સુશાંત સિંહની આ ઈચ્છાઓ અધૂરી જ રહી ગઈ…

યુવા, ટેલેન્ટેડ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં તેના ઘરમાં ગઈકાલે આત્મહત્યા કર્યાના સમાચારે દેશભરમાં સૌને આંચકો આપ્યો છે. એકદમ સરળ સ્વભાવ, હસમુખો ચહેરો આ સુશાંતના સ્વભાવની વિશેષતા હતી. સુશાંત સિંહ રાજપૂતની અધૂરી રહેલી ઈચ્છાઓ મામલે તેના પિતરાઈ ભાઈ નિરજ સિંહ, જે અને ભાજપના ધારાસભ્ય છે, એમણે કહ્યું કે અમે સહુ ખૂબ જ દુઃખી છીએ. અમે ક્યારેય નહોતું વિચાર્યું કે આવો દિવસ જોવો પડશે. હંમેશા બીજાઓને હિંમત અને ખુશી આપનારો આટલો સારો છોકરો આવી રીતે ચાલ્યો જશે એવું અમે કોઈએ ધાર્યું પણ નહોતું. હજી તો તેણે પોતાના કરિયરની માંડ શરૂઆત જ કરી હતી અને ત્યાં એણે પોતાના જીવનનો અંત લાવી દીધો.નિરજ સિંહે વધુમાં કહ્યું કે, સુશાંત સિંહના લગ્ન મામલે વિચારી લેવામાં આવ્યું હતું અને આ વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં તેના લગ્નનો પણ વિચાર હતો. પરંતુ હવે બધું જ અધૂરું રહી ગયું. સુશાંત ગત વર્ષે પટના આવ્યો હતો અને પોતાની કેટલીક ઈચ્છાઓ તેણે વ્યક્ત કરી હતી. તે ફિલ્મ સિવાય સમાજમાં પણ કંઈક કરવા ઈચ્છતો હતો.

 

નીરજ સિંહે જણાવ્યું કે, સુશાંત સિંહ 100 ગરીબ બાળકોને અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’માં મોકલવા ઈચ્છતો હતો અને એ વિશે એણે અમને જણાવ્યું હતું. એ તેનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. મેં પણ કહ્યું હતું કે અમારા ત્યાંથી પણ બાળકોને મોકલજે તો તેણે કહ્યું હતું કે ઓકે નામ મોકલી આપજો. આ વિષય અર્થે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાનો હતો. ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત અનેક પ્રકારના સામાજિક કાર્યો કરવાની પણ એની ઈચ્છા હતી. સમાજ માટે કંઈક કરી છૂટવાની એને બહુ ખેવના હતી. પરંતુ અફસોસ તે કંઈ કરે તે પહેલા તેણે જીવન ટૂંકાવી લીધું.

નિરજ સિંહે કહ્યું કે, સુશાંતને આધ્યાત્મિક્તા પ્રતિ પણ લગાવ થયો હતો. તાજેતરમાં ગામડે ગયા હતા ત્યારે તે મંદિરમાં પૂજા-પાઠ કરતો હતો. જ્યારથી તેણે ‘કેદારનાથ’ ફિલ્મ કરી છે ત્યારથી તે ભગવાન શિવની વાતો વધારે કરતો થયો હતો.