‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’: ગુમનામ મરાઠા યોદ્ધાની શૌર્યગાથા

ફિલ્મઃ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર

કલાકારોઃ અજય દેવગન, સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેળકર

ડાયરેક્ટરઃ ઓમ રાઉત

અવધિઃ 134 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★

ઐતિહાસિક કે અમુક ચોક્કસ સમયકાળ પર કે મહાયુદ્ધ (પિરિયડ ડ્રામા) પર ફિલ્મ બનાવવી એ જોખમી કામ છે. એક તો એ ઊંડું સંશોધન માગી લે છે. બીજી બાજુ, ઈતિહાસ-સચ્ચાઈને વળગી રહીને ફિલ્મ બનાવવામાં એ ડૉક્યૂમેન્ટરી બની જવાનો ભય રહે. બીજું, એની માવજતમાં ચીવટાઈ રાખવી પડે. ત્રીજું, યુદ્ધકથાને અનુરૂપ પાત્રો-અભિનય સશક્ત હોવાં જોઈએ. લોકમાન્ય ટિળકના જીવનકાર્ય પર મરાઠી ફિલ્મ બનાવનાર ઓમ રાઉત આમાંની મોટા ભાગની લડાઈ જીતી શક્યા છે ને એમાં એમને સાથ મળ્યો છે પટકથાકાર-સંવાદલેખક પ્રકાશ કાપડિયાનો. જો કે પ્રેક્ષકોનો રસ જાળવી રાખવા લેખક-દિગ્દર્શકે ઈતિહાસમાં છૂટછાટ લીધી છે, કેટલાક કાલ્પનિક પ્રસંગ ઉમેર્યા છે.

તાન્હાજીની કથા છે 17મી સદીમાં લડવામાં આવેલી એક જીવસટોસટની લડાઈની, લડાઈ માટે ઘડવામાં આવેલી વ્યૂહનીતિની. 4 ફેબ્રુઆરી, 1670ના રોજ શિવાજી મહારાજના જમણા હાથ સમા તાન્હાજી માલુસરે અને ઔરંગઝેબના વિશ્વાસુ સરદાર ઉદયભાણ રાઠોડ (સૈફ અલી ખાન) વચ્ચે લડાયેલી આ લડાઈ ઔરંગઝેબના કબ્જામાં એવો કોંઢાણાગડ પાછો મેળવવા, એની પર ભગવો લહેરાવવા, સ્વરાજ પરત મેળવવા તથા પશ્ચિમ ભારત પર મુઘલ સામ્રાજ્ય સ્થાપવાના મનસૂબો નેસ્તનાબૂદ કરવા લડવામાં આવેલી.

થ્રી-ડી ફૉરમેટમાં ચિત્રિત થયેલી આ ફિલ્મની ખાસિયત છે સ્પેશિયલ ઈફેક્ટ્સ, વીએફએક્સ… ફિલ્મનાં દિલધડક દ્રશ્ય, પહાડ પર આવેલા ગઢ, એની રાંગ, પર્વતારોહણ, પરદા પરથી તમારી દિશામાં આવતાં અણિયાળાં બાણ, ભાલા, વગેરેની થ્રિલ આંખો પર કાળાં થ્રી-ડી ગોગલ્સ લગાવીને જ જોવા-માણવાની મજા છે.

ફિલ્મમાં ઉદયભાણ શા માટે અથવા કેવી રીતે ઔરંગઝેબ સાથે ભળ્યો એની એક કથા છે. કોઈ એક સમયે ઉદયભાણને કમલ (નેહા શર્મા) નામની કન્યા સાથે પ્રેમ હોય છે, પણ વર્ગભેદને કારણે એનાં લગ્ન કમલ સાથે થતાં નથી. ગુસ્સે ભરાયેલો ઉદયભાણ મુઘલ સાથે (ઔરંગઝેબ)નો બૉડીગાર્ડ અને પછી સરદાર બની જાય છે. શરદ કેળકર બન્યો છે પ્રભાવી શિવાજી રાજે. અજય-સૈફ ઉપરાંત ફિલ્મમાં શિવાજીની માતા રાજમાતા જિજાબાઈ (પદ્માવતી રાવ) અને તાન્હાજીની પત્ની સાવિત્રી (કાજોલ)ના ભાગે લગભગ કંઈ જ કરવાનું આવ્યું નથી. ડિટ્ટો કમલ (નેહા શર્મા). આમ છતાં આ ફિલ્મ ઈતિહાસની ગર્તામાં ખોવાઈ ગયેલા એક મહાયોદ્ધાની શૌર્યકથા માટે તથા બહેતરીન વિઝ્યુઅલ્સ માટે જોઈ શકાય.

(જુઓ ‘તાન્હાજી’નું  ટ્રેલર)