ત્વચા માટે જરૂરી છે લાઇકૉપીન, બીજા પણ લાભ

ત્વચામાં લાઇકૉપીન નામનું એક  રસાયણ હોય છે. તે ત્વચા માટે ઘણું અગત્યનું છે. હકીકતે તે તડકાની  અસરથી થતા નુકસાનથી ત્વચાને બચાવે છે. તે એક પ્રકારનું ક્વેંચર છે જે અૉક્સિજનને ત્વચામાં શોષાઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે ત્વચાને કોઈ પણ પ્રકારની હાનિથી બચાવે છે અને પર્યાપ્ત પોષણ પણ આપે છે.લાઇકૉપીન આહારમાં પણ હોય છે પરંતુ આપણે જે કંઈ ખાઈએ છીએ તેનાથી ત્વચા માટે લાઇકૉપીન પર્યાપ્ત પ્રમાણમાં મળે તેવું નથી.આથી ઘણી વાર બહારથી લાઇકૉપીન લેવું પડે છે. લાઇકૉપીનથી ત્વચાનું પિગ્મોન્ટેશન, અનઇવન કૉમ્પ્લેક્સન અને ટેનિંગ જેવી સમસ્યા ઓછી  થાય છે. લાઇકૉપીન મેલેનિનની સિન્ફેસાઇસને બચાવે છે જેનાથી ફ્રી રેડિકલ વધુ પેદા થાય છે. તે ત્વચા પર થતા વિપરીત પ્રભાવોથી બચાવવામાં મદદ કરે છે.
લાઇકૉપીન વધુ શક્તિશાળી એન્ટિ અૉક્સિડન્ટ મનાય છે. તે ત્વચાને કરચલીઓથી બચાવે છે. ત્વચાને લાલાશ આપે છે. ગર્ભાશયના વિકારો દૂર કરે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, લાઇકૉપીન અૉસ્ટિયોપાઇરોસિસથી બચાવે છે. તે આપણને ફેફસાં, સ્તન, ઓવરી, ગર્ભાશય, પ્રૉસ્ટેટ, ત્વચા, પેનક્રિયાસ અને આમાશય કેન્સરથી બચાવે છે. તે લોહીમાં કૉલેસ્ટેરોલનું સ્તર ઘટાડે છે. આ રીતે તે હૃદયસંબંધી બીમારીઓથી પણ બચાવે છે.
તેની ઉણપને બહારથી ક્રીમ દ્વારા પૂરું કરી શકાય છે. લાઇકૉપીનયુક્ત ક્રીમ દિવસમાં બેથી ત્રણવાર લગાવી શકાય છે. બ્લીચની અસર વાળ પર અને લાઇકૉપીનની અસર ત્વચા પર થાય છે.લાઇકૉપીન લાલ રંગનાં શાકભાજી અને ફળોમાં મળી આવે છે. લાઇકૉપીનયુક્ત ક્રીમ લગાવ્યા પછી સનસ્ક્રીનનો ઉપયોગ કરવો લાભદાયક હોય છે. લાઇકૉપીનના શોષણ માટે ચરબીની જરૂર હોય છે. આથી જોઆહારમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય તો આંતરડામાં તેના શોષણને અસર પડે છે. પેનક્રિએટિવ એન્ઝાઇમની ઉણપ, ક્રૉન્સ રોગ, સિલિયક સ્પ્રૂ, સિસ્ટિક ફાઇબ્રૉસિસ, પિત્ત અને યકૃત વિકાર વગેરેમાં ચરબીનું શોષણ બહુ ઓછું થઈ જાય છે, આથી લાઇકૉપીનનું શોષણ પણ ઓછું થઈ જાય છે.
અમેરિકામાં થયેલા એક સંશોધન મુજબ, જો તમે દરરોજ એક ટમેટું ખાવ, તો ઘણી બીમારીઓથી બચી શકો છો. આનું એક કારણ એ છે કે ટમેટામાં પ્રચુર પ્રમાણમાં લાઇકૉપીન હોય છે. પરંતુ કાચા ટમેટાના બદલે ટમેટો કેચઅપ, સૉસ, સૂપ કે શાકભાજીમાં ખાવાથી વધુ લાઇકૉપીન મળશે.