એકાકીપણું કોઈ માટે લાભકારી નથી હોતું. પરંતુ કોઈ યુવાનને નોકરી અર્થે કે કોઈ વિદ્યાર્થીને ભણવા માટે બહારગામ જવું પડે અને એકલા રહેવું પડે તે કોઈ મનગમતો પર્યાય તો નથી જ!
અહીં વન વિભાગ અધિકારી હિંમાશુ ત્યાગી કે, જેઓ પોતે ભણતર અને ત્યારબાદ નોકરી અર્થે અમુક વર્ષો માટે બહારગામ એકલા રહી ચૂક્યાં છે. તેમણે આ એકાકીપણાની સમસ્યાનો સામનો કરવા માટે થોડી ટિપ્સ અહીં આપી છે. જે કોઈપણ વિદ્યાર્થી કે યુવકને કામ આવે તેવી છે.
અધિકારી હિંમાશુ ત્યાગી કહે છે, ‘એકાકીપણું અનેક પ્રકારની શારીરિક તેમજ માનસિક વ્યાધિઓ લાવે છે. જેમ કે, ચિંતા તેમજ વિષાદને કારણે માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો શારીરિક સમસ્યાઓમાં હૃદય રોગ, સ્ટ્રોક અને સમયથી પહેલાં મૃત્યુનો ભય વધી શકે છે. અન્ય ખતરાઓ વિશે જાણીએ તો અજાણતાં જ પોતાના સ્ટ્રેસમાં ખોવાયેલા રહેવું સમાજમાં ના ભળવું અને આમ સમાજથી છૂટા પડી જવું, સામાજિક ગતિવિધિઓથી છેટા રહેવું. આ બધું અજાણપણે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’
તેમણે એક્સ પર લખ્યું છે. ‘1 વર્ષ જેઈઈની તૈયારીમાં + આઈઆઈટીમાં 4વર્ષ + પાછલી નોકરીઓમાં 6 વર્ષ, આટલા વર્ષ હું ઘરથી દૂર એકદમ એકલો હતો. મારા ગાઢ મિત્રો પણ બહુ ઓછા હતા, મારી કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. એમ કહું તો ચાલે કે, એકાકીપણા સાથે જ મારો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો. હું બહુ જ એકલો થઈ ગયો હતો.’
હિમાંશુ ત્યાગી કહે છે, ‘લોકોએ શીખવાની જરૂર છે કે, એકલા કઈ રીતે ખુશ રહેવું અને દરેક વખતે બીજા પર નિર્ભર ના રહેવું. જ્યારે આપણે લોકો સાથે હોઈએ છીએ, ત્યારે આપણે ખુશ રહીએ છીએ. પરંતુ એ જ લોકો જ્યારે સાથ છોડીને જાય છે, ત્યારે આપણે અંદરથી તૂટી જઈએ છીએ. આપણે સામાજિક સંબંધ રાખવા જરૂરી છે. પરંતુ દરેક વખતે આપણી આસપાસના લોકો સારા નથી પણ હોતા. તે સમયે આપણને ખબર હોવી જોઈએ કે એકલા રહીને ખુશ કઈ રીતે રહી શકાય.’ તેમણે બીજી વાત એ કહી કે, ‘પોતાના જ જીગરી દોસ્ત બનો. જે માટે તેઓ ઉદાહરણ આપે છે કે, વ્યક્તિએ સમય વિતાવવા માટે એકલા ટહેલવાનો આનંદ ઉઠાવવો જોઈએ. જેમાં તમે જ તમારી કંપની મેળવો છો અને આનંદિત રહી શકો છો.’
‘અમુક વાસ્તવિક સંબંધોને તમારો સમય આપો કે, જ્યાં તમે નિશ્ચિંત થઈને તમારી બધી ચિંતાઓને મુક્તમને ઠાલવીને હળવી કરી શકો છો. તે પણ કોઈ આલોચનાનો સામનો કર્યા વિના. જેમ કે, તમારા માતા-પિતા, ભાઈ-બહેન. આ માટે ફક્ત એક ફોન કૉલ પર્યાપ્ત છે, તમારી ચિંતા હળવી કરવા માટે.’ તેમણે બીજું સૂચન કર્યું છે કે, ‘લોકોએ જર્નલિંગની આદત પણ વિકસિત કરવી જોઈએ કે, જ્યાં તેઓ લખી શકે. પોતાની ચિંતાઓ, પોતાના વિચિત્ર વિચારોને લખીને આ વિચારોને શાંત કરી શકે.’
તેમણે આ પોસ્ટ સમાપન કરતાં લખ્યું, ‘વ્યક્તિએ ભગવાન સાથે તાદાત્મ્ય રાખવું પણ જરૂરી છે. તેમની સાથે જોડાવું જોઈએ. એકલા હોવ ત્યારે પરમ સાથે જોડાવાનો પ્રયત્ન કરો. તમારા અસ્તિત્વને લઈને ઊંડાણથી પ્રશ્ન પૂછો. દરેક સમયે ઈશ્વર સાથે જોડાઈ રહેવા માટે સાધના વિકસિત કરો. જીવનમાં ઉપલબ્ધ દરેક વસ્તુ માટે તેમનો આભાર માનો. તો તમને જરાપણ એકલવાયાપણાનો અનુભવ નહીં થાય.’
તેમની પોસ્ટ રજૂ થયા બાદ તેને પાંચ હજારથી વધુ લાઈક્સ મળી છે. જેમાં અમુક યુઝરની કમેન્ટ્સ પણ જાણવા જેવી છે. એક યુઝરે લખ્યું, ‘એકલા રહેવાથી માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. મારા હિસાબે પોતાની જાતને સારા મિત્રો તેમજ સારા વાતાવરણથી ઘેરાયેલી રાખવી જોઈએ. જેથી તમને સહેલાઈથી અને ખુશીથી આગળ વધવાનો ઉત્સાહ મળશે.’
અન્ય લખે છે, ‘જ્યારે તમે લાંબો સમય સુધી અલગ અને એકલા રહો છો ત્યારે તમે તમારી પોતાની જ કંપની ઝંખો છો અને પોતાને પ્રેમ કરવાનું શરૂ કરી દો છો. એટલે સુધી કે, તમારું લોકો સાથે વાતચીત કરવું કઠિન બની જાય છે. તમે પારિવારિક સમારંભો કે પાર્ટીઓમાં જવાનું ટાળો છો. ઉપરાંત લગ્ન કરવાનું તો બહુ જ મુશ્કેલ બની જાય છે. કેમ કે, તમે એકલવાયાપણાથી ટેવાઈ ગયા હોવ છો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘અદ્ભુત પોસ્ટ હિમાંશુ, આ બધું જીવનમાં વ્યક્તિના દૃષ્ટિકોણને લઈને છે. એકલવાયાપણું ભયાનક પણ હોઈ શકે છે અને સુંદર પણ હોઈ શકે છે.’