મરજાવાં: મસાલાના નામે કંઈ પણ?

ફિલ્મઃ મરજાવાં

કલાકારોઃ સિદ્ધાર્થ મલ્હોત્રા, રિતેશ દેશમુખ, નાસર, રકૂલ પ્રીત, તારા સુતરિયા

ડાયરેક્ટરઃ મિલાપ મિલન ઝવેરી

અવધિઃ બે કલાક 16 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

આપણાં ગુજરાતીઓનાં ઘરમાં વાઈફ બહાર જાય ને મોડે સુધી ઘોરતા હસબંડ માટે કિચન પ્લેટફોર્મ પર મેસેજ મૂકતી જાય કે “કૂકરની બે સીટી કરીને ગૅસ બંધ કરી દેજો”, પણ આળસુનો પીર, બેદરકાર હસબંડ 2ને બદલે 12 સીટી વગાડીને રસોઈ વધુપડતી રાંધી મૂકે (ઓવરકૂક્ડ) એવી ઓવરકૂક્ડ ‘મરજાવાં’ બનાવીને મિલાપ ઝવેરીએ કેટલાક માઈલસ્ટોન સરજ્યા છે. અંગ્રેજીમાં કહે છેને, ફર્સ્ટ ટાઈમ ઈન ધી હિસ્ટરી ઑફ… ચાલો જોઈએ ‘મરજાવાં’નાં પાંચ ફર્સ્ટઃ

કથા-પટકથા વગરની પહેલી ફિલ્મઃ ફિલ્મમાં વાર્તા નથી. ઝાકઝમાળવાળાં આઈટમ સોંગ્સ પાછળ, બે હીરો (સિદ્ધાર્થ મલ્હોત્રા-રિતેશ દેશમુખ) બે હીરોઈન (રકુલ પ્રીત-તારા સુતરિયા) પાછળ, સેટ્સ પાછળ ખૂબ પૈસા ખર્ચાઈ ગયા, કથા-પટકથા માટે બજેટ જ ન રહ્યું એટલે મિલાપે પોતે વાર્તા રચી કાઢીઃ ધારાવીના ડૉન રામન્ના (નાસર)ની નાજાયઝ ઑલાદ રઘુ (સિદ્ધાર્થ) છે. રામન્નાની પોતાની ઑલાદ છે ત્રણ ફીટનો વિષ્ણુ (રિતેશ), જે વાહિયાત ‘હાઈટ-જોક્સ’ મારી મારીને પ્રેક્ષકને ઈરિટેટ કર્યા કરે છે. દાખલા તરીકે “હાઈટ ઑફ કમ્પિટિશન? નાયેગરા કે સામને ખડે હો કર પેશાબ કરના”. તો રામન્નાના ગુંડા રઘુની મીનિંગલેસ લાઈફમાં ઝોયા (તારા) આવે છે ને લવ ઍટ ફર્સ્ટ સાઈટ થઈ જાય છે. અરે હા, એક આરઝૂ (રકુલ) પણ છે, જેને પોતે ‘મુક્દ્દર કા સિકંદર’ની રેખા હોવાનો વહેમ છે. રઘુથી જલતા વિષ્ણુને આ લવસ્ટોરી મંજૂર નથી. એ ઘાતકી બનીને ઝોયા-રઘુ વચ્ચે, એમની પ્રેમકહાણી વચ્ચે ચીરફાડ કરે છે. બસ, કહાની માટે આટલું જ બજેટ હોઈને મિલાપ મૂંઝાઈ જાય છેઃ લવસ્ટોરી બનાવવી કે રિવેન્જ ડ્રામા? પછી એ પ્રેક્ષક પર બધું છોડી દે છેઃ જેને જે સમજવું હોય તે.

બધાં પાત્ર સંવાદલેખક હોય એવી પહેલી ફિલ્મ: હા. ફિલ્મનાં મુખ્ય પાત્રોથી લઈને સાઈડકિક સુધીનાં બધાં કેરેક્ટર વાતચીત નથી કરતાં, પણ ડાયલોગ જ બોલે છેઃ થોડા નમૂનાઃ “મારુંગા કાનપટ્ટી પે, દરદ મિટેગા ગણપતિ પે”… “હર ગલી સે મદદ મિલેગી- માગો અલી સે યા બજરંગ બલી સે”… “બંદૂક ચાહે કિતની ભી બડી હો, ગોલી તો છોટી હી હોતી હૈ”…

ટિકિટના પૈસામાં મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપતી પહેલી ફિલ્મઃ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું લાઉડ છે કે બહેરાશની સમસ્યા ધરાવનાર સાંભળતો થઈ જાય. પરદા પર કોઈ બી સીન ચાલતો હોય, મ્યુઝિક કાનફાડુ જ હોય. ફિલ્મ એટલી અસહ્ય છે, પણ શું થાય- પૈસા આપ્યા છે એટલે બેસી રહેવું પડશે એવું વિચારી તમે બે કલાક 16 મિનિટ પૂરી કરો છે એટલે એ તમારી માનસિક તાકાત, ધીરજ, સહનશીલતા, વગેરે વધારી તમને મેન્ટલી સ્ટ્રોન્ગ બનાવે છે.

પોલીસને જેવી છે એવી દેખાડનારી પહેલી ફિલ્મઃ પોલીસની ભૂમિકા આ ફિલ્મમાં એટલી મહત્ત્વની છે, જેટલો મે મહિનાની કાળઝાળ ગરમીમાં ઊનનો જાડો ધાબળો. રવિ કિશન એસીપી છે. એ ઈચ્છે છે કે રઘુ ડૉન રામન્નાનાં કુકર્મ વિશે જુબાની આપી એને પકડાવે, જે શક્ય નથી એટલે એ (એસીપી) રઘુની માશૂકા ઝોયા (તારા સુતરિયા)ને કહે છેઃ “તૂમ ઉસે બદલ સકતી હો. ઔર જિસ દિન યે હો ગયા મુઝે એસએમએસ કર દેના”. ફિનિશ. મતલબ, મારું કામ પૂરું. અરે એસીપી ખુદ કહે છે (ના, કહેતો નથી, ડાયલોગ મારે છે) “ઈન્ડિયા મેં સદીઓં સે એક કહાવત હૈઃ યહાં પોલીસ કભી વક્ત પે નહીં પહોંચતી. કલ ભી હમ વક્ત પર નહીં પહોંચેંગે”.

બોધિવૃક્ષની ગરજ સારતી ફિલ્મઃ પોતાને મનમોહન દેસાઈ કે પ્રકાશ મેહરા સમજતા મિલાપ ઝવેરી (આને કહેવાય ‘કૉન્ફિડન્સ કી હાઈટ’) જેવા ડિરેક્ટરોને આ ફિલ્મ બોધ આપે છે કે 1980, 1990ના દાયકાની મસાલા ફિલ્મ બનાવવી ઈઝી નથી. ભલે આખેઆખા સીન-પાત્ર કૉપી કરીને પેસ્ટ કરો, ‘દયાવાન’, ‘જાંબાઝ’નાં ગીત રિમિક્સ કરી નોરા ફતેહી પર શૂટ કરો કે પછી, ‘સિમ્બા’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની નકલ કરો. મેથડ ઈન મેડનેસની જેમ મસાલા ફિલ્મ બનાવવાની પણ એક મેથડ છે, રેસીપી છે.

અંતે, ફિલ્મમાં વારંવાર રિતેશનું પાત્ર સ્ટુપિડિટી કી હાઈટ અને કોન્ફિડન્સ કી હાઈટ પર વાત કર્યા કરે છે. તો એનાથી પ્રેરિત થઈને એક સવાલ પૂછવાનું મન થાય છેઃ “વ્હૉટ્સ ધી હાઈટ ઑફ બકવાસ ફિલ્મ?” જવાબ જરૂરી છે?

(જુઓ ‘મરજાવાં’નું  ટ્રેલર)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]