મિસ્ટર બોલ્ડઃ હું કંઈ પણ હટકે કે જુદું નથી કરતો

બોલીવૂડ સુપરસ્ટાર અને કિંગ ખાન તરીકે ફેમસ થયેલા શાહરૂખ ખાને 2 નવેંબરે પોતાનો 54મો જન્મદિવસ ઉજવ્યો. ‘ફૌજી’ ટીવી સિરિયલથી એણે એક્ટિંગ કારકિર્દી શરૂ કરી, ‘દીવાના’ એની પહેલી હિન્દી ફિલ્મ હતી અને છેલ્લે તે ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળ્યો હતો.


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૯૯૯ દીપોત્સવી અંકનો)


આજે બૉલીવુડ પર શાહરુખનું એકચક્રી સામ્રાજ્ય ચાલે છે. આઠેક વર્ષ પહેલાં માત્ર ૧૫ હજાર રૂપિયામાં દીવાના ફિલ્મ કરનાર શાહરુખ આજે કરોડોમાં મહાલતો સ્ટાર છે. એના હોમ પ્રૉડક્શન ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ના સેટ પર આ મુલાકાતમાં એણે નિખાલસતાથી વાતો કરી છે. (મુલાકાત – જ્યોતિ વ્યંકટેશ)


કોઈ નિર્માતાએ તારી આ સારપનો ગેરલાભ ઉઠાવીને પૈસા ડુબાડ્યા છે?

– હું એટલું જરૂર કહી શકું કે મારા ૯૯% પ્રોડ્યુસરો લેણી રકમ ચૂકવી આપે છે. કોઈ છેતરપિંડી નથી કરતું.

તું ઍડ્ફિલ્મોમાં મોડેલિંગ કેમ કરે છે?

– ઍડ્સમાં ઓછી મહેનતે સારા પૈસા મળે છે. ત્રણ-ચાર દિવસનું જ કામ હોય છે. જ્યારે ફિલ્મમાં સોથી દોઢસો શિફ્ટ કરવી જ પડે છે. હું ઍડ્ફિલ્મોમાં પ્રામાણિકતાથી કામ કરું એમાં ખોટું શું છે.

 તું તારી ફિલ્મ જોયા પછી શું અનુભવે છે?

– વિમાસણ, લાઈફમાં સેટલ થઈ ગયા પછી સ્કૂલના ફોટાનું આલબમ ઉથલાવવા જેવું લાગે છે.

ઍક્ટર તરીકે તારી જાતને તું આજે કઈ રીતે મૂલવે છે?

– હું સતત શીખવાના પ્રયાસો કરતો જ રહું છું તેથી ચાલું છું. ઍક્ટર તરીકે બોરડમની મને પ્રતીતિ છે. કમલ હાસનની ‘હે રામ’ કરું છું, જેથી અભિનયની નવી ક્ષિતિજો સર કરી શકાય. મારી લોકપ્રિયતાનું આ જ કારણ છે.

‘હે રામ’ માટે તેં તમિળ ભાષા શીખી લીધી છે એ સાચું છે?

– યસ સર, કમલ હાસનને કારણે આજકાલ તમે મને તમિળ શીખતો જોઈ શકશો. તમિળ-તેલગુ-હિંદી ત્રણેય ભાષામાં બનતી ‘હે રામ’માં મારો અભિનય સારો થાય તેથી મારી એ કોશિશ ચાલે છે.

તારી કરિયરથી સંતોષ છે?

– અત્યાર સુધી તો છે. હું ઈચ્છું તે પહેલાં આપમેળે બધું મળતું રહ્યું છે તેથી નસીબદાર છું. આજની તારીખે સાત-સાત એવૉર્ડ્સ મેળવનાર ઍક્ટર હું છું. જોકે માણસનો સ્વભાવ વધુ ને વધુ મેળવવાનો હોવાથી પૂરો સંતોષ તો ક્યારેય નહિ થાય.

તારે મન ઍક્ટિંગ એટલે શું છે?

– એવું કામ, જેને માટે મને પૈસા મળે છે. કામ જ જીવન છે. અંતે તો એક માત્ર કામનો જ સધિયારો રહે છે. કાર્યરત રહેવું મને ગમે છે. અભિનયની પ્રક્રિયા રસપ્રદ છે. રિઝલ્ટ આપણા હાથમાં નથી.

ઍક્ટર તરીકે તારો પ્લસ પોઈન્ટ શું છે?

– એકદમ ઉત્સ્ફૂર્ત છું. મારા ડિરેક્ટરને વિશ્ર્વાસમાં લઈને હું મારી રીતે સીન ભજવું છું.

તારાં લફરાંની વાતો ક્યારેય ચગતી નથી? તું લફરાં કરતો નથી કે એ જાહેર નથી થતા?

– મને અફેર્સમાં લેશમાત્ર રસ નથી. યાદ રાખજો હું એવી સ્થિતિમાં ક્યારેય નહિ પકડાઉં. મારે જે કરવું છે એ મારા ઉત્કટ અભિનય દ્વારા જ કરું છુ. સંબંધોમાં અને પૈસામાંય મારો વહેવાર સાફ છે.

 તું પ્રોફેશનલ છે ખરો?

– સો ટકા. મેં ટીવીમાંથી ફિલ્મમાં પદાર્પણ કર્યું છે. એ સાચું છે કે ફિલ્મોમાં આવવા ઝાઝો સંઘર્ષ નથી કરવો પડ્યો. પણ મેં જુદા પ્રકારનો સંઘર્ષ કર્યો. કર્નલ કપૂરની સિરિયલ ‘ફૌજી’માં હું કામ કરતો હતો ત્યારે ઘણા એક્ટરો મને લટકાવીને નાની-નાની ભૂમિકા કરવા મુંબઈ જતા રહેતા. આજે એ જ ઍક્ટરો સ્ટુડિયોમાં કામ માટે આંટા મારે છે. શા માટે? ‘ફૌજી’નું મારું કામ મેં ગંભીરતાથી સ્વીકાર્યું હતું. રૂપાળા દેખાવું કે પ્રતિભાશાળી હોવું એ જ પર્યાપ્ત નથી. તમારા પ્રોફેશન પ્રત્યે નિષ્ઠા જરૂરી છે. જે કાંઈ કરો એમાં છવાઈ જાઓ. ટીવી હોય કે ફિલ્મ કોઈ ભેદભાવ ન રાખો.

સફળતાએ તને કેટલો બદલ્યો છે?

– ‘જોશ’ના શૂટિંગ શેડ્યુલમાંથી હું પાછો ફર્યો ત્યારે અચાનક મને સમજાયું કે આઠ વર્ષ પહેલાં હું જેમની સાથે કામ કરતો એ બધા સેટ પર હતા. મારી બાબતમાં કાંઈ બદલાયું નથી. પરિશ્રમ કરતો જ રહું છું. વ્યક્તિ તરીકે જરાય બદલાયો નથી. મેં તાજેતરમાં ટીવી પર ‘બાઝીગર’ જોયું. મને લાગ્યું હું હતો એવો ને એવો જ છું મુંબઈમાં પોતીકું ઘર અને બે કાર છે એટલું જરૂર બદલાયું છે. ૧૫૦૦૦માં મુંબઈ આવનાર શખ્સ માટે હું માનું છું રડવાનું કોઈ જ કારણ ન હોઈ શકે. મારી કરિયર સરસ રીતે ઘડાઈ છે અને ઘડાતી જાય છે.