કેટરીના થઈ 36 વર્ષની, મેક્સિકોમાં ઉજવી રહી છે જન્મદિવસ

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ આજે 36 વર્ષની થઈ. 1983ની 16 જુલાઈએ હોંગકોંગમાં જન્મેલી કેટરીનાનાં પિતા મોહમ્મદ કૈફ કશ્મીરી મુસ્લિમ છે અને માતા સુઝૈન બ્રિટિશર છે. બોલીવૂડની આ લોકપ્રિય અભિનેત્રી આજે પોતાનો જન્મદિવસ મેક્સિકોમાં ઉજવી રહી છે.

કેટરીના જ્યારે નાની હતી ત્યારે એનાં માતાપિતા અલગ થઈ ગયાં હતાં. કેટરીનાનું મૂળ નામ કેટરીના તુર્કેટ છે. કેટ, કેટી, કેટ્ઝ અને સામ્બો એનાં હુલામણાં નામો છે. એને છ બહેન છે. ત્રણ એનાથી મોટી અને ત્રણ નાની. એને એક ભાઈ છે – માઈકલ, જે એનાની નાની ઉંમરનો છે.

કેટરીનાએ એની માતા તથા ખાનગી શિક્ષકો પાસેથી ઘરમાં જ શિક્ષણ મેળવ્યું હતું અને પત્રવ્યવહાર દ્વારા પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.

14 વર્ષની ઉંમરમાં એણે અમેરિકાના હવાઈમાં એક બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને એમાં વિજેતા બની હતી. ત્યારબાદ એને મોડેલિંગ વ્યવસાયમાં કામ મળવાનું શરૂ થયું અને લંડનમાં એ પ્રોફેશનલ મોડેલ બની. કિશોરાવસ્થામાં મોડેલિંગના એક પ્રોજેક્ટના ભાગરૂપે એ પહેલી જ વાર મુંબઈ આવી હતી.

2003માં, એ જોન અબ્રાહમ સાથે બોલીવૂડ ફિલ્મ (સાયા)માં કામ કરવા ઈચ્છતી હતી, પણ હિન્દી ભાષા આવડતી ન હોવાથી એ ફિલ્મ એના હાથમાંથી સરકી ગઈ હતી. જોકે એ જ વર્ષમાં એને ‘બૂમ’ ફિલ્મની ઓફર મળી અને એમાં કામ કરીને એણે હિન્દી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું હતું.

‘બૂમ’નાં નિર્માત્રી આયેશા શ્રોફ (જેકી શ્રોફની પત્ની)એ કેટરીનાને એનું નામ કેટરીના તુર્કેટને બદલે કેટરીના કૈફ રાખવા કહ્યું હતું, કારણ કે પોતાને તુર્કેટ ઉચ્ચારણ ફાવતું નહોતું.

કેટરીનાને બોલીવૂડમાં શરૂઆતના વર્ષોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પણ 2007માં અક્ષય કુમાર સાથેની ‘નમસ્તે લંડન’ ફિલ્મની સફળતાએ એને લોકપ્રિય બનાવી હતી.

તે પછી એની આ ફિલ્મો આવી – વેલકમ, રેસ, સિંઘ ઈઝ કિંગ, હેલ્લો, યુવરાજ, ન્યૂયોર્ક, બ્લૂ, અજબ પ્રેમ કી ગજબ કહાની, રાજનીતિ, ઝિંદગી મિલેગી ન દોબારા, એક થા ટાઈગર, જબ તક હૈ જાન, ધૂમ 3, બેન્ગ બેન્ગ, ફેન્ટમ, ફિતૂર, બાર બાર દેખો, જગ્ગા જાસૂસ, ટાઈગર ઝિંદા હૈ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. છેલ્લે એ ‘ભારત’ ફિલ્મમાં જોવા મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]