લોકડાઉનમાં અમેરિકામાં આલ્કોહોલની ડિમાન્ડ વધી

ર્ષો પહેલાથી આલ્કોહોલને મનોરંજન માટેનું સાધન માનવામાં આવે છે. તણાવ ઘટાડવા આનંદ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એજ કારણે તેની માંગ વધતી રહી. જોકે વર્ષોથી દારુ, ગાંજાનો ઉપયોગ થતો જ રહ્યો છે કેટલાક દેશોમાં ઘાર્મિક મહત્વ પણ આ સાથે સંકળાયેલા છે. જેમકે ભારતમાં ભગવાન શિવને ગાંજા સાથે તથા ઉજ્જના મહાકાલેશ્વર ભગવાને દારુનો પ્રસાદ ધરાવાય છે. કેટલીક જગ્યાએ દેવી શક્તિઓને પણ દારૂનો પ્રસાદ ધરાવાય છે. તેવીજ રીતે પશ્ચિમના દેશોમાં ગોડ દિયોનીસ ને આલ્કોહોલના દેવતા મનાય છે.

તહેવારો અને ખુશીની ક્ષણોમાં ઉત્સાહ અને કામોત્તેજના વધારવા તેનો વઘુ ઉપયોગ થતો હતો. જે આજે લોકોની આદત બની ગઈ છે. જીવન જરૂરીયાત બની ગઈ છે. તેનો એક તાજો દાખલો અમેરિકાના લોકડાઉન સ્થિતિમાં જોવા મળે છે. આલ્કોહોલ અમેરિકન પ્રજાના જીવનનો હિસ્સો બની ગયો છે.

આલ્કોહોલ બિયર વાઈન અને સ્પિરિટસ.. જેનો ઉપયોગ દુનિયાભરના દેશોમાં ખુલ્લેઆમ થઇ રહ્યો છે. છતાં ઘણા મુસ્લિમ દેશો અને અમુક રાજ્યો ડ્રાય સ્ટેટ એટલેકે નશામુક્ત છે. જ્યાં આલ્કોહોલનું વેચાણ ઈલીગલ છે.

અમેરિકામાં ૧૯મી સદીની શરૂવાતથી આલ્કોહોલનાં સેવનનું પ્રમાણ વધ્યું હતું. જે યુરોપીયન પ્રજાની દેન છે એમ કહી શકાય. ૧૪મી સદીમાં યુરોપે દુનિયાભરના દેશોમાં આલ્કોહોનો ફેલાવો કર્યો હતો. બાકી આમ તો આલ્કોહોલનું સેવન ખુબ જુનું છે. આપણા પુરાણોમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે.

ખરીદવા અને પીવાની માટેની લિગલ ઉંમર ૨૧ છે છતાં છાનાં છપનાં આલ્કોહોલનો ટેસ્ટ અહીના મોટાભાગના બાળકો સમય પહેલા કરી દેતા હોય છે. તેનું કારણ છે ઘરમાં માતાપિતાને આ નશા સાથે મોજ મસ્તી અને આનંદ કરતા જોઈ તેઓને આ માટેનું આકર્ષણ જન્મી જાય છે. ઉપરાંત આ સેવન માટેની વસ્તુઓ હાથવગી ઘરમાં જ રહેલી હોવાને કારણે બાળકો તેમની કશુક નવું ટ્રાય કરવાની જીજ્ઞાસાને રોકી શકતા નથી. આથી મોટાભાગના બાળકો સમય મર્યાદા પહેલા તેનો આનંદ લઇ ચુક્યા હોય છે.

અમેરિકામાં મોટાભાગના બીચ અને જાહેરજગ્યાઓ ઉપર આલ્કોહોલનાં સેવન ઉપર પ્રતિબંધ મુકાયો છે. છતાં તેના શોખીન ઘણા પાણીની બોટલમાં કે પેપ્સી કોક જેવા પીણાની બોટલમાં ભરી તેનું શેવન કરતા જોવા મળે છે. જોકે કાયદાનો ભંગ કરનારની સંખ્યા અહી પ્રમાણમાં ઘણી ઓછી છે. આટલો બધો આલ્કોહોલ લીધા પછી પણ સ્વસ્થ અને શિષ્ટાચાર છોડતા નથી. કારણ તેમનું શરીર સાથે મગજ ટેવાઈ ગયા હો છે. બહુ ઓછા લથડીયા ખાતા કે પીને બકવાસ કરતા જોવા મળે છે. દારૂના નશામાં સ્ત્રીઓની છેડતી કે તેમની સાથેના કુવ્યવહાર ભાગ્યેજ જોવા સાંભળવા મળેશે. આ કારણે સમાજમાં તેને કુટેવ તરીકે જોવાતો નથી.

આલ્કોહોલના શેવન પછી કાર ડ્રાઈવિંગ માટે અહીના કાયદા બીજા દેશોની જેમ ખુબ સખત છે. વધારામાં અહી આ માટે ટીકીટ અપાય છે જેમાં ખાસ ડ્રંક એન્ડ ડ્રાઈવમાં પકડાઈ જનારનું લાઈસન્સ જપ્ત થઇ જાય છે જેના કારણે અસ્થાઈ કે સ્થાઈ રૂપે તે કાર ચલાવી શકતો નથી. અહી જાતે કાર ડ્રાઈવ આ કરવી એ હેન્ડીકેપ જેવી હાલત ગણાય છે. માટે આ બાબતે જવાબદાર લોકો ખુબ સાવચેત રહેતા હોય છે. વધારામાં કારમાં ડ્રાઈવિંગ વખતે ખુલ્લી બોટલ હોવી એ પણ ગેરકાયદેસર છે.

આલ્કોહોલનું સેવન તેની મર્યાદામાં રહીને કરવામાં આવે તો આનંદ સાથે ફાયદો પણ કરી જાય છે. જેમકે પથરી જેવા રોગોમાં બીયરને કારણે ફાયદો થાય છે, રેડ વાઈનનો વપરાશ શરીર માટે લોહી સુધારક ગણે છે. ખાસ વધુ પડતા માનસિક થાક આલ્કોહોલને કારણે ઓછો થાય છે. સ્ટ્રેસને ઓછો કરે છે. વગેરે પરંતુ તેના કારણે થતા મૃત્યુનો આંક બહુ ઉંચો પણ છે. વધુ પડતા સેવનને કારણે શરીરના અવયવો સાથે માનસિક સ્થિતિ ડામાડોળ થઇ જાય છે પરિણામે શારીરિક આર્થિક અને સામાજિક સ્થિતિ બેહુદી બની જાય છે. “દારૂની એક ખાસિયત છે છુપાઈને પીવામાં એ વધુ પીવાઈ જાય છે અને એ કુટેવ બની જાય છે.”

કોવીડ-૧૯ ને કારણે લોકડાઉન સ્થિતિમાં જાહેર થયેલી કટોકટી જેવી સ્થિતિમાં દરેક રાજ્યોને પોતાની જરૂરીયાત પ્રમાણે કાયદાઓ બનાવી ચાલવાની છૂટ અપાઈ છે ત્યારે ઘણા રાજ્યોમાં લગભગ બધુજ બંધ કરાયું હતું. જ્યારે અમુક રાજ્યોમાં જેવી જરૂરીયાત એ પ્રમાણે છુટ્ટી અપાઈ.

અમેરિકામાં આલ્કોહોલનું વેચાણ ઘણા રાજ્યોમાં પોતાને હસ્તક છે, જ્યારે ઘણા રાજ્યોમાં લોકોને હસ્તક છે. પેન્સીલવેનિયા સ્ટેટમાં આલ્કોહોલ સ્ટેટને હસ્તક છે. આ સ્થિતિમાં તેમણે આલ્કોહોલનું વેચાણ બંધ કર્યું હતું તેમને લાગ્યું કે આ જીવનજરૂરી વસ્તુઓમાં નથી ગણાતું.

પરંતુ જેને સવારથી જ આલ્કોહોલની લત લાગી ગઈ હોય તેઓ ખાધા વિના ચલાવી શકે છે, પરંતુ આલ્કોહોલ વિના કેમ ચાલી શકે? તેમાય આ બંધની સ્થિતિમાં લોકો સાવ નવરા થઇ ગયા ઘરે બેસીને બીજું થયા પણ શું અને પીધા વિના ખુશ પણ કેમ રહેવાય એવું વિચારનારો વર્ગ અહી મોટા પ્રમાણમાં છે.

જેને સવારમાં ઉઠાતાની સાથે આલ્કોહોલ જોઈતો હોય તેમને દિવસો સુધી કેમ ચાલે? આથી લોકો પીવા કરતા સ્ટોક કરવામાં પણ વધારે પ્રમાણમાં તેની ખરીદી કરવા લાગ્યા. પોતાના રાજ્યમાં બાંધી હોય તો બાજુના રાજ્યોમાં જવા લાગ્યા. નશાની આદત બહુ ખરાબ છે તેની તલપ પણ ભાન ભુલાવે છે. આવા સમયમાં હેલ્થની પ્રાયોરીટી લોકો ભૂલી જાય છે.

પેન્સીલવેનિયા સ્ટેટની બાજુમાં આવેલા ડેલાવર સ્ટેટમાં આ બંધીના સમયમાં આલ્કોહોલના વેચાણમાં બમણો ઉછાળો આવ્યો. કારણ આ સ્ટેટના કાયદા પ્રમાણે ગ્રોસરી સ્ટોર્સ સાથે લીકર સ્ટોર્સ ખુલ્લા રખાયા હતા. તેમાય ડેલાવરમાં ટેક્સ ફ્રી હોવાને કારણે સસ્તું પડે છે. આજુબાજુના સ્ટેટ માંથી લોકો અહી આવવા લાગ્યા.

લોકડાઉનના સમયમાં , ડોલર્સની અછતમાં જ્યાં લીકરના ધંધામાં ઘટાળો થવો જોઈએ તેના બદલે અહી ડબલ કે ક્યાંક તો એનાથી કઈ વધારે થવા લાગ્યો. તેમાય બોર્ડરની નજીકના સ્ટોર્સમાં તો રીતસર લાઈનો પાડવા લાગી. લોકો સોશ્યલ ડીસ્ટન્સ પણ ભૂલી જતા. એક તરફ બંધી થઇ જશે અને પછી આલ્કોહોલ નહિ મળે તો શું ? આ ભય હેઠળ લોકોએ સંગ્રહખોરી શરુ કરી, અને બીજી તરફ નવરા પડેલા લોકોએ આ સમયને ભલે ઘરમાં પણ મોજમાં જીવી લેવા માટે આલ્કોહોલના સેવનનું પ્રમાણ વધારી દીધું.

ડેલાવરમાં બહારનાં સ્ટેટ્સમાંથી લોકોનું આવનજાવન વધી જતા અહી કોરોનાના ફેલાવાનો ભય વધી રહ્યો હતો. ડેલાવરમાં કોરોનાવાયરસનો થતો ફેલાવો ઘટાડવાના પ્રયાસમાં, અહીના ગવર્નર જ્હોન કાર્નીએ છેવટે રાજ્ય બહારના મુસાફરો પર મુસાફરી પર પ્રતિબંધ મૂકી દીધો. બહારના સ્ટેટમાંથી કોઈ આલ્કોહોલની ખરીદી માટે હવે કોઈ આવી શકે નહિ એ માટે પેટ્રોલિંગ શરુ કર્યું. છતાં આલ્કોહોલના બંધાણીઓ અહી આવતા રહ્યા. છેવટે પેન્સીલવેનિયા ગવર્મેન્ટને ઓનલાઈન આલ્કોહોલના વેચાણને ખુલ્લું કરવું પડ્યું.

ડેલાવર સ્ટેટમાં પહેલેથી આલ્કોહોલને છૂટ અપાઈ હતી. કારણ તેમનું માનવું હતું કે આના બંધાણીઓની સ્થિતિ વધુ નબળી બની જશે. એક તો કોરોનાગ્ર્સ્ત લોકોની સારવાર માટે હોસ્પીટલમાં જગ્યા નથી રહી ત્યાં આવા લોકોને ક્યા સાચવવા. જોકે તેમનો વિચાર યોગ્ય હતો. વાઈરસ જેટલોજ ખતરનાક આલ્કોહોલનો બંધાણી હોય છે.

લોકડાઉન સ્થિતિમાં અમેરિકામાં દરેક રાજ્યોમાં સ્થિતિ અલગ છે. અલાબામા સ્ટેટમાં આલ્કોહોલ છૂટક વેચાણકારો પાસેથી દારૂ “કર્બસાઇડ” લેવા માટે પરવાનગી અપાઈ  છે.  જેમાં લીમીટ બાંધવામાં આવી છે. એક લીટર સ્પિરીટ આપી શકાય. જેમ કે વ્હિસ્કી અથવા વોડકા, કોઈપણ બીયરની માત્રા ૨૮૮ ઔશ અને કોઈ પણ બોટલ અથવા વાઇન બોટલ ગ્રાહક દીઠ ૧૫૦૦ મિલી થી વધારે મોટી નાં ખરીદી શકે. વગેરે.

સોલ્ટલેક સિટી, ઉતાહમાં આલ્કોહોલ સ્ટોર્સ સામાજિક અંતર એટલેકે સ્ટોરના કદના આધારે સ્ટોરની અંદર ફક્ત પાંચથી દસ લોકોને પરવાનગી આપે છે. તે પણ અંતર જાળવીને ઉભા રહેવું ફરજીયાત છે. જોકે હવે લગભગ દરેક જગ્યાએ સામાજિક અંતર ફરજીયાત થઇ ગયું છે.

ડબ્લ્યુએસડબ્લ્યુએ ( વાઈન સ્પિરીટ હોલસેલર ઓફ અમેરિકા) ના સીઇઓ મિશેલ કોર્સમોએ જણાવ્યા પ્રમાણે એક રાજ્યમાં બાંધી હશે તો લોકો આલ્કોહોલના પુરવઠા માટે બીજા રાજ્યોમાં ઘસારો કરશે જેમાં કોરોનાનો ફેલાવો વધુ ઝડપી થશે જે બંને રાજ્યો માટે ખતરારૂપ બનશે. વધારામાં કાળા બજારનો પણ ભય રહેલો છે. તેમની આ વાત સાવ સાચી છે. ગેરકાયદેસર વેચાણ વધી જવાની શક્યતાઓ નકારી શકાય નહિ. આલ્કોહોલના બંધાણીઓ માટે લીકર્સસ્ટોર્સ બંધ થઇ જતા એ માટે અફડાતફડી થઇ ગઈ. જેને મેળવવા માટે ગેરકાયદેસર ઉત્પાદનો અને ગેરકાયદેસર, લાઇસન્સ વિનાના, અને અજાણ્યા સ્થળોથી લોકોની ખરીદી વધી ગઈ. ઉપરાંત હજારો લોકોની નોકરી જતા બેરોજગારી વધી ગઈ.

ડેનવરના મેયરને કોરોનાવાયરસના ફેલાવાને  રોકવા માટે લોકડાઉન ભાગ રૂપે બધુજ બંધ કરવાની ઘોષણા કર્યાના કલાકો પછી જ ગાંજા,મેરાવાના અને દારૂની દુકાનો ફરીથી ખોલવાની ફરજ પડી હતી. જે લોકોને નશાની આદત પડી ગઈ છે એ લોકો માટે આ હવે દવાઓ તરીકે કામ કરી રહી છે. આ વિના તેમનું શરીર પણ ચાલતું નથી.

લોકડાઉન નક્કી કરવાની આગલી રાત્રે લોકો દરેક જગ્યાએ લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા. દરેક એક નાના મોટા સ્ટોર્સની સેલ્ફો ખાલી થઇ ગઈ હતી. ખાદ્ય સામગ્રી સાથે લોકો જરૂરી બિન જરૂરી જે પણ મળ્યું તેનો સંગ્રહ કરવા લાગ્યા હતા. દરેકને એક ડર હતો કે આ બધું ફરી હાથ નહિ લાગે તો કેમ જીવાશે. કારણ અમેરિકન એટલે કટોકટી અને અછતથી લગભગ અજાણ પ્રજા છે. જોકે એક વાતની અહીની ખુબ સારી છે કે સમય અને જરૂરીયાત પ્રમાણે વસ્તુઓના ભાવ અહી ઉંચકતા નથી, ફુગાવો નથી. જેના કારણે લોકોને અછતમાં પણ એજ ભાવે વસ્તુઓ મળતી રહે છે.

આ લોકડાઉનની આ સ્થિતિમાં વોલમાર્ટ જેવા બીજા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં જરૂરી ખાદય પદાર્થ અને દવાઓ સિવાય બાકીના અમુક ડિપાર્ટમેન્ટ બંધ કરવાની વાત કરી હતી ત્યારે કેટલાય લોકો, અમારે કપડાં જોઈશે, બાળકોને રમવા ગેઇમ કે ઘરની જરૂરીવસ્તુઓ જોઈશે તો ક્યાં જઈશું કહી કકળાટ શરૂ કરી દીધો હતો. ધીમેધીમે હવે બધું રાબેતા મુજબ ખુલી જશે તેવી શક્યતાઓ વધી રહી છે. આ સ્થિતિ કાયમી નથી. બસ ખતરો છે ત્યાં સુધી સંયમ સમાજ અને સોશ્યલ ડિસ્ટન્સ રાખી જીવી લેવાનું છે. “જીવન હશે તો વસ્તુઓ માટેની જરૂરિયાત પુરી થશે આ માટે સ્વસ્થ રહેવું દરેકની પ્રથમ જરૂરીયાત છે”

(રેખા પટેલ- USA)