ખેલદિલીથી જીવવા જરૂર રમો કોઇ રમત

રેક વ્યક્તિને કોઇને કોઇ રમત ગમતી હોય છે. પણ તમે તમારી ગમતી રમતને રમો છો ખરા? જીવનની ભાગદોડમાં રમત માટે સમય ક્યાં, એવા બહાના ઘણા બનાવ્યા. પણ સાચે જીવવા માંગો છો તો જરૂર રમો કોઇ રમત. આમ તો પરિવાર સાથે વિકેન્ડ પર રમત રમો એટલે આપોઆપ જ રિફ્રેશ થઇ જવાય પણ રમત માત્ર એટલા માટે નથી રમવાની કારણ કે  તેનાથી રિફ્રેશ થઇ જવાય છે. જીવનમાં દરેક સંબંધોને સાચવવા માટે જરૂરી ખેલદિલી અને જીંદાદિલી પણ રમત રમવાથી જ શીખવા મળે છે. કેવી રીતે એ સમજવું હોય તો એક ઉદાહરણ છે.

થોડા સમય પહેલાની વાત છે, મૈનચેસ્ટર યુનાઇટેડના ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેમના સાથી પરસ્પર પોતાના પગથી બૉલ વડે કરતબ બતાવી રહ્યા હતા. બૉલ સાથે તેઓ જે કરતબ કરી રહ્યા હતા તે જોઇને બધા દંગ થઇ ગયા હતા. બૉલ પર તેમનો કંટ્રોલ જોવાલાયક અને સરાહના લાયક હતો. એ સમયે કોઇ રમત નહોતી રમાઇ રહી પણ તો પણ તેઓ સાથે મળીને તાલમેલથી જે કરી રહ્યા હતા તેને જોવા માટે લોકોમાં એટલી જ કુતુહલતા જણાઇ હતી જેટલી ગેમ માટે હોય છે. વાત એટલી જ છે કે રમતનો મુખ્ય ઉદ્દેશ પોતાના શારિરીક અને માનસિક સંકલન અને સંતુલનને જાળવી રાખવાનો હોય છે.

કોઇપણ રમત હોય ક્રિકેટ, ફુટબોલ , કબડ્ડી, ખો-ખો, કે પછી વૉલિબોલ કે ચેસ જ કેમ ન હોય. આ બધી રમતમાં ચેંપિયન્સને પૂછશો તો તેઓ કહેશે કે દરેક રમતમાં એક સાયંસ જોડાયેલુ છે. લોજીકલ, મેન્ટલ ડેવલપમેન્ટનું સાયન્સ. ઉદાહરણ તરીકે ક્રિકેટ, ફુટબોલ કે ટેનિસમાં બોલ પર ધ્યાન હોય છે આ બૉલ કયા કયા ખૂણામાંથી આવી શકે, કયા એંગલ પર કઇ દિશામાં તેને ફટકારીને વધુ લાભ મેળવી શકાય આ બધી વાતોનું તમારે ધ્યાન રાખવાનુ હોય છે. કોઇ ગોલ્ફ જેવી રમત હોય કે કેરમ જેવી તો કુકરી કે બૉલ તો શાંતિથી સ્થિર જ હોય છે છતાં જો તમે દિશા અને ખૂણાઓનું ધ્યાન ન રાખો તો, તમે તેને બરાબર દિશામાં ન પણ મારી શકો એવુ બને. પણ આ ધ્યાન ત્યારે જ રાખી શકાય

જ્યારે શરીર અને દિમાગનું સંકલન એટલે કે સિન્ક્રોનાઇઝેશન બરાબર હોય. દિમાગ અને શરીરની ગતિ પર તેમાં કામ થાય છે. અને એ જ સિન્ક્રોનાઇઝેશન લોકોને આકર્ષે છે. એટલે જ તો ફુટબોલ, ક્રિકેટ, હોકિ જેવી ગેમ જોવા લાખો લોકો આતુર બનતા હોય છે. ટેનિસ જેવી રમત જોવા પણ સ્ટેડિયમમાં લોકોની ભીડ લાગે છે. વિચારવા જેવી વાત એ છે કે આ રમત જોવા જે સંખ્યામાં લોકો ભેગા થાય છે. એવુ કોઇ અન્ય મનોરંજનનું માધ્યમ જોયુ છે. ક્રિકેટ, કે ફુટબોલના સ્ટેડિયમમાં લોકો કિડિયારાની જેમ ઉભરાઇ છે. એવી ભીડ અન્ય ક્યા જોઇ છે. લગભગ નોટબંધીના સમયે બેંક સિવાય ક્યાંય નહી. અને એનુ કારણ એટલુ જ કે લોકો શારિરીક ચપળતા જે દિમાગના કમાન્ડ પર કામ કરે છે એને જોવામાં રોમાંચ અનુભવે છે.

ફિલ્મોમાં રોમાંચ હોય છે પણ એવો રોમાંચ નહીં જે રમતમાં હોય છે કારણ કે દિમાગ અને શરીરનું સંકલન નથી હોતું. કોઇ ડાયલોગ પર તાળી પાડવી અને રમત દરમિયાન કોઇએ મારેલા શોર્ટ પર ચિચિયારી પાડવામાં દેખીતો ફરક જણાઇ જ આવશે. કારણ એટલુ જ કે રમત તમે અધૂરા મનથી નહીં રમી શકો. તેમાં એક ધ્યાન હોવુ ખુબ જ જરૂરી હોય છે. રમત એવી વસ્તુ છે જેમાં તમે ડૂબ્યા વિના તમે તરી ન શકો. રમત કોઇ પણ હોય તેની આ જરૂરીયાત છે કે રમતવીર તેમાં પુરી રીતે કોન્સન્ટ્રેટ કરે, અને આ જરૂરિયાત જ તેની સૌથી શ્રેષ્ઠ વાત છે.

તમે પુરી રીતે રમતમાં નહીં ડૂબો તો તમે વ્યવસ્થિત રીતે રમી ન શકો. આ જ ગુણ છે રમતનો જે જીવનમાં કેળવવા જેવો છે. સંબંધ હોય કે કોઇ પણ કાર્ય, પોતે તેમાં સંપુર્ણપણે રત રહેશો તો જીત મેળવશો. ઘણીવાર સાંભળ્યુ હશે સ્પોર્ટ્સમેન સ્પિરિટ. આ શબ્દનો અર્થ હવે સમજી જ ગયા હશો. ખેલાડીની જેમ જીવન જીવશો તો તમને પણ મજા આવશે. કારણ કે ખેલાડી જ્યારે રમતના મેદાન પર જાય ત્યારે હંમેશા નવા જુસ્સા સાથે જાય છે. અને એ જોશ જ એને જીત સુધી દોરી જાય છે. કદાચ જીત ન પણ મળે તો હાર્યા બાદ પણ તેની ખેલદિલીતો જીતી જ જાય છે.