સ્તનપાન શિશુ ઉપરાંત માતા માટે પણ લાભદાયી

૧મી સદીમાં સ્તનપાન સૌથી નીચેના સ્તર પર પહોંચ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, મોટા ભાગના દેશોમાં પ્રથમ છ મહિનામાં માત્ર સ્તનપાન કરાવવાનો દર ૫૦ ટકાથી પણ નીચે છે. આ સ્થિતિની ગંભીરતાનું અનુમાન એ તથ્ય પરથી લગાડી શકાય છે કે હવે આપણે જાગૃતિ વધારવા દર વર્ષે એક ઑગસ્ટથી આઠ ઑગસ્ટ સુધી સ્તનપાન સપ્તાહ મનાવીએ છીએ. ગર્ભધારણથી શરૂ કરીને બીજા જન્મદિન સુધી જીવનના પ્રથમ હજાર દિવસોમાં પોષણની આપૂર્તિથી લાંબા સમય સુધી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્તનપાન આ પ્રારંભિક પોષણનો એક આવશ્યક હિસ્સો છે કારણકે માનું દૂધ પોષક તત્ત્વો અને બાયોએક્ટિવ નિર્માણકારકોનું બહુઆયામી મિશ્રણ છે, જે જીવનના શરૂઆતના છ મહિનામાં નવજાત શિશુ માટે અત્યંત આવશ્યક છે.

માતાનું દૂધ માઇક્રો ન્યૂટ્રિએન્ટ, માઇક્રોન્યૂટ્રિએન્ટ, બાયોએક્ટિવ ઘટકો, વૃદ્ધિના કારકો અને રોગપ્રતિરોધક ઘટકોનું એક મિશ્રણ છે. તે મિશ્રણ એક જૈવિક દ્રવ્ય પદાર્થ છે જેનાથી આદર્શ શારીરિક અને માનસિક વૃદ્ધિમાં મદદ મળે છે અને પછીના સમયમાં શિશુને ચયાપચયની સાથે જોડાયેલી બીમારીની સંભાવના ઘટી જાય છે. જે બાળકોને માત્ર માતાનું દૂધ આપવામાં નથી આવતું તેમને ચેપનો ખતરો વધી જાય છે. તેમનો આઈક્યૂ પણ ઓછો રહી જાય છે. તેમની શીખવાની ક્ષમતા ઓછી હોય છે અને સ્કૂલમાં તે બાળકોની સરખામણીએ તેમનું પ્રદર્શન નબળું રહે છે જેમને પહેલા છ મહિનામાં માત્ર માતાનું દૂધ મળ્યું હોય છે.

વિ.આ.સંસ્થાના આંકડા મુજબ, દર વર્ષે બે કરોડથી વધુ શિશુઓનું વજન જન્મના સમયે ૨.૫ કિલોગ્રામથી ઓછું હોય છે અને દુર્ભાગ્યથી તેમાં ૯૬ ટકા વિકાસશીલ દેશોના લોકો છે. બાળપણમાં આ શિશુઓમાં સામાન્ય વિકાસની ઉણવ, સંક્રામક બીમારી, ધીમી વૃદ્ધિ અને મૃત્યુ થવાનું જોખમ વધુ હોય છે. પહેલાં ૨૪ કલાકમાં સ્તનપાનનું મહત્ત્વ બતાવતાં અનેક પર્યાપ્ત પ્રમાણ મળ્યાં છે. જે શિશુઓને જન્મના ૨૪ કલાકની અંદર સ્તનપાન કરાવવામાં આવે છે તેમાં તે બાળકોની સરખામણીએ મૃત્યુ દર ઓછો જોવા મળ્યો છે જેમને ૨૪ કલાક પછી સ્તનપાન કરાવવામાં આવે છે.સ્તનપાન બાળકના સ્વાસ્થ્ય, તેમના જીવિત રહેવા અને વિકાસ માટે આવશ્યક છે. તેમ છતાં ભારતમાં દરપાંચમાંથી ત્રણ મહિલો જન્મના એક કલાકની અંદર સ્તનપાન કરાવવા માટે સમર્થ નથી. માત્ર એક-બે મહિલાઓ જ પ્રથમ છ મહિના સુધી બાળકને માત્ર પોતાનું દૂધ જ પીવડાવે છે. તેનું એક કારણ એ પણ છે કે મહિલાને ઘરે, કાર્યાલયે અને હૉસ્પિટલોમાં સ્તનપાન માટે ઘણી અડચણોનો નિરંતર સામનો કરવો પડે છે.

સ્તનપાન કરાવતી માતાઓએ પ્રતિ દિન એ વિટામીન સપ્લીમેન્ટ લેવી જોઈએ જે તેમણે પ્રસવ પૂર્વે લીધી હતી. વિટામીન માતાના દૂધમાં સ્રવિત થાય છે અને માના શરીરમાં પોષક તત્ત્વોની ઉણપથી સીધી રીતે તેનું દૂધ પ્રભાવિત થાય છે. શાકાહારી માતાઓને વિટામીન ડી, બી ૧૨, અને કેલ્શિયમની પણ આવશ્યકતા હોય છે. સ્તનપાન કરાવવું તે માતાઓ માટે પણ મહત્ત્વનું છે કારણકે તેના અલ્પકાલીન અને દીર્ઘકાલીન લાભ છે. તેનાથી પ્રસવ પછી માતાનું શરીર વધી જાય છે તેમાં રાહત મળે છે. માતા અને શિશુ વચ્ચે લાગણીનો અતૂટ સંબંધ બંધાય છે. સ્ત્રીઓમાં ચયાપચય અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટે છે. ટાઇપ-૨ પ્રકારનો મધુપ્રમેહ થવાની સંભાવના પણ ઘટે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]