છપાકઃ લાગણીનીતરતાં છાંટણાં…

ફિલ્મઃ છપાક

કલાકારોઃ દીપિકા પદુકોણ, વિક્રાંત મેસ્સી

ડાયરેક્ટરઃ મેઘના ગુલઝાર

અવધિઃ 124 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

મેઘના ગુલઝારે ઍસિડ અટેકમાંથી ઊગરી ગયેલી માલતી (દીપિકા પદુકોણ)ની કથાનો ઉઘાડ કર્યો છે 2012થી. તેજાબી હુમલાના સાત વર્ષ બાદ. દ્રશ્ય એકદમ જાણીતું છેઃ દિલ્હીમાં સામાન્ય માનવીના પોલીસ સાથેના સંઘર્ષનું. નિર્ભયા રેપ-હત્યાકાંડથી હચમચી ગયેલી પ્રજાના દેખાવ, પોલીસનો લાઠીચાર્જ, વગેરે. આ સંઘર્ષનો અહેવાલ લેવા ગયેલી એક ટીવીપત્રકારને એ વખતે માલતીના કેસ વિશે ખબર પડે છે. એ માલતીનો ઈન્ટરવ્યૂ લે છે. ઈન્ટરવ્યૂ બાદ માલતી એ પત્રકારને કહે છેઃ (ઈન્ટરવ્યૂ ને એ બધું ઠીક) “મને તમારી ચેનલમાં નોકરી મળી શકે?” પત્રકાર એનો સંપર્ક અમોલ (વિક્રાંત મેસ્સી) સાથે કરાવે છે, જે ઍસિડ અટેકનો ભોગ બનેલી મહિલાઓ માટે એનજીઓ ચલાવે છે. માલતી એનજીઓમાં જોડાઈ જાય છે… નીચલા મધ્યમ વર્ગમાંથી આવતી માલતીને એનજીઓ માટે કામ કરવા ઉપરાંત સતત કોર્ટના આંટાફેરા પણ કરવાના રહે છે. એક તો એની પર ઍસિડ ફેંકનારા નરાધમ બશીર ખાન ઉર્ફે બબ્બુ અને એની બહેન પરવીનને સજા અપાવવાનો કેસ ચાલે છે. આ સિવાય એણે ઍસિડના વેચાણ પર રોક લગાવવા એક જાહેર હિતની અરજી કરી છે એની પણ સુનાવણી થતી રહે છે…

મેઘનાબહેનની આગલી બે ફિલ્મ – ‘તલવાર’ અને ‘રાઝી’ સત્યઘટના પર આધારિત હતી. બન્ને ઘટનાની આસપાસ (સાચા-કાલ્પનિક) પ્રસંગનાં ઉમેરણ થતાં એ ચુસ્ત પટકથાવાળી એન્ટરટેનિંગ ફિલ્મો બની હતી. ‘છપાક’માં લેખિકા અતિકા ચૌહાણ અને મેઘનાબહેન પાસે ખાસ મટીરિયલ હતું નહીં. પરિણામે દિલ્હીમાં બનેલી સત્યઘટના પરથી આલેખવામાં આવેલી પટકથા ચુસ્ત બની શકી નથી. એમાંય ઈન્ટરવલ પહેલાં તો ખાસ કંઈ બનતું જ નથી. લેખિકાએ ઘટનાની તારીખ અને તવારીખથી તાણાવાણા ગૂંથવાના પ્રયાસ કર્યા છેઃ ઍસિડ અટેકનાં સાતેક વર્ષ બાદ માલતીનું જાહેરમાં આવવું, એપ્રિલ 2005માં શું બનેલું એ હીચકારું દ્રશ્ય, એ પછી હૉસ્પિટલ, પોલીસ ઈન્વેસ્ટિગેશન, ન્યાય મેળવવાનો સંઘર્ષ… અને ઍસિડ અટેક બાદ પચીસેક મિનિટમાં બબ્બુની અરેસ્ટ થઈ જાય છે. એ પછી કોર્ટકચેરીની અંદરબહાર, માલતીની લૉયર (મધુરજીત સર્ઘી) અને બચાવપક્ષના (બબ્બુના) વકીલ વચ્ચે સુસ્ત દલીલ, સિવાય કંઈ જ નહી.

ફિલ્મની સૌથી ગમી ગયેલી વાતો- એક, સતત તાણમાં રહેતા અમોલનું કેરેક્ટર. વિક્રાંત મેસ્સીએ આ પાત્ર બખૂબી ભજવ્યું છે. બે, માલતીનો સતત પોઝિટિવિટી સાથે સાથે જીવન જીવવાનો અભિગમ. આ દ્રશ્ય જુઓઃ ન્યાયિક લડતમાં વિજય મળતાં એનજીઓની ઓફિસમાં નાનકડી પાર્ટી ચાલી રહી છે, જે અમોલને બિલકુલ પસંદ નથી. બલકે એ ગુસ્સામાં છે. એને લાગે છે કે આવડીઅમથી જીતનું શું સેલિબ્રેશન કરવાનું? ત્યારે માલતી એને કહે છેઃ “તમારું વર્તન એવું છે, જાણે ઍસિડ તમારી પર ફેંકાયો હોય… ઍસિડ તો મારી પર ફેંકાયો છે ને મારે પાર્ટી કરવી છે.” ત્રીજી વાત- અટેક પહેલાંની માલતી આપણને ઓલમોસ્ટ ક્લાઈમેક્સ વખતે જ જોવા મળે છે. જો શરૂઆતમાં ખૂબસૂરત માલતી અને એની પર થયેલા ઍસિડ અટેકને બતાવવામાં આવ્યા હોત તો સતત એવી ફીલિંગ થયા કરે કે ઓહ, ઓક્કે, આ તો દીપિકા પદુકોણ માલતીનું પાત્ર ભજવી રહી છે. ચોથી વાત- કેટલાક સ્માર્ટ આઈડિયાઝ. જેમ કે માલતીની લૉયર એને ચેતવે છે કે “લાંબી કાનૂની લડાઈ માટે તૈયાર રહેજે” એવું કહે છે ત્યારે એ (લૉયર) એની છ-સાત વર્ષની દીકરીના વાળ ઓળી રહી છે અને ક્લાઈમેક્સ પહેલાં એને કિશોરાવસ્થામાં બતાવવામાં આવી છે. દીપિકા-વિક્રાંત ઉપરાંત માલતીનાં માતા-પિતા, નાનો ભાઈ, અટેકર બબ્બુ-પરવીન, માલતીનો સ્કૂલ બૉયફ્રેન્ડ, એની લૉયર, વગેરે કિરદાર ભજવતાં ઍક્ટર્સ પણ સરસ.

ઈન શૉર્ટ, દેશમાં સ્ત્રીસુરક્ષા અને એ માટે કાનૂનની, સરકારની ઉદાસનીતા (ફિલ્મમાં એક સંવાદ છેઃ (“ઈંડાં પર બૅન લાવી શકાય તો ઍસિડ પર કેમ નહીં”? પર કૅમેરા માંડવા બદલ મેઘના ગુલઝારને અને આવા વિષય પર ફિલ્મ બનાવવા ફદિયાં રોકવા માટે તથા એમાં કામ કરવા માટે દીપિકા પદુકોણને બિરદાવવી જ જોઈએ. બાકી જો તમારો મૂડ એક ગંભીર વિષય પર એટલી જ ગંભીરતાથી, દિલથી બનેલી ફિલ્મ જોવાનો હોય તો ‘છપાક’ની ટિકિટ બૂક કરાવો..

(જુઓ ‘છપાક’નું  ટ્રેલર)