પેન્ક્રિયાસ કેન્સર કઈ બલા છે? પાર્રિકરે ભોગવ્યું હતું આ દર્દ

કાદ વર્ષ પહેલાં પણ હજુ સાજાસમાં લાગતાં પૂર્વ સંરક્ષણપ્રધાન અને ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરનું ૧૮ માર્ચે અવસાન થઈ ગયું. કારણ? લાંબા સમયથી થયેલું કેન્સર! ૬૩ જ વર્ષના પાર્રિકર ચોથીવાર મુખ્યપ્રધાન હતા અને તેમને ગયા ફેબ્રુઆરીમાં પેન્ક્રિયાટિક કેન્સર ઍડ્વાન્સ સ્ટેજમાં હોવાનું નિદાન થયું હતું. તેઓ ભારત અને ભારત બહારની હૉસ્પિટલોમાં સારવાર લેવા માટે દોડાદોડી કરતા રહ્યાં. જોકે આવી જટિલ બીમારી છતાં તેઓ છેક છેલ્લે સુધી નાકમાં નળી સાથે કામ કરતા રહ્યાં.

તેમને આ નળી ખોરાક માટે નાખવામાં આવી હતી. આપણને સામાન્ય શરદી થઈ જાય તો પણ આપણે કામ પર જતા નથી. નાકમાં સૂડસૂડ થતું હોય, પાણી નીકળતું હોય તો ક્યાંય ચેન નથી પડતું, તો વિચારો કે નાકમાં નળી નાખી હોય ત્યારે આપણને કેવું લાગે? પરંતુ  પાર્રિકર નાકમાં નળી સાથે કામ કરતા રહ્યાં અને વિધાનસભામાં બજેટ પણ રજૂ કર્યું.

પાર્રિકરમાંથી આ હિંમત તો આરોગ્યપ્રેમીઓએ લેવાની જ છે પરંતુ સાથે એ પણ જાણવાનું છે કે આ કયા પ્રકારનું કેન્સર હતું જેના લીધે તેઓ આટલા જલદી આપણી સામેથી વિદાય થઈ ગયા?

ઍડ્વાન્સ્ડ પેન્ક્રિયાટિક કેન્સર બહુ ઓછા લોકોને થતો રોગ છે જેમાં બચવાની શક્યતા ઓછી હોય છે. વૈશ્વિક આંકડા પ્રમાણે, જેમને આ કેન્સરનું નિદાન થયું હોય તેવા લોકોમાં માત્ર ૩-૫ ટકા દર્દીઓ જ માંડ પાંચ વર્ષ જીવી શક્યાં છે.

પેન્ક્રિયાટિક કેન્સર ભાગ્યે જ થતી બીમારી છે પરંતુ ખૂબ જ ગંભીર છે. પેટની પાછળ આવેલું સ્વાદુપિંડ આપણા શરીરમાં ખૂબ જ અગત્યની ગ્રંથિ છે. પરંતુ જ્યારે કેન્સરના કોષો બાહ્ય કતાર અને પેશીઓ બનાવે છે ત્યારે તેને નુકસાન થાય છે અને તેના કાર્યને અસર પહોંચે છે. ઉંમર સાથે પેન્ક્રિયાટિક કેન્સરનું જોખમ ગુણાય છે. તે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. તેનાં લક્ષણો પકડવાં સરળ નથી, આમ છતાં ઘણા લોકોમાં જોવા મળતાં લક્ષણો આ પ્રમાણે છે.

  • લોકોને પેટના ઉપરના ભાગમાં દુઃખાવો થાય છે. તે લાંબો સમય ચાલે છે.
  • પીઠમાં સતત દુઃખાવો રહે છે અને કરોડરજ્જુના નીચેના ભાગમાં અક્કડતા જોવા મળે છે.
  • અપચો થયો હોવાનું લાગ્યા કરે છે.
  • ભૂખ ઘટતી જાય છે.
  • પચવામાં તકલીફ થાય છે.
  • ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડે છે. ગળાની પાછળ ભારેભારે લાગે છે.

કેટલાક દર્દીઓને કમળો અને તાવ પણ થાય છે. તેમને વજનમાં અકારણ ઘટાડો થાય છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના કેન્સરનું નિદાન થયું છે તેવા દર્દીઓમાં હતાશાનાં લક્ષણો પણ જોવા મળે છે. જોકે હતાશા થવી સ્વાભાવિક છે કારણકે આવો રોગ થયો હોય તો હતાશા આવે જ.

જોકે એ પણ જાણી લેવું જોઈએ કે સ્વાદુપિંડમાં તમામ ગાંઠ કેન્સરની હોય તે જરૂરી નથી. કેટલીક સિસ્ટ પણ હોઈ શકે છે જે ગ્રંથિ પર બને છે. માત્ર થોડીક જ કેન્સરની હોઈ શકે છે. આથી જ આ કેન્સર જેમ જલદી ખબર પડી જાય તેમ બચવાની શક્યતા વધે છે.

કેટલાંક ચોક્કસ પરિબળો છે જેના લીધે આ કેન્સર થવાની સંભાવના વધે છે.

  • સ્વાદુપિંડમાં દીર્ઘકાલીન બળતરા જે પેન્ક્રિયાટાઇટિસ તરીકે ઓળખાય છે.
  • કુટુંબમાં અગાઉ લોકોને કેન્સર થયું હોય અથવા જનીન BRCA2માં વિકૃતિ આવી હોય.
  • ડાયાબિટિસ થયો હોય.
  • તમાકુ ખાતા હોય અથવા ધૂમ્રપાન કરતા હોય.
  • સ્થૂળતા હોય.

તેની સારવારમાં પહેલો તબક્કો નિદાનનો છે. વહેલા જ નિદાન થઈ ગયું તો બચવાની સંભાવના વધી જાય છે. જો દર્દીમાં આ કેન્સરનાં લક્ષણો જણાય તો ડૉક્ટર એમઆરઆઈસ્કેન અને બાયૉપ્સી કરાવે છે જેથી ખબર પડે છે કે કેન્સર કેટલું ફેલાયું છે. આ પરીક્ષણોના પરિણામોના આધારે આદર્શ સારવાર થઈ શકે છે જેમાં કેમોથેરેપી, રેડિએશન અને સર્જરીનો સમાવેશ થાય છે.

આમ, માત્ર પેન્ક્રિયાસ કેન્સર જ નહીં, કોઈ પણ કેન્સરનું નિદાન વહેલું થાય તે ઈચ્છનીય છે.