એશિયન ગેમ્સઃ ઘોડેસવારીમાં બે રજત મળ્યા; સાઈના-સિંધુ તરફથી મેડલ પાકા થયા

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 8મા દિવસે ભારતને બે સિલ્વર મેડલ મળ્યા છે. આ બંને મેડલ ઘોડેસવારીમાં પ્રાપ્ત થયા છે. ફુઆદ મિર્ઝાએ વ્યક્તિગત જમ્પિંગ ઈવેન્ટમાં રજત ચંદ્રક જીત્યા બાદ એણે ટીમ હરીફાઈમાં પણ દેશને રજત જીતવામાં માર્ગદર્શન આપ્યું હતું.

મિર્ઝાએ 26.40ના સ્કોર સાથે વ્યક્તિગત હરીફાઈનો સિલ્વર જીત્યો હતો. જાપાનના હરીફે 22.70ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનનો ઘોડેસવાર 27.10ના સ્કોર સાથે ત્રીજા ક્રમે આવ્યો હતો.

ત્યારબાદ મિર્ઝા ઉપરાંત રાકેશ કુમાર, આશિષ મલિક અને જિતેન્દર સિંહની બનેલી ભારતીય ટીમે 121.30 પોઈન્ટ્સ સ્કોર સાથે ટીમ હરીફાઈનો રજત ચંદ્રક જીત્યો હતો. આ હરીફાઈનો ગોલ્ડ જાપાને – 82.40 અને કાંસ્ય થાઈલેન્ડે – 126.70 સ્કોર સાથે જીત્યો હતો.

મહિલા બેડમિન્ટનની સિંગલ્સમાં સાઈના, સિંધુનાં મેડલ નિશ્ચિત

દરમિયાન, મહિલાઓની બેડમિન્ટન રમતમાં,  સિંગલ્સ હરીફાઈઓમાં સાઈના નેહવાલ અને પી.વી. સિંધુએ પોતપોતાનાં મેડલ નિશ્ચિત કર્યાં છે. સાઈનાએ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં થાઈલેન્ડની વર્લ્ડ નંબર-5 ખેલાડી રેત્ચાનોક ઈન્તાનોનને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરીને મેડલ નિશ્ચિત કર્યો છે.

સાઈનાએ ઈન્તાનોનને 21-18 21-16થી પરાજય આપ્યો હતો.

આવતીકાલે રમાનારી સેમી ફાઈનલમાં સાઈનાનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈની વર્લ્ડ નંબર-1 ખેલાડી તાઈ જૂ યિન્ગ સામે થશે, જેણે અન્ય ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની ગ્લાસ્ગો વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારાને 21-15, 21-10થી હરાવી હતી.

એશિયન ગેમ્સમાં મહિલાઓની સિંગલ્સમાં ભારતનો આ પહેલો જ મેડલ છે. એશિયાડમાં ભારત અત્યાર સુધીમાં બેડમિન્ટનમાં માત્ર એક જ વાર મેડલ જીત્યું છે.

1982ના એશિયાડમાં સ્વ. સૈયદ મોદીએ મેન્સ સિંગલ્સ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એક અન્ડ ક્વાર્ટર ફાઈનલમાં, રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ થાઈલેન્ડની વર્લ્ડ નંબર-11 નિચોન જિંદાપોલ ઉપર 21-11, 16-21, 21-14થી વિજય હાંસલ કર્યો છે. આ જીત સાથે સિંધુનો અને તે સાથે ભારતનો મેડલ પણ પાકો થયો છે.