દારૂ સંદર્ભે વિદ્યાર્થીઓ પર થયો મોટો સ્ટડી, જાણવા મળ્યું કે…

કૉલેજમાં જ્યારે વિદ્યાર્થી પહોંચે ત્યારે તેના અંત:સ્ત્રાવોમાં ફેરફાર થાય છે. તેને જુવાની ફૂટે છે. પુરુષને મૂછનો દોરો ફૂટે છે અને સ્ત્રીના અંગોપાંગનો વિકાસ થાય છે. આ સ્થિતિ એવી હોય છે જે વખતે મનમાં ક્રાંતિના વિચારો આવે છે. દુનિયા બદલી નાખવાના વિચારો આવે છે. આ સાથે જ કંઈક નવું અજમાવવાનું પણ મન થાય છે. દુનિયા જેને ખરાબ ગણતી હોય તે શા માટે ન અજમાવવું તેનું મન થાય છે.

ચાહે તે શારીરિક સંબંધ હોય કે પછી દારૂ પીવાની વાત હોય. જી હા, કૉલેજમાં આવીને ઘણાને ઈચ્છા થાય છે કે તે દારૂનો સ્વાદ ચાખે. જો આ વાત માત્ર એક વાર પૂરતી સીમિત હોય તો પણ કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ જો તે (કુ)ટેવમાં પરિવર્તિત થઈ જાય તો બીજા કોઈને વાંધો હોય કે ન હોય, સૌથી મોટો વાંધો તે વિદ્યાર્થીને જ હોવો જોઈએ અને તેનું કારણ એ છે કે દારૂથી તે વિદ્યાર્થીને જ નુકસાન થાય છે.

‘સત્તે પે સત્તા’નો સંવાદ છે કે ‘દારૂ પીને સે લીવર ખરાબ હોતા હૈ’. આ સંવાદ રમૂજમાં અને દારૂ પીને કહેવાયેલો છે પરંતુ દારૂથી લીવર જ નહીં, વિદ્યાર્થીની કારકિર્દી પણ ખરાબ થઈ શકે છે. ઊંઘ બગડી શકે છે, માનસિક તણાવ અને હતાશા આવી શકે છે જેનું સીધું પરિણામ ઓછા માર્કમાં આવી શકે છે.

જી હા, આ વાત અમે નથી કહેતા. અમે સીધા કહેત તો તમે કદાચ ન માનત, કારણકે આપણા દેશમાં વર્ષો સુધી ગુલામીના કારણે એક વાત મનમાં ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી વિદેશનું કોઈ સંશોધન ન કહે ત્યાં સુધી વાત માનવી નહીં. અને એટલે જ અમે જ્યારે આ વાત કહી રહ્યા છીએ ત્યારે વિદેશના સંશોધનના આધારે જ આ વાત છે.

અમેરિકાની બિંગહૅમ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ સંશોધન કરીને આ વાત કહી છે. તેમણે આ વાત એક-બે નહીં, પરંતુ પૂરા ૫૫૮ વિદ્યાર્થીઓ પર સંશોધન કર્યું છે. તે પણ માત્ર એક કૉલેજ નહીં, અલગ-અલગ અમેરિકી કૉલેજના વિદ્યાર્થીઓ પર તેમણે સંશોધન કર્યું છે. તેમાં તેમણે દારૂ પીવાની ટેવ, ઊંઘ, હતાશા અને શૈક્ષણિક દેખાવ જેવાં પાસાં આવરી લીધાં હતાં.

“અમે કૉલેજના વિદ્યાર્થીઓમાં માનસિક હતાશાને દારૂ પીવા સાથે, ઊંઘ સાથે અને સામાજિક વર્તણૂંક, શૈક્ષણિક દેખાવ વગેરે સાથે સંબંધ ઓળખવારૉબસ્ટ ડેટા માઇનિંગટૅક્નિકનો ઉપયોગ કર્યો હતો.” તેમ બિંગહૅમ્ટન કૉલેજમાં સહાયક પ્રાધ્યાપિકાલીનાબેગડેશે કહ્યું હતું.

“જો વિદ્યાર્થી હકારાત્મક વર્તન એટલે કે દારૂનાઉપયોગથી દૂર રહે, ભણવામાં ખંત દાખવે, કામ પ્રત્યે જવાબદાર રહે અને પરિવાર પ્રત્યે લાગણીશીલ હોય તો તેમાં મગજનું રસાયણ એવું હોય છે જે મિજાજને સહાય કરે છે અને મગજના પ્રીફ્રન્ટલકૉર્ટૅક્સનીપરિપક્વતાને સહાય કરે છે.”

“તેનાથી આવેગ તેમજ સંવેદના પર નિયંત્રણમાં સહાય મળે છે, વિચારો તર્કબદ્ધ બને છે.”

કહેવાનો અર્થ એ છે કે જો વિદ્યાર્થી પરિવાર પ્રત્યે અને પોતાના શિક્ષણ પ્રત્યે જવાબદાર હોય-ગંભીર હોય અને તે દારૂથી દૂર રહે તો તે લાગણીમાં વહી જતો નથી. તેના વિચારો દિલથી નહીં, દિમાગથી લેવાય છે.

બૅગડેશનું કહેવું છે કે “અમે સંભવિત ચક્રીયવર્તણૂકને ઓળખી જે તીવ્ર માનસિક હતાશઆ સાથે જોડાયેલી છે જે મગજના રસાયણમાં ફેરફાર સાથે કડીરૂપ છે. તે દારૂના ઉપયોગ, ખરાબ શૈક્ષણિક દેખાવ અને ખરાબ ઊંઘ તેમજ પરિવાર અને કામની અવગણનાને સહાય કરે છે.”

આ એક ચક્ર જેવું છે તેમ બૅગડેશનું કહેવું છે. દારૂ પીવાથી ઊંઘ બગડે છે. પરિવાર અને કામની અવગણના કરવાનું મન થાય છે. સરવાળે શૈક્ષણિક દેખાવ પર અસર પડે છે.

આ સંશોધનમાં જાણવા મળ્યું કે જે વિદ્યાર્થીઓ દારૂ નહોતા પીતા, શિક્ષણ પ્રત્યે જવાબદાર વર્તન દાખવતા હતા અને દિવસે ઓછું ઊંઘતા હતા તેમનામાં હતાશા ઓછી હતી. પરંતુ જે લોકો કામ પ્રત્યે જરા અવગણનાનું વલણ ધરાવતા હતા તેમનામાં હળવી હતાશા જોવા મળી હતી. જે લોકો દારૂ પીતા હતા, દિવસે બહુ ઊંઘતા હતા, તેમનો શૈક્ષણિક દેખાવ પણ ખરાબ હતો તેમનામાં તીવ્ર હતાશા જોવા મળી હતી.