સીઈઓ બનીને કબજો નથી કરી રહ્યા, પણ ઇન્ટરનેટમાં ટોપ ફાઇવની વાત કરવામાં આવે ત્યારે કેનેડાની શિખ યુવતી લીલીસિંહની વાત આવે. આવા બીજા દાખલાને કારણે કેનેડામાં પણ ભારતીયોની, બિનગોરાની હાજરી નાગરિકોમાં નાકનું ટિચકું ચડાવવાનો વિષય છે. બીજી બાજુ જસ્ટીન ટ્રુડો જેવા નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પથી વિરુદ્ધ મલ્ટિકલ્ચર માટે પોતે મલ્ટિજાતના વસ્ત્રો ધારણ કરી શકે છે એવું કહે છે – તેથી આ બધી ધમાલ મચી છે.