કોમી હિંસાને પગલે આખા શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ

કેન્ડી જિલ્લામાં લઘુમતીઓને ટાર્ગેટ કરતી કોમી હિંસાને પગલે શ્રીલંકા સરકારે 10 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી ઈમરજન્સી ઘોષિત કરી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે શ્રીલંકા સરકારે ઈમરજન્સી લાગુ કરી છે.

બહુમતી સિંહાલા કોમ અને લઘુમતી મુસ્લિમ કોમ વચ્ચે હિંસા ફેલાવનારાઓ સામે કડક પગલાં ભરવા માટે શ્રીલંકા સરકારે ઈમરજન્સી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

કેન્ડી જિલ્લામાં થયેલી હિંસામાં બે વ્યક્તિનું મરણ નિપજ્યું છે તથા અનેક મસ્જિદ અને ઘરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

આ હિંસા ગયા અઠવાડિયે કેન્ડી જિલ્લાના થેલ્દેનિયા ગામમાં એક ટોળાના હુમલામાં એક સિંહાલી વ્યક્તિનું મરણ નિપજ્યાને પગલે ફાટી નીકળી હતી. ગઈ કાલથી શરૂ થયેલી હિંસાએ ગઈ રાત સુધીમાં માઝા મૂકી હતી.

કેન્ડી જિલ્લો પર્યટકો માટે જાણીતો છે.

બૌદ્ધ-સિંહાલી નાગરિકની હત્યા થયા બાદ અને મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનોને આગ લગાડવામાં આવ્યા બાદ બંને કોમના લોકો વચ્ચે વૈમન્સ્ય ઊભું થયું હતું. એને પગલે કેન્ડી શહેરના મધ્ય ભાગમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરીસેના અને એમના પ્રધાનમંડળે દેશના કેટલાક ભાગોમાં થયેલી હિંસાને પગલે સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

મુસ્લિમોનો દાવો છે કે સિંહાલી બૌદ્ધ લોકોના ટોળાએ કરેલા હુમલામાં 10 મસ્જિદ, મુસ્લિમોની 75 દુકાનો અને 32 ઘરોને ખરાબ રીતે નુકસાન પહોંચ્યું છે. હિંસાને ડામવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને ત્યારબાદ ગઈ આખી રાત કર્ફ્યૂ ઘોષિત કર્યો હતો.

હજી આજથી જ શ્રીલંકામાં ત્રણ દેશો વચ્ચે ટ્વેન્ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે એવામાં દેશભરમાં ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. જોકે ઈમરજન્સીને કારણે આ સિરીઝ રમવામાં કોઈ અવરોધ ઊભો થશે નહીં. આ સિરીઝમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઉપરાંત શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ પણ રમશે.