કેટેલોનીઆ પ્રાંત સ્પેનથી અલગ થશે?

મેડ્રિડ (સ્પેન) – યૂરોપ ખંડમાં સ્પેન એક મહત્વનો દેશ છે. દુનિયાભરના પર્યટકો માટે સ્પેન એક આકર્ષક દેશ રહ્યો છે. ભારતના પ્રવાસશોખીનો પણ સ્પેનના બાર્સેલોના, પાટનગર મેડ્રિડ ઉપરાંત વેલેન્સિયા જેવા શહેરોનાં પ્રવાસે જવા આકર્ષિત રહે છે.

આ સ્પેન દેશ હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે એના એક પ્રાંત – કેટેલોનીઆનાં લોકો અલગ થવાના પ્રયાસમાં છે.

કેટેલોનીઆનાં પ્રમુખ કાર્લ્સ પ્યૂગડેમોન્ટ આ પ્રાંતને સ્પેનથી અલગ કરાવવા દ્રઢનિશ્ચયી છે.

કાર્લ્સ પ્યૂગડેમોન્ટ

પ્યૂગડેમોન્ટની આ દ્રઢતા એક જનમતના પરિણામને કારણે જોવા મળી છે. એ જનમતમાં 90 ટકા લોકોએ કેટેલોનીઆને અલગ રાષ્ટ્ર બનાવવાની તરફેણમાં મત આપ્યો હતો.

પ્યૂગડેમોન્ટે એક મુલાકાતમાં ત્યાં સુધી કહ્યું છે કે કેટેલોનીઆ અલગ થઈને જ રહેશે અને મોટે ભાગે આ અઠવાડિયાના અંતે કે આવતા અઠવાડિયાના પ્રારંભમાં અલગ થઈ જશે.

બીજી બાજુ, સ્પેનની સરકાર પણ મક્કમ છે કે કેટેલોનીઆ અલગ નહીં થાય. દેશની બંધારણીય કોર્ટે જનમતને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો છે.

પ્યૂગડેમોન્ટની દલીલ છે કે મેડ્રિડ સરકારે નમતું જોખવું જ પડશે, કારણ કે એણે આ મુદ્દે ચર્ચા કરવાની સતત અવગણના કરી છે. જનમતનું પરિણામે મને સ્પષ્ટ ટેકો આપ્યો છે.

જોકે સ્પેનની સરકાર અને અદાલત, બંને કેટેલોનીઆનાં અલગ થવાને માન્યતા આપતી નથી તેથી આઝાદીની ઘોષણાને કાયદેસર ગણાવાય એવી સંભાવના ઓછી છે.

સ્પેનના વડાપ્રધાન મેરીએનો રેજોય પાસે એક વિકલ્પ છે. દેશના બંધારણની 155મી કલમનો આશરો લેવાની. આ કલમનો દેશના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય ઉપયોગ કરાયો નથી, પરંતુ હવે પ્રાંતને અલગ થતું રોકવા માટે આ કલમનો ઉપયોગ કરાય એવી શક્યતા છે.

આ બધી ભાંજગડ કેવી રીતે થઈ?

બન્યું એવું કે સ્પેનના રાજા ફેલીપે ગયા મંગળવારે રાતે કરેલા ટીવી સંબોધનમાં કેટેલનભાષી સત્તાધિશો પર આરોપ મૂક્યો હતો કે તેઓ દેશને તોડી નાખવાના પ્રયાસમાં છે. એમણે એવી ચેતવણી આપી હતી કે જો તેઓ અલગ થવાના પ્રયાસોને આગળ વધારશે તો એને દેશની સામાજિક તથા આર્થિક સ્થિરતાની વિરુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે.

આમ, સ્પેનમાં પરિસ્થિતિ હાલને તબક્કે ગંભીર છે તેથી આ દેશનાં પ્રવાસે જવા માગતા ભારતીયોએ સો વાર વિચાર કરવો અને જ્યાં સુધી ત્યાંની પરિસ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ત્યાં જવું ન જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]