રેઈડઃ કાશ, વધુ ‘રિકવરી’ થઈ હોત

ફિલ્મઃ રેઈડ

કલાકારોઃ અજય દેવગન, ઈલિયાના ડીક્રૂઝ, સૌરભ શુક્લા, પુષ્પા જોશી

ડિરેક્ટરઃ રાજકુમાર ગુપ્તા

અવધિઃ આશરે 128 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ પૈસા વસૂલ

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ 1/2 (ઈન્કમ ટૅક્સ-જીએસટી-વૅટ કાપીને!)

“મૈં સિર્ફ સસુરાલ સે હી શાદી વાલે દિન ખાલી હાથ લૌટા થા- વર્ના જિસકે ઘર સુબહ સુબહ પહૂંચા હૂં કુછ ના કુછ નિકાલ કર હી લાયા હૂં”

દેશના ઈતિહાસમાં સૌથી મોટી, સૌથી લાંબી ઈન્ક્મ ટૅક્સની રેઈડ યોજવા સવારના સાડા પાંચ વાગ્યે પહેંચી જનારા ઈમાનદાર ઈન્કમ ટૅક્સ ઑફિસરને જ્યારે ઘરનો વડો કહે છે કે મેં ક્યારનું બધું સલટાવી દીધું છે… અહીંથી તને કંઈ નહીં મળે ત્યારે એ આ ડાયલૉગ બોલીને પેલાને શાંત કરે છે.

1981માં લખનૌના ઈન્કમ ટૅક્સ કમિશનર શારદા પ્રસાદ પાંડેએ સ્થાનિક વેપારી ને માથાભારે કૉંગ્રેસી એમએલએ સરદાર ઈંદર સિંહના ઘરે રેઈડ યોજેલી. 18 કલાક ચાલેલી આ રેઈડમાં 90 ઑફિસર્સ ને બસ્સો જેટલા પોલીસ અધિકારી પાંડેજીની સાથે હતા. આ સત્ય ઘટના આધારિત ‘રેઈડ’ જોઈને લાગ્યું કે યાર, ફિલ્મ હજી વધુ સારી, વધુ દર્જેદાર બની શકી હોત, પણ આવા વિષય પર ફિલ્મ બનાવવા તથા એમાં કામ કરવા માટે અજય દેવગનની પીઠ થાબડવી જોઈએ. અને લેખક રિતેશ શાહ તથા દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાની પણ કેમ કે, એમની પાસે વાર્તાના નામે એટલું જ હતું કેઃ કરોડો રૂપિયાનું કાળું નાણું ધરાવતા એક માથાભારે સંસદસભ્યના ઘરે રેઈડ પાડવામાં આવેલી, જે બે દિવસ ચાલેલી. આટલા મટીરિયલ પરથી એમણે બે કલાક દસ મિનિટની ફિલ્મ બનાવી.

ઑનેસ્ટ ઈન્કમ ટૅક્સ ઑફિસર અમેય પટનાઈક (અજય દેવગન) ટ્રાન્સફર પામીને લખનૌ આવ્યો છે. એને ટિપ મળે છે કે તાઉજી નામે કુખ્યાત સ્થાનિક સંસદસભ્ય તથા વેપારી (સૌરભ શુક્લા)ના ઘરે રેઈડ યોજશો તો તમે કલ્પ્યું નહીં હોય એટલું કાળું ધન મળશે. વક્રતા એ છે કે જ્યાં કાળું ધન સંતાડવામાં આવ્યું છે એ મહેલ જેવા બંગલાનું નામ છે ‘વ્હાઈટ હાઉસ’. અમેય પોતાની ટીમ સાથે વહેલી સવારે તાઉજીના વ્હાઈટ હાઉસ પર ત્રાટકે છે. જ્યાં લાઠી ને બે-જોટાળી લઈને રખેવાળી કરતા તાઉજીની ગુંડાગૅગ એમનું સ્વાગત કરે છે…

લેખક-દિગ્દર્શકની સૌથી મોટી મર્યાદા એ છે કે જે ઘટના ઘટે છે એ આ એક જ જગ્યાએ આ વ્હાઈટ હાઉસમાં. પાત્રો પણ તાઉજીના ઘરમાં જેટલા સભ્ય (પુત્રી-ભાઈઓ-ભાભીઓ, વગેરે) છે એ જ. આમ છતાં આ બધાંની આસપાસ એમણે જકડી રાખનારી ફિલ્મ બનાવી છે. જો કે અમેય પટનાઈકની પત્ની માલિની (ઈલિયાના ડીક્રૂઝ)ને આપવામાં આવેલું વધારે પડતું મહત્વ અથવા ફૂટેજ પ્રેક્ષકને મૂળ વિષયથી ચલિત કરે છે. ટ્રાન્સફરથી લઈને જાનનું જોખમ સાથે લઈને ફરતા એક ઑનેસ્ટ ઈન્કમ ટૅક્સ ઑફિસરની મેરેજ લાઈફ તથા એના જીવનનો એક મહત્વ કેસ એ બન્નેને કનેક્ટ કરવા માગે છે ડિરેક્ટર (“ઈન્ડિયા મેં ઑફિસર્સ કા નહીં, ઉનકી બિવીઓં કા બહાદુર હોના ઝરૂરી હૈ” એવું ફિલ્મનો એક સંવાદ કહે છે) પણ એમાં એ સફળ થતા નથી. કેમ કે એમાંથી કંઈ નિષ્પન્ન થતું નથી કે નથી મૂળ વાર્તામાં એનાથી કોઈ ફરક પડે છે. બહાદુર-ઈમાનદાર ઈન્કમ ટૅક્સ ઑફિસરનાં પત્ની સાથેનાં સોંગ વાર્તાપ્રવાહમાં સ્પીડબ્રેકર બની રહે છે. એવી જ રીતે ઘરમાંથી કાળું ધન-ફાઈલ-ઘરેણાં શોધવાનાં રિપીટિટિવ દ્રશ્ય પણ કઠે છે.

‘ગંગાજલ’, ‘દ્રિશ્યમ’ બાદ અજય દેવગનની આ બેસ્ટ ફિલ્મ છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. એટલા જ સરસ સૌરભ શુક્લા. બીજાં આર્ટિસ્ટો (મોટા ભાગના હિંદી રંગભૂમિના કલાકાર) પણ એકદમ વાસ્તવિક લાગે એટલા સરસ. ‘ડાયાબિટીસ’ હોવા છતાં જમતી વખતે જલેબી માગીને ખાનારાં તથા દીકરાને અડબોથ લગાવતાં (“ઘર મેં ઈતના ધન છૂપા કર રખ્ખા હૈ ફિર ભી મેરા પથરી કા આપરેસન નહીં કરવાયા”) અમ્મા (85 વર્ષી પુષ્પા જોશી) પણ પ્રભાવશાળી.

આજે જ્યારે વિજય માલ્યા-નીરવ મોદી-મેહુલ ચોક્સી જેવા વ્હાઈટકૉલર નકાબપોશ હજ્જારો કરોડો રૂપિયાનાં કૌભાંડ કરીને રફુચક્કર થઈ જાય છે ત્યારે ડિરેક્ટર રાજકુમાર ગુપ્તા આપણને ઈન્દિરા ગાંધી (હા, એમનું કેરેક્ટર પણ છે ફિલ્મમાં)ની સરકારવાળા 1980ના દાયકાના ભારતમાં લઈ જાય છે ને 420 કરોડ રૂપિયાનું કાળું ધન પકડવાની વાર્તા બતાડે છે. ટૂંકમાં, હજાર કરોડ રૂપિયા મળવાની આશા સાથે પાડેલી રેઈડમાં ચારસો કરોડ મળે એવો ઘાટ થયો છે અહીં. આ વીકએન્ડમાં કરવા જેવું બીજું કંઈ કામ ન હોય તો ‘રેઈડ’ જોઈ કાઢજો.

(જુઓ ‘રેઈડ’નું ટ્રેલર)

httpss://youtu.be/3h4thS-Hcrk

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]