પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાઈ આવ્યા હિન્દુ મહિલા કૃષ્ણાકુમારી કોલ્હી

મુસ્લિમ બહુમતીવાળા પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ – સેનેટમાં પહેલી જ વાર લઘુમતી હિન્દુ-દલિત સમુદાયનાં મહિલા ચૂંટાઈ આવ્યાં છે. 39 વર્ષીય કૃષ્ણાકુમારી કોલ્હી સિંધ પ્રાંતમાંથી સેનેટર બન્યાં છે.

ભારતમાં સંસદમાં જેમ ઉપલા ગૃહને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે તેમ પાકિસ્તાનની સંસદમાં સેનેટ કહેવાય છે. ભારતીય સંસદમાં નીચલા ગૃહને લોકસભા જ્યારે પાકિસ્તાનની સંસદમાં રાષ્ટ્રીય ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે.

કૃષ્ણાકુમારી બિલાવલ ભૂટ્ટો-ઝરદારીની આગેવાની હેઠળના પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)નાં સભ્ય છે. પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાઈ આવનાર પ્રથમ હિન્દુ મહિલા હતા રત્ના ભગવાનદાસ ચાવલા. તેઓ પણ પીપીપીનાં જ સભ્ય હતા.

કૃષ્ણાકુમારીએ સિંધ પ્રાંતમાંથી મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી બેઠક પર સેનેટમાં પ્રવેશ કર્યો છે. એમણે ચૂંટણીમાં તાલીબાન સાથે સંકળાયેલા એક મૌલાનાને પરાજય આપ્યો છે.

કૃષ્ણાકુમારીની ચૂંટણી પાકિસ્તાનમાં મહિલાઓ તથા લઘુમતી સમાજોનાં અધિકારોના મામલે મોટી સિદ્ધિ તરીકે ગણવામાં આવે છે.

કૃષ્ણાકુમારી સિંધ પ્રાંતના થાર જિલ્લાના નગરપારકર ગામનાં રહેવાસી છે.

કૃષ્ણાકુમારીનો જન્મ 1979ના ફેબ્રુઆરીમાં ગરીબ ખેડૂત જુગ્નો કોલ્હીના પરિવારમાં થયો હતો. કૃષ્ણાકુમારી અને એમનાં પરિવારજનોએ ઉમરકોટ જિલ્લાના કુનરી ગામના જમીનદારની માલિકીની એક ખાનગી જેલમાં ત્રણ વર્ષ વીતાવ્યા હતા. બંદી બનાવવામાં આવ્યા હતા ત્યારે કૃષ્ણાકુમારીની વય 3 વર્ષની હતી. ત્યારબાદ 16 વર્ષની વયે કૃષ્ણાકુમારીનાં લગ્ન લાલચંદ સાથે થયા હતા. એ વખતે કૃષ્ણાકુમારી 9મા ધોરણમાં ભણતાં હતાં. જોકે એમણે ભણવાનું ચાલુ જ રાખ્યું હતું અને 2013માં એમણે સિંધ યૂનિવર્સિટીમાંથી સોશિયોલોજી (સમાજશાસ્ત્ર) વિષયમાં માસ્ટર્સની ડિગ્રી હાંસલ કરી હતી.

સમાજસેવિકા તરીકે કૃષ્ણાકુમારી એમના ભાઈની સાથે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં જોડાયા હતા. કૃષ્ણાકુમારીએ પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો છે અને ખાસ કરીને તેઓ થાર જિલ્લા તથા અન્ય વિસ્તારોમાં વસતા લઘુમતી કોમોના ગરીબ લોકોનાં અધિકારો માટે કામગીરી બજાવતા રહ્યા છે.

કૃષ્ણાકુમારી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની રૂપલો કોલ્હીના પરિવારનાં સબ્યો છે. રૂપલો કોલ્હીએ 1857માં સિંધના નગરપારકર ગામ પર હુમલો કરનાર બ્રિટિશ સલ્તનત દળો સામે યુદ્ધ કર્યું હતું. એમની ધરપકડ કરવામાં આવી હતી અને 1858ની 22 ઓગસ્ટે બ્રિટિશ શાસકોએ એમને ફાંસીએ લટકાવી દીધા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]