યહ ક્યા હો રહા હૈ?

નાટક, ટીવી અને ફિલ્મોના પ્રેક્ષકોને હસાવતા હસાવતા રડાવનાર કહેતા
કૉમેડિયન ટીકુ તલસાણિયા


યહ ક્યા હો રહા હૈ?’ ફેઈમ ટીકુ તલસાણિયાને ટીવીના દર્શકો હોય કે ફિલ્મ દર્શકો કોણ નથી જાણતું. ‘યહ જો હૈ ઝિંદગી સિરિયલની આ તકિયા કલામથી ટીકુનો ઉદય થયો અત્યારે ઝમાના બદલ ગયા દ્વારા ટીકુ હસાવતા હસાવતા રડાવી જાય છે. આ સિરિયલને ટીકુ પોતાની અત્યાર સુધીની કારકિર્દીની સર્વોત્કૃષ્ટ ગણે છે. એમાં ટીકુના અનેક શેડ્સ જોવા મળશે. નાટક, ટીવી અને ફિલ્મો સાથે સંકળાયેલા આ કલાકારની મુલાકાત.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી 1994 અંકનો.


(મુલાકાતઃ શકીલ અહમદ)

* જીવન કેવી રીતે વીતી રહ્યું છે.

ટીકુ તલસાણિયાઃ મેં તો હરપળ જીવન આનંદ અને ઉત્સાહથી જ વીતાવ્યું છે. વહાલસોયી પત્ની, બે પ્યારા બાળકો છે. મનપસંદ ઘર છે અને ગાડી પણ. ભવિષ્યમાં ઘણું બધું કરવાની તમન્ના સાધારણ માનવીની માફક મને પણ છે.

* ઈન્ડસ્ટ્રીએ તમને શું શીખવ્યું?

ટીકુ તલસાણિયાઃ કામ પતાવ્યા પછી તરત જ નિર્માતાના ઘરનું સરનામું લખી લેવું જેથી ચેક મેળવવામાં વાંધો ન આવે. આમ તો આ ઈન્ડસ્ટ્રી ખૂબસૂરત જગ્યા છે. એકતા અને ભાઈચારાનું જ્વલંત ઉદાહરણ છે.

 * શું નિષ્ફળતાથી નિરાશા થાય છે?

ટીકુ તલસાણિયાઃ જી. પરંતુ મને એમાંથી ટૉનિક મળે છે. અને હું નવેસરથી હિમ્મતભેર આગળ વધું છું. નિષ્ફળતા મને રીજનરેટ કરે છે.

* ભવિષ્યમાં કેવા પાત્રો ભજવવા ચાહો છો?

ટીકુ તલસાણિયાઃ ચરિત્ર ભૂમિકાઓ. હું ચરિત્ર અભિનેતા છું. ન તો હીરો બની શકું કે ન મારો એવો દેખાવ છે. હું નાચી પણ નથી શકતો. એમાંયે આજે જે પ્રકારના નૃત્યો થાય છે એ જો કરવા જાઉં તો હૉસ્પિટલ ભેગો થઈ જાઉં. હું કૉમેડી કરીશ અને ગંભીર ભૂમિકાઓ કરીશ.

* નાટકોમાં કેવી ભૂમિકાઓ કરો છો?

ટીકુ તલસાણિયાઃ આ એક ખૂબ જ અલગ મિડિયા છે. ગુજરાતી રંગભૂમિ ખૂબ જ વિસ્તૃત અને વિકસીત છે. અમે ઈબ્સનનું હેડા ગેમ્બલર  પણ કર્યું છે અને બર્નાર્ડ શૉનું પિગ્મેલિયન પણ કર્યું છે. સાર્ત્રનું મેન વિધાઉટ શેડૉ  પણ કરવાની હિમ્મત ખેડી છે. મૌલિક નાટકો પણ ભજવીએ છીએ. રિયલિસ્ટિક અને નૉન રિયલિસ્ટક દરેક પ્રકારના નાટકો કર્યાં છે. ૧૬ વર્ષની નાટ્યયાત્રામાં સોથી વધુ નાટકોના ૬૦૦૦ થી વધુ પ્રયોગો કર્યા છે. દરેક પ્રકારની ભૂમિકા કરી છે. રંગમંચ અમારું પૂજા સ્થાન છે. ત્યાં કોઈ અમસ્તો જ કલાકાર નથી બની જતો. પુષ્કળ પરિશ્રમ કરવો પડે છે. એક મહિનાના તનતોડ રિહર્સલો પછી એક નાટક તૈયાર થાય છે. એટલે કે બસો કલાકની મહેનત પછી દર્શકો કાં તમને આવકારે અથવા ધુત્કારી કાઢે. પરિણામ તાબડતોબ. હું બાપ બન્યો છું. બેટો, હીરો અને ખલનાયક પણ. સકારત્મક-નકારત્મક મુખ્ય ભૂમિકાઓ કરી છે. વેરિયસ શેડ્સ-નાટકમાં માત્ર કલા પારખવામાં આવે છે. વ્યક્તિત્વ નહીં. સારી અદાકારી કરનારા જૂજ હોય છે. દા. ત. પરેશ રાવલ, સમીર ખખ્ખર, સિદ્ધાર્થ રાંદેરિયા, જતિન કાણકિયા (શ્રીમાન શ્રીમતી ફેઈમ) આ બધા ગુજરાતી રંગભૂમિના મારા સાથીઓ છે.

* તમારી પસંદગીનું કોઈ વિશેષ નાટક?

ટીકુ તલસાણિયાઃ સાયબો ગુલાબનો છોડ, સખા સહિયારા અને મૌસમ છલકે.

* શરૂઆતથી જ ચરિત્ર અભિનેતા બનવાની ઈચ્છા હતી?

ટીકુ તલસાણિયાઃ હા, પહેલેથી જ ચરિત્ર અભિનેતા બનવા ચાહતો હતો. દરેક પ્રકારનું વેરિએશન કરવા ચાહતો હતો. કારણ દરેક ભૂમિકાનો આસ્વાદ નિરાળો હોય છે. એક અલગ આનંદ હોય છે.

* પહેલો પ્યાર ટીવી કે ફિલ્મ?

ટીકુ તલસાણિયાઃ પહેલો પ્યાર નાટક, પછી ટીવી અને પછી જ ફિલ્મો.

* કારણ?

ટીકુ તલસાણિયાઃ રંગમંચ અમારી સાધના-પૂજા છે. અમે એને મંદિર ગણીએ છીએ. ટીવી એટલા માટે કે ભૂમિકાઓ સારી અને પૈસા વધુ મળે છે.

* ટીવીની વિષે કહેશો?

ટીકુ તલસાણિયાઃ મારા જીવનમાં નાપસંદગીને કોઈ સ્થાન જ નથી. મળે એ વધાવી લેવું. પાત્ર નાનું હોય મોટું હોય કે બીજા કોઈ ચીજ હોય. મને કદી કોઈ નાપસંદગી પરેશાન કરતી જ નથી.

* શું એ સાચું નથી કે તમને ફિલ્મો કરતા ટીવી પર વધુ સારી ભૂમિકાઓ મળે છે?

ટીકુ તલસાણિયાઃ એવું નથી. દરેક અદાકારને એવું લાગે છે. શાહ‚ખ ખાનને જો તમે પૂછો અથવા બચ્ચન સાહેબને પણ પૂછશો તો એવું જ કહેશે ‘યાર વહ એક કિરદાર જો હૈ… એ ક્યુ પાત્ર છે એનું વર્ણન કરી શકતા નથી. દરેક કલાકારની એવી ઈચ્છા હોય છે કે કાંઈ જુદું જ કરી દેખાડે.

મને મારું કામ સારું લાગે છે પરંતુ હું એનાથી વધુ શું કરી શકું છું એની કોશિશ કરું છું તેથી જ મને આલોચના પસંદ છે.

– ટીવીમાં જ્યાં સુધી તમારો પ્રોગ્રામ ચાલતો હોય ત્યાં સુધી લોકો યાદ રાખે છે પરંતુ જેવો બીજો કોઈ નવો પ્રોગ્રામ શરૂ થઈને લોકપ્રિય થાય એટલે લોકો પુરાણા પાત્રને ભૂલી જાય છે. ફિલ્મોનું તો એવું છે ને કે એક પાત્ર હિટ થાય પછી દર્શકોના મગજમાં વર્ષો સુધી ઘર કરી જાય છે.

મુશ્કેલી એ છે કે એ હિટ પાત્રને પગલે પગલે એવાં જ બીજાં દસ ભજવવાની ઑફર મળે છે. ચાહો તો પણ તમે ઈન્કાર ન કરી શકો.

– જેમ કે ‘યહ ક્યા હો રહા હૈ’થી હું પોતે એટલો બોર થઈ ગયો છું કે જો ભાવિ જન્મમાં પણ કહેવામાં આવે તો હરગિજ નહીં કરું. પછી ભલેને એ મારી કેરિયરની આખરી ભૂમિકા કેમ ન હોય છતાં કોઈક આવીને આગ્રહ કરશે યાર એકબાર બોલ દે-તો તમે શું કરો? એ જ અમને પૈસા ચૂકવે છે.

* ક્યા નિર્દેશકો સાથે કામ કરવાની મોજ પડી?

ટીકુ તલસાણિયાઃ મને તો દરેક નિર્દેશક સાથે કામ કરવામાં મજા આવી છે. દરેકની સમજાવવાની અલગ રીત હોય છે. અને તેઓ તમારી પાસે એવો શૉટ કરાવી લે છે. એમને માત્ર અદાકાર જ જાણી શકે છે.

– મને આજ સુધી એવો કોઈ નિર્દેશક નથી મળ્યો જે એવું કહે કે આ સીન છે અને આમ ભજવી દેખાડો. જે પણ મળ્યો એણે એ જ કહ્યું કે આ સીન છે એમાં તમારું થોડુંક ઉમેરી દો. એનામાં એડવાન્સ ઈમ્પ્રોવાઈઝેશન કરી આપો. દરેક નિર્માતા-નિર્દેશકની ઈચ્છા હોય છે કે એનો સીન સારો થાય. મારી તો એવી કોશિશ હોય છે કે જે કરું સારું જ કરું.

* તો શું પાત્ર કપાઈ જવાનું દુ:ખ નથી થતું?

ટીકુ તલસાણિયાઃ નહીં, બસ પૈસા મળી ગયા કે નહીં એનું જ ધ્યાન રાખીએ છીએ. એડિટીંગમાં ભૂમિકા કપાઈ જાય તો વાંધો નહીં. પૈસા કપાવા ન જોઈએ. જેઓ અમને જાણે છે એમને ખબર છે કે કામ તો સારું કરીએ જ છીએ. એટલે ફિલ્મમાં દેખાશું તો ખરાં જ.

* તમારી પસંદગીની સિરિયલો કઈ?

ટીકુ તલસાણિયાઃ યહ જો હૈ ઝિંદગી, ફિક્રને કહા અને ઝમાના બદલ ગયા. આ સિરિયલમાં અનેક શેડ્સ છે. મને ખૂબ ગમે છે. વાગલેકી દુનિયા પણ સારી હતી.

* તમારી મનપસંદ ફિલ્મો?

ટીકુ તલસાણિયાઃ દિલ હૈ કે માનતા નહીં અને હમ હૈ રાહી પ્યાર કે.

* મહેશ ભટ્ટ જેવા ગંભીર નિર્દેશક સાથે આટલી સારી કૉમેડી કેવી રીતે કરી શક્યા?

ટીકુ તલસાણિયાઃ ભટ્ટ સાહેબ ખૂબ મહેનત કરાવે છે. મેં એમને જણાવ્યું કે હું આ કરી શકું છું. પેલું પણ કરી શકું છું. એમણે કહ્યું-અચ્છા. બસ પછી તો તેઓ કરાવતા ગયા-હું કરતો ગયો. એમને ખબર પડી ગઈ કે હું શું કરી શકું છું. અમે એકમેકને સારી રીતે સમજી શક્યા તેથી જ કદાચ આટલું સારું કામ થઈ શક્યું. જો કે આવું જ્વલ્લે જ બને છે. નિર્દેશકને ખબર હોવી જોઈએ કે મારી પાસે ગોડાઉનમાં શું છે. કેટલો માલ પડ્યો છે. અને એ કેટલો કામમાં લાવી શકે છે. જે ફિલ્મોમાં નિર્દેશક સાથે મેળ જામે છે એમાં જ હું તેમને સારો લાગીશ. ભૂમિકાની પ્રશંસા ત્યારે જ થાય છે.

* બીજી કઈ ફિલ્મો તમને ખૂબ જ પસંદ પડી?

ટીકુ તલસાણિયાઃ ગુરુદત્તજીની દરેક ફિલ્મ મને ગમે છે. એમના જેવા સર્જક આજ સુધી ભારતમાં પેદા નથી થયા. એમની જે લાઈન રિધમ અને પેટર્ન હતી એ કમાલની હતી. કેટલી હદે કોઈ કલ્પના કરી શકે. આજે વિચાર કરીએ છીએ તો હેરાન થઈ જઈએ છીએ. પ્યાસા અને કાગઝ કે ફૂલનો તો જવાબ નથી. થાય છે કે એ જમાનામાં એક આદમી આટલું કઈ રીતે વિચારી શકતો હતો. રાજ સાહેબની, બિમલ રૉયની, સત્યજીત રે અને વી. શાંતારામની ફિલ્મો મને ખૂબ જ સારી લાગી. એ સર્જકોની વાત માંડવાની એક પદ્ધતિ હતી. વાત કરવાનો એક અજબ અંદાઝ હતો.

* મનપસંદ અંગ્રજી ફિલ્મો?

ટીકુ તલસાણિયાઃ ઘણી અંગ્રેજી ફિલ્મો જોઈ. પસંદ પણ પડી. યુદ્ધ પર આધારિત પેટન જેવી ફિલ્મો ખૂબ ગમી. ફિડલર ઑન ધ ‚ક, ડૉ. ઝિવાગો, અધર સાઈડ ઑફ ધ મિડનાઈટ, રેયૉન્સ ડૉટર મારા કલેક્શનમાં છે. અદાકારોમાં સર લૉરેન્સ ઑલિવિયે સૌથી વધુ ગમે. ડેવિડ લીન સાહેબની બધી જ ફિલ્મો ગમે છે. ચાર્લ્સ ચેપ્લીનની પણ ફિલ્મો લાજવાબ. ફ્રેન્ક કાપ્રાજીની બધી જ ફિલ્મો પ્રભાવશાળી છે. એમની જ ઈટ હેપ્ન્ડ વન નાઈટ પરથી દિલ હૈ કે માનતા નહીં બનેલી.

* પુસ્તકો વાંચવાનો શોખ છે?

ટીકુ તલસાણિયાઃ હા, પુષ્કળ વાંચુ છું. સિડની શેલ્ડન, રૉબર્ટ લુડલમ, અલેક્ઝાન્ડર સૉઝીસ્કીન મારા પ્રિય લેખકો છે. થિયોડૉર ‚ઝવેલ્ટ અને અબ્રાહમ લિંકનના પ્રવચનો મને ખૂબ જ પસંદ છે.

* કોઈ એવી ભૂમિકા જે ન કર્યાનો અફસોસ રહી ગયો હોય?

ટીકુ તલસાણિયાઃ ‘દિલ’માં દેવેન વર્માની ભૂમિકા મને મળેલી પરંતુ બે મહિના માટે હું લંડન જઈ રહ્યો હતો એટલે ન કરી શક્યો.

* ફિલ્મો અને ટીવી પર શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા અને હાસ્ય અભિનેતા કોણ છે એવું જો તમને પૂછવામાં આવે તો?

ટીકુ તલસાણિયાઃ બન્નેના જવાબમાં એટલું જ કહીશ ટીકુ તલાસણિયા.