રાની મુખરજીઃ આયુષ્યનાં ૪૦ વર્ષ, બોલીવૂડમાં ૨૨ વર્ષ પૂરાં…

રાની મુખરજી બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક ગણાય. રૂપેરી પડદા પર એણે અનેક પડકારરૂપ ભૂમિકાઓ અદા કરી છે અને દર્શકોનાં દિલોદિમાગ પર એક આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.

રાની આજે પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહી છે.

૧૯૭૮ની ૨૧ માર્ચે મુંબઈમાં જન્મેલી રાનીએ નિર્માતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કરીને પુત્રી આદિરાને જન્મ આપ્યા બાદ બોલીવૂડમાંથી ચાર વર્ષનો બ્રેક લીધો હતો. હવે એ ‘હિચકી’ ફિલ્મ સાથે મોટા પડદા પર કમબેક કરી રહી છે. આ ફિલ્મ ૨૩ માર્ચે રિલીઝ થઈ રહી છે.

રાનીએ પોતાનાં જન્મદિન નિમિત્તે એનાં ચાહકોને અનુલક્ષીને એક પત્ર લખ્યો છે, જેમાં જિંદગીની અમુક સારી યાદોં તથા બોલીવૂડમાં પૂરી કરેલી 22 વર્ષની સફર દરમિયાન પોતાને જે પડકારોનો સામનો કરવો પડ્યો છે એ વિશે જણાવ્યું છે. આ પત્ર યશરાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

રાનીએ પોતાની ફિલ્મી સફરને યાદ કરીને લખ્યું છે કે, ‘પ્રત્યેક દિવસે પોતાની ઉપયોગિતાને સાબિત કરવાનું એને માટે જરાય આસાન નહોતું.’ ફિલ્મજગતમાં પૂરા કરેલા ૨૨ વર્ષમાં પોતાને ચેલેન્જિંગ ભૂમિકાઓ આપવા બદલ ફિલ્મ નિર્માતાઓનો રાનીએ આભાર માન્યો છે.

રાનીએ વધુમાં લખ્યું છે કે, ‘બોલીવૂડમાં ૪૦ વર્ષની થવા બદલ હું ખુશી અનુભવી રહી છું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૨ વર્ષ સુધી કામ કરવાનો અનુભવ બહુ જ સરસ રહ્યો. મને ઘણો જ પ્રેમ અને સરાહના પ્રાપ્ત થયાં એ માટે હું સ્વયંને ભાગ્યશાળી માનું છું.’

રાનીએ તેની અભિનય કારકિર્દીમાં અત્યાર સુધીમાં ૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. બંગાળી ફિલ્મ ‘બિયર ફૂલ’ રાનીની કારકિર્દીની પહેલી ફિલ્મ. પણ બોલીવૂડમાં એણે એન્ટ્રી કરી ‘રાજા કી આયેગી બારાત’ ફિલ્મથી – ૧૯૯૭માં. એની ઉલ્લેખનીય ફિલ્મો છે – ‘ગુલામ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હે રામ’, ‘હદ કર દી આપને’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘કહીં પ્યાર ના હો જાયે’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘નાયક’, ‘સાથિયા’, ‘ચલતે ચલતે’, ‘હમ તુમ’, ‘બ્લેક’, ‘બંટી ઔર બબલી’, ‘બાબુલ’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘તલાશ’, ‘મર્દાની’.

રાની હિચકીના પ્રમોશન માટે દુબઈમાં હતી ત્યારે મિત્રોની હાજરીમાં એણે બર્થડે ઉજવ્યો હતો અને બર્થડે કેક પણ કાપી. કેક કાપવામાં એ શરૂઆતમાં અચકાઈ હતી. આ ખંચકાટનું કારણ પણ રાનીએ જણાવ્યું.. જુઓ વીડિયો…

httpss://www.instagram.com/p/BggeF4enosD/