માય નેમ ઈઝ કરણ!

સગાંવાદનો ઝંડાધારી… મૅનિપ્યૂલેટર… ગૉડફાધર… આવાં જાતજાતનાં વિશેષણથી અપમાનિત થઈ રહેલા અને સુશાંતસિંહના અપમૃત્યુ પછી વિવાદમાં ઘેરાયેલા બોલીવુડના જાણીતા અને વગદાર ચહેરા કરણ જોહરનો એક ક્લોઝ અપ…

(કેતન મિસ્ત્રી)


પ્રતિભાશાળી ઍક્ટર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ સિનેસૃષ્ટિમાં ભાઈ-ભત્રીજાવાદ (નેપોટીઝમ)ના વિવાદથી વ્યથિત થઈને કરણ જોહરે મુંબઈ ‘ઍકેડમી ઑફ ધ મૂવિંગ ઈમેજ’ (MAMI)ના ડિરેક્ટરપદ પરથી રાજીનામું આપીને એક નવો વિવાદ શરૂ કર્યો છે. એવી પણ ખબર આવી કે ‘મામી’ના મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનાં ચૅરપર્સન દીપિકા પદુકોણે મનાવવાની કોશિશ કરી, પણ કરણે એની વાત પણ માની નથી. કરણને એ વાતનું ખોટું લાગ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અમુક લોકો તથા આમ જનતા એને નેપોટીઝમનો ઝંડાધારી (ફ્લૅગબેરિયર) કહીને ધુત્કારી રહ્યા હતા તથા સોશિયલ મિડિયા પર એને ટ્રોલ કરી રહ્યા હતા ત્યારે ‘મામી’ના હોદ્દેદાર તથા બીજા કોઈ એના સપોર્ટમાં આવ્યા નહીં, ન કોઈ એની તરફેણમાં બોલ્યું. ‘મામી’ના બોર્ડ પર વિક્રમાદિત્ય મોટવાની, સિદ્ધાર્થ રૉય કપૂર, દીપિકા પદુકોણ, ઝોયા અખ્તર, કબીર ખાન, વગેરે બિરાજે છે.

ટ્વિટર પર દોઢ કરોડથી વધુ ફૉલોઅર્સ ધરાવતો, ‘રૂહી ઔર યશ કા પાપા, હીરૂ ઔર યશ કા બેટા’ અને પ્રોડ્યુસર-ડિરેક્ટર-સ્ક્રીનરાઈટર-કૉસ્ચ્યૂમ ડિઝાઈનર અને ટીવીપર્સનેલિટી કરણ જોહર એ વાતને લઈને અળખામણો થઈ રહ્યો છે કે એણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સગાંવાદને પોષ્યો. નવાઈ એ વાતની છે કે ફિલ્મકલાકાર-કસબીનાં પુત્ર-પુત્રીને લૉન્ચ કરવાનો રિવાજ કંઈ આજનો નથી કે નથી એ કરણે શરૂ કર્યો. અને કરણે માત્ર સ્ટાર્સનાં છોકરાં-છોકરી સાથે કે એમનાં ભાઈ-ભત્રીજા-ભત્રીજી સાથે જ કામ કર્યું એ કહેવું ગલત ગણાશે. ચલો, એની કરિયર પર એક નજર નાખીએઃ

આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના નિર્માણ દરમિયાન સહાયક તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘કૂછ કૂછ હોતા હૈ’માં કરણે કાસ્ટ કર્યાં શાહરુખ ખાન-કાજોલ-રાણી મુખર્જીને. એ પછી કરણે ‘કભી ખુશી કભી ગમ’, ‘કલ હો ના હો’, ‘દોસ્તાના’, ‘વેક અપ સિડ્સ’, ‘કભી અલવિદા ના કેહના’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘અગ્નિપથ’, વગેરે બનાવી, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સૈફ અલી ખાન, શાહરુખ ખાન, કરીના કપૂર, રાણી મુખર્જી, જૉન અબ્રાહમ, હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા, વગેરે હતાં, જે એસ્ટાબ્લિસ્ડ કલાકાર હતા.

કરણ પર નેપોટીઝમનો આરોપ લાગવો શરૂ થયો ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ ફિલ્મથી. અહીંથી એણે સ્ટાર્સની નવી પેઢીને કાસ્ટ કરવાની શરૂઆત કરી. એણે સ્ટારકિડ્સ આલિયા ભટ્ટને તથા વરુણ ધવનને ચમકાવ્યાં તો સાથે બહારથી આવેલા સિદ્ધાર્થ મલ્હોત્રાને પણ ચમકાવ્યો. એ પછી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-ટુ’માં એણે ચંકીપુત્રી અનન્યા પાંડેને ચમકાવી તો સાથે સાથે તારા સુતરિયા, ટાઈગર શ્રોફને ચમકાવ્યાં, ‘ધડક’માં ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂરને કાસ્ટ કર્યાં.

જાણીને નવાઈ લાગશે કે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સ કેટલીક હટકે ફિલ્મ સાથે પણ સંકળાયેલી છે. જેવી કે ‘ધ ગાઝી ઍટેક’, ‘લંચ બૉક્સ’, ‘ગિપ્પી’, ‘ઉંગલી’ (બાય ધ વે, આ ફિલ્મમાં કંગના રણોટ પણ હતી), ‘બકેટ લિસ્ટ’ (મરાઠી) તો આ જ કરણ જોહરે નવોદિત શકૂન બત્રા (‘એક મૈં ઔર એક તૂ’, ‘કપૂર ઍન્ડ સન્સ’)થી લઈને સોહમ શાહ (‘કાલ’), શશાંક ખૈતાન (‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદરીનાથ કી દુલ્હનિયા’, ‘ધડક’), ગૌરી શિંદે (‘ડિયર ઝિંદગી’), વગેરે જેવાં સર્જકોને એમને ગમતા વિષય પર ફિલ્મ બનાવવા દીધી.

યસ, કરણે એના ટીવી-શો ‘કૉફી વિથ કરણ’માં ઘણા સ્ટાર્સની ખિલ્લી ઉડાડી, ઘણાને નીચાજોણું કરાવ્યું. કદાચ ટીવીચેનલની શોને પૉપ્યુલર બનાવવાની ગણતરીપૂર્વકની ચાલ હોઈ શકે. કેમ કે સ્ટાર્સના ચીલાચાલુ ઈન્ટરવ્યુ જોવામાં કોને રસ પડે? થોડી તડાફડી થાય, છોડો વિવાદ થાય તો જ દર્શકોની સંખ્યા વધે!

એક વાત એ સમજી લેવાની જરૂર છે કે કરણ જોહર ધર્મા પ્રોડક્શન્સ નામની એક ફિલ્મકંપની ચલાવે છે. બીજા કોઈ પણ બિઝનેસની જેમ ફિલ્મ પણ એક બિઝનેસ છે, જેમાં પ્રોફિટ ઘણો મહત્વનો છે. જો એ નફો ધ્યાનમાં રાખીને એ રીતે કલાકારો લે તો એમાં ખોટું શું છે? રહી વાત નેપોટીઝમની. હા, એ સાચું કે ફિલ્મી ખાનદાનમાંથી આવવાના ફાયદા છે, સૌથી મોટો ફાયદો કોઈ પણ સંઘર્ષ વિના ફિલ્મપ્રવેશ થઈ જાય છે. કનેક્શન ન ધરાવનારને નિર્માતા-દિગ્દર્શકની ઑફિસનાં પગથિયાં ઘસવા પડે છે. પણ સાથે એ પણ સમજી લેવાની જરૂર છે કે ફિલ્મપ્રવેશ મળી જવાથી રાતોરાત સ્ટાર બની જવાતું નથી. કલાકારમાં કૌવત હશે તો જ ચાલશે. પછી તમે ફિલ્મ ફૅમિલીમાંથી આવો છો કે નૉનફિલ્મ ફૅમિલીમાંથી. કોઈ પણ ફિલ્મી બૅકગ્રાઉન્ડ ન ધરાવતા અનેક ટેલન્ટેડ કલાકાર સફળ થયાના દાખલા આપણે ત્યાં છે.

-અને પબ્લિક અથવા દર્શક પણ કોઈની બે આંખની શરમ રાખતી નથી. એને કંઈ પડી નથી કે પરદા પર કામ કરનાર ફલાણાનો દીકરો કે દીકરી છે. એ એન્ટરટેઈનિંગ છે પ્રતિભાશાળી છે તો હા. નહીંતર ખીસકો. અને કરણ જોહર કે આદિત્ય ચોપરા કે એકતા કપૂર કે અન્ય નિર્માતા પણ કંઈ ‘ઢ’ નથી. જો એમને ખ્યાલ આવી જાય કે અમુક કલાકાર નથી ચાલતા તો માત્ર યારી-દોસ્તી-સગાં છે એટલે એને નહીં લે. આદિત્ય ચોપરાએ ભાઈ ઉદય ચોપરા સાથે કેટલી ફિલ્મ બનાવી? એકતા કપૂરે ભાઈ તુષારને કેટલી ફિલ્મમાં તક આપી? કરણ જોહર કંઈ બધી જ ફિલ્મમાં ભાઈ-ભત્રીજા-ભત્રીજીને લેતો નથી.

સુશાંતસિંહના પ્રકરણ પર પાછા આવીએ તો સુશાંતે પોતે કરણની ફિલ્મ ‘રાઈડ’માં કામ કર્યું છે, યશરાજની બે ફિલ્મ (‘શુદ્ધ દેસી રોમાન્સ’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’) તથા રાજકુમાર હીરાણીની ‘પીકે’, વગેરે અનેક મોટાં બૅનર, મોટા, સમ્માનીય સર્જકો સાથે કામ કર્યું. હાલ એની પાસે ત્રણેક ફિલ્મો હતી, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું.

રખે સમજી લેતા કે આ લેખનો આશય કરણ જોહરની તરફેણ કરવાનો કે એને સારું લગાડવાનો છે. કહેવાનું એટલું જ કે પોલીસ, ઈન્વેસ્ટિગેટિવ એજન્સી એ દિશામાં તપાસ કરી રહી છે કે શું અમુક લોકોએ ગૅન્ગ બનાવી સુશાંતને કામ ન મળે એવો કારસો રચેલો? અને ફિલ્મો મળતી બંધ થઈ એટલે હતાશ થઈને એણે આત્મહત્યા જેવું અંતિમ પગલું લીધું? ફાઈન, જ્યાં સુધી તપાસ પૂરી ન થાય, સત્ય સામે ન આવે ત્યાં સુધી કંઈ પણ જાણ્યાસમજ્યા વગર કંઈ પણ એલફેલ બોલી નાખવું, (ટ્વિટર પર) લખી નાખવું એમાં કોઈ સમજદારી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]