ફાસ્ટ ફુડના ટ્રેન્ડ સાથે કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગને પણ યાદ રાખી લો!

આજના ફાસ્ટ ફુડ અને જંક ફુડના ટ્રેન્ડ સાથે એક નામ જોડવું જ રહેશે….કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગનું! કારણ કે, આજની લાઈફ સ્ટાઈલ અને અસ્વાસ્થ્યપ્રદ ખોરાકને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તે સ્વાભાવિક છે જેને લીધે હૃદય માટે જોખમ વધી જાય છે. તેથી અમુક ઉંમર પછી કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ જરૂરી બની જાય છે.

માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે હૃદય! પરંતુ ઘણી એવી બાબતોને કારણે હૃદયની કામગીરી ખોરંભાઈ જાય છે. જેમ કે,અપથ્ય કે અસ્વાસ્થ્યપ્રદ ખોરાક, બેઠાડુ જીવનશૈલી, ધૂમ્રપાનની આદત, ઉચ્ચ રક્તચાપ, બિનઆરોગ્યપ્રદ શરીરનું વજન, શારીરિક શ્રમનો અભાવ, અમુક કિસ્સામાં આનુવંશિક કારણોસર. પરંતુ આ બધાની સાથે હૃદયને લગતી બિમારીઓ થવાનું બીજું ખાસ કારણ છે, શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ (HDL) અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL). જો શરીરમાં ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ વધી જાય તો તબિયત માટે ઘણું હાનિકારક બની શકે છે. જેમ કે, હાઈ કોલેસ્ટ્રોલને કારણે હાર્ટ એટેક તેમજ સ્ટ્રોક આવી શકે છે તેમજ બીજી અનેક બિમારી પણ થાય છે. તો સારું કોલેસ્ટ્રોલ શરીરને મદદરૂપ પણ થાય છે.

સારું કોલેસ્ટ્રોલ આપણાં શરીરમાં મહત્વનું યોગદાન આપે છેઃ

• માનવ શરીરના કોષની દિવાલ બનાવવામાં
• ખોરાકના પાચન માટે આંતરડામાં પાચક એસિડ બનાવવામાં
• શરીરને અમુક હોર્મોન્સ બનાવવામાં
• તેમજ શરીરને વિટામીન-ડીની ઉત્પત્તિ કરવામાં

 

કોલેસ્ટ્રોલ મીણ જેવો પદાર્થ છે, તે માનવ શરીરમાં કુદરતી રીતે બને છે. કોઈક વાર અમુક ખોરાક જેમ કે, ચરબીવાળો ખોરાક કે જંક ફુડ દ્વારા પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે. આવો પ્રકાર ખરાબ કોલેસ્ટ્રોલમાં ગણાય છે. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે જમા થવા લાગે તો ધમનીમાં લોહીનો પ્રવાહ સરળતાથી વહી નથી શકતો, તે અવરોધાય છે. કોલેસ્ટ્રોલ હૃદય ઉપરાંત શરીરના બીજા અંગોને પણ નુકસાન પહોંચાડે છે. પરંતુ સમયસરનું નિદાન તેમજ તેના યોગ્ય ઉપચાર થકી ઉંચા કોલેસ્ટ્રોલ સાથે સંકળાયેલા ખતરાને ટાળી શકાય છે. એમાંનું જ એક નિદાન છે કોલેસ્ટ્રોલનું સ્ક્રીનિંગ, જે હૃદયને સારી રીતે કાર્યરત રાખે છે.

શા માટે જરૂરી છે કોલેસ્ટ્રોલનું સ્ક્રીનિંગ?

તબીબોના મતે, કોલેસ્ટ્રોલની છારી રક્તવાહિનીઓની દિવાલ પર ચોંટીને લોહીની કામગીરીને અવરોધે છે. શરૂઆતમાં તો એના કોઈ લક્ષણો દેખાતાં નથી, તે જ્યાં સુધી કે છાતીમાં દુખાવો થઈને હૃદય રોગનો હુમલો થઈ જાય! આથી જ આ છારી ધમનીઓમાં જામીને નુકસાન કરી જાય તે પહેલાં સ્ક્રીનિંગ કરાવીને તેનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે.’

કેટલા સમયાંતરે સ્ક્રીનિંગ કરવું જરૂરી?

અમેરિકન હાર્ટ એસોસિએશન સૂચવે છે, ‘20 વર્ષ તેમજ 20 વર્ષથી વધુની વયના લોકોએ કોલેસ્ટ્રોલ તેમજ હૃદયને લગતાં અન્ય નિદાન દર 4 થી 6 વર્ષે કરાવી લેવાં. કારણ કે, ધમનીઓમાં છારી બાઝવાનું જીવનની બીજી સદીથી શરૂ થઈ જતું હોય છે.’

ઉંમરના 40 વર્ષ પછી હૃદયને લગતી કોઈ સમસ્યા કે રોગનું તારણ કાઢવા માટે ડોક્ટરો પણ પાછલાં 10 વર્ષોના સમીકરણને આધારે આગળના કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગની સૂચિ નક્કી કરે છે.

જેઓ કાર્ડિઓવાસ્ક્યુલર રોગનો ભોગ બની ગયા હોય (એટલે કે, જેમને હૃદય રોગનો હુમલો આવી ગયો હોય, જેમની એન્જીયોપ્લાસ્ટી કે કોરોનરી બાયપાસ સર્જરી થઈ હોય), જેમના પરિવારમાં હૃદય રોગ આનુવાંશિક હોય કે પછી જે ડાયાબિટીસના દર્દી હોય તેવા લોકોએ ખાસ પોતાના ડોક્ટરની સલાહને અનુસરીને, સમયાંતરે (દર 4 થી 6 મહિને) LDL કોલેસ્ટ્રોલની તપાસ કરાવી લેવી.

તંદુરસ્ત રહેણી કરણી અપનાવીને એટલે કે, શારીરિક કસરત, સ્વાસ્થ્યપ્રદ ખોરાક અને જો ડોક્ટરે કોઈ દવા સૂચવી હોય તો તે સમયસર લઈને ખરાબ કોલેસ્ટ્રોલને ટાળી શકાય છે અને હૃદયની તંદુરસ્તી જાળવી શકાય છે.