હરીફાઈ અને ઈર્ષ્યા માટે જાણીતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક ઓછી
જાણીતી એવી નિઃસ્વાર્થ દોસ્તીની કહાનીઓ
(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૩ અંકનો)
ફિલ્મોમાં મૈત્રીનાં પુષ્કળ ગુણવાન ગવાયાં છે. ફિલ્મોનાં પાત્રો વચ્ચેની અતૂટ દોસ્તીઓ આપણે બહુ જોઈ છે. પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માણસોમાં મજબૂત મૈત્રી ટકી રહે એવું બહુ ઓછું બનતું હોય છે.
ઈન્ડસ્ટ્રીમાં બધા જાણે છે કે હર હાથ મિલાનેવાલા દોસ્ત નહીં હોતા. પણ આમાં કેટલાક અપવાદ છે એ જાણવા જેવા છે.
લાંબા સમય સુધી પાંચ દોસ્તોની મૈત્રી અતૂટ ટકી રહી હોય એવો કિસ્સો છે જિતેન્દ્ર, રાકેશ રોશન, રિશી કપૂર, સુજિત કુમાર અને પ્રેમ ચોપરાનો. આજેય આ પાંચેય અગાઉ જેટલા વ્યસ્ત નહીં હોય પણ અઠવાડિયામાં એક વાર કોઈ પણ મિત્રને ઘરે અચૂક મળે છે. મોજમસ્તી કરે છે. તેથી જ જ્યારે જિતેન્દ્રએ એકતા કપૂરની બીજી ફિલ્મ ‘કુછ તો હૈ’ની પૂર્ણાહૂતિની પાર્ટી ગોઠવેલી ત્યારે રાકેશ રોશન તો હાજર હતો જ પણ હૃતિક અને સુઝાન પણ આવ્યા હતાં. જવલ્લે જ કોઈ પાર્ટીમાં જતો રિશી કપૂર પણ નીતૂ સિંહ સાથે દોસ્તની મહેફિલમાં આવ્યો હતો. જિતેન્દ્ર અને રાકેશ મિત્ર હોવા છતાં ન તો જિતેન્દ્રએ હૃતિકને કોઈ ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ કર્યો કે ન રાકેશ રોશને તુષારને લઈને ફિલ્મ બનાવી. એ લોકો અંગત દોસ્તીમાં વ્યવસાયને વચ્ચે નથી આવવા દેતા.
બાળાસાહેબ ઠાકરે જ્યારે કાર્ટૂનિસ્ટ હતા ત્યારે દિલીપ કુમાર સાથે એવી આત્મીયતા બંધાયેલી કે દિલીપ કુમાર બાળ ઠાકરેના ફ્રિજમાંથી બિયરની4 બૉટલ કાઢીને નિરાંતે ગટગટાવી જતો.
મિથુન ચક્રવર્તી તો બાળાસાહેબને ડેડીનું જ સંબોધન કરતો. મિથુનની દરેક ફિલ્મના મુહૂર્તમાં એમની હાજરી અચૂક રહેતી. મિથુન બાળાસાહેબ ઠાકરેને પોતાને માટે નસીબદાર ગણે છે.
મનમોહન દેસાઈનું મૃત્યુ થયું ત્યારે કપરા સંજોગોમાં કેતન દેસાઈને બાળપણના ભેરુ અનિલ અંબાણીએ જ સાથ આપેલો. પોસ્ટમૉર્ટમથી માંડીને અગ્નિદાહ સુધી કેતનની પડખે અનિલ ઊભો રહ્યો હતો. એટલું જ નહીં અનિલે પોતાના પુત્રનું નામ કેતનની ફિલ્મ ‘અનમોલ’ પરથી અનમોલ રાખ્યું છે.
રાજ બબ્બર અને સહારા ટીવીના બિગ બૉસ સુબ્રતો રૉય મિત્રો છે. રાજ બબ્બર સહારાનો ડિરેક્ટર છે પણ રાજ સહારા માટે કોઈ ફિલ્મ બનાવતો નથી.
પીઢ નિર્માતા-નિર્દેશક અર્જુન હિંગોરાનીએ ‘કૈસે કહૂં કે પ્યાર હૈ’ એના પુત્ર અમિતને લૉન્ચ કરવા બનાવી ત્યારે ધર્મેન્દ્રએ સનીને વિનામૂલ્ય સ્પેશિયલ અપિયરન્સ આપવાનો આગ્રહ કર્યો હતો. કોઈનીયે ફિલ્મમાં ક્યારેય ગેસ્ટ રોલ ન કરનારા સનીએ સામે ચાલીને ઑફર આપી અને એકેય રૂપિયો માગ્યો નહોતો, કારણ પાપા ધર્મેન્દ્રને બ્રેક અર્જુન હિંગોરાનીએ ‘શોલા ઔર શબનમ’માં ચાર દાયકાઓ પૂર્વે આપ્યો હતો ત્યારે ધર્મેન્દ્ર ફાંફા મારતો હતો.
ધર્મેન્દ્રએ એ ફિલ્મ માટે ચાંદિવલીમાં ગોઠવેલા મુહૂર્તમાં પણ હાજરી આપેલી. ધમેન્દ્રએ જ્યારે સની સ્ટુડિયોઝ શરૂ કરેલો ત્યારે અર્જુન હિંગોરાનીએ સની દેઓલ-શ્રીદેવીની ‘સલ્તનત’નું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ત્યાં રેકૉર્ડ કરાવેલું. ‘સલ્તનત’માં શશી કપૂરના પુત્ર કરણ કપૂરને બ્રેક આપવામાં આવ્યો હતો.
અક્ષય કુમારના અફેરમાં સંડોવાયેલી રવીના ટંડનને કલાકો સુધી આંસુ સારવા માટે ખભો સાજીદ નડિયાદવાલાની બહેન અફીફા નડિયાદવાલાનો મળેલો. અફીફા કહે છે: ‘હું જેટ ઍરવેઈઝમાં આસિસ્ટંટ મૅનેજર તરીકે કામ કરું છું. રવીનાને તો હું વર્ષોથી ઓળખું છું. સૌ પ્રથમ પરિચય બ્યૂટી પાર્લરમાં થયેલો. મારા ચોટલામાં મણકા ગૂંથવાની હું તલાશમાં હતી ત્યારે હું અજનબી હોવા છતાં એણે મને પુષ્કળ મણકા-બીડ્સ આપવાનું વચન આપ્યું હતું. ફોન નંબરોની આપ-લે થઈ. બન્ને એકમેકના સંપર્કમાં રહેવા લાગ્યાં. અક્ષય સાથેનો સંબંધ તૂટી ગયા પછી હતાશ રવીનાને હું દિલાસો આપીને શાંત કરતી. હું યે કટોકટીમાંથી પસાર થઈ છું, ત્યારે એણે મને સધિયારો આપ્યો છે. અમે બન્ને પરસ્પરનો સધિયારો બની ગયાં છીએ.’
પ્લમ્બર તરીકે ધંધો કરનાર યુસુફ નલવાલા આમ તો કૉન્ટ્રેક્ટર છે પણ સંજય દત્તનો નિકટનો મિત્ર છે. સંજુની દરેક મુશ્કેલીમાં યુસુફ પડખે ઊભો રહે છે. યુસુફ કહે છે: સંજુની સેન્સ ઑફ હ્યુમર જોરદાર છે. એણે એક વાર મને કહેલું કે ઊટીમાં રજનીકાન્ત સાથે ‘ઝમીર’ના શૂટિંગ વખતે એણે રજનીકાન્તના બૉડીગાર્ડનો સ્વાંગ સજ્યો હતો. કારણ ભીડથી બચવાનો બીજો કોઈ રસ્તો નહોતો.
યુસુફ ઉમેરે છે: ક્યારેક અમે નજીવા કારણોસર ઝઘડીએ છીએ. હું જ્યારે એને કાર ફાસ્ટ ન ચલાવવાની શીખામણ આપું છું ત્યારે એ ઠપકો આપતો કહે છે: સાલે તૂ ડ્રાઈવિંગ નહીં જાનતા તો મેરે કો સ્લો ચલાને કો કૈસે બોલ સકતા હૈ? હું સામેથી ટકોર કરું છું: ‘સાલે તુમ મેરે ડ્રાઈવર હો: ગાડી ઠીક તરહ આહિસ્તા ચલાઓ.’ મેગા સ્ટાર સંજુ મારે મન તો યાર સંજુ જ છે.
ઈંદિરા ગાંધી અને નરગિસ દત્તની મૈત્રીને પરિણામે અમિતાભને સુનિલ દત્તની ‘રેશ્મા ઔર શેરા’માં મૂગાનો રોલ મળેલો. એ દિવસોમાં રાજશ્રીવાળાએ તો એને ફૂટબૉલ ખેલાડી ગણીને ધૂત્કારી કાઢેલો.
‘મૈં ખિલાડી તૂ અનાડી’થી ડ્રેસ ડિઝાઈનર રૉકી સિંધાવી ઉર્ફે રૉકી એસ. સાથે શિલ્પા શેટ્ટી વચ્ચે ગાઢ મૈત્રી જામી હતી. રૉકી કહે છે: ‘શિલ્પા અને મારી વચ્ચે (સ્ત્રી-પુરુષના) જાતિભેદ નથી. કૉસ્ચ્યુમ બાબત તો કેટલીયે વાર અમે ઝઘડીએ છીએ. પણ એક-બે દિવસમાં સમાધાન થઈ જાય છે. શિલ્પા દેખાવે જેટલી મૉડર્ન છે એટલી જ દિલથી જુનવાણી છે. હું, શિલ્પા અને શમિતા ઘણી વાર પાર્ટી કે પ્રાઈવેટ ડિનર્સમાં જઈએ છીએ.’
મુંબઈનો કાબેલ ઉદ્યોગપતિ રવિ ગોએન્કા સુનિલ શેટ્ટીનો શ્રેષ્ઠ મિત્ર છે. એને સુનિલની પ્રામાણિકતા ગમે છે. રવિ કહે છે: ‘મેં ક્યારેય સુનિલને જુઠ્ઠું બોલતાં જોયો નથી. ક્યારેક એ પોતાની પણ મઝાક કરે છે. એક વાર એણે મને કહેલું કે એની એક ફિલ્મ જોતી વખતે એની પત્ની માના, મા અને બાળકોએ આંખો મીંચી દીધેલી. અને અફસોસ થયો કે જે ફિલ્મ હિંસાના અતિરેકને કારણે પરિવારવાળા જોઈ નથી શકતા તો એના પ્રશંસકો કેવી રીતે જોઈ શકે.’
સંજીવ કુમાર સાથેની દોસ્તી યાદ કરતા જિતેન્દ્ર કહે છે: ‘અંધેરીના મૉડર્ન સ્ટુડિયોમાં હરિભાઈ ધમેન્દ્ર સાથે શિકારનું શૂટિંગ કરતા હતા ત્યારે અમારા બંન્નેની કરિયર સાથે જ શરૂ થયેલી. કોઈએ અમારો પરિચય નહોતો કરાવ્યો. અમે શૂટિંગ જતી વખતે ભટકાઈ પડ્યા બસ, ત્યારી જ મૈત્રીનો દૌર સંઘાઈ ગયો. મને હરિભાઈની વિનોદવૃત્તિ ખૂબ ગમતી. એમની રમૂજો ખડખડાટ હસાવતી. મેં ક્યારેય એને ગુસ્સે થતા નહોતો જોયો. સેટ્સ પર ગમે તેટલું ટેન્શન હોય હરિભાઈ ક્યારે ઉત્તેજિત નહોતો થતો. પોતાના પર પણ મઝાક કરી શકતો.’
‘રાજ કપૂર મારા શ્રેષ્ઠ મિત્ર હતા.’ સંજય ખાન કહે છે, ‘મને યાદ છે કે ફિરોઝભાઈની બર્થડે પાર્ટી, જે બૉબીની રિલિઝ પહેલા‘ ગોઠવાયેલી ત્યારે મેં રાજ’સાબને પૂછેલું કે મારી ‘ચાંદી સોના’માં કામ કરશો? મેં સાઈનિંગ અમાઉન્ટ ઑફર કરી ત્યારે કૉન્ટ્રેક્ટ ફાડી નાખતાં કહેલું: ‘તારી અને શમ્મી (કપૂર) વચ્ચે શો ફરક છે? હું તારી પાસે એકેય પૈસો નહીં લઉં. જો તું મુસ્લિમ પઠાણ હોય તો હું હિંદુ પઠાણ છું. અમે પરસ્પરને સા’બનું સંબોધન કરતા. એ માત્ર એના ભાઈઓ માટે જ નહીં પણ સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે પિતાને સ્થાને હતા.’
રાજેશ ખન્ના અને રણધીર (ડબ્બૂ) કપૂર બન્ને મિત્રો. ડબ્બૂ કહે છે: ‘રાજેશ અને મને ૧૯૬૫થી સારું જામતું. એ મારી ગર્લફ્રેન્ડ બબીતા સાથે રાઝનું શૂટિંગ કરતો ત્યારી એને ઓળખું છું. રાજેશને બીજાઓ સાથે અહમની ટક્કર થઈ હશે, પણ મારી સાથે ક્યારેય થઈ નથી. એની પુત્રી ટ્વિંકલ સારી અભિનેત્રી પુરવાર થઈ છે અને મારી કરિશ્મા અને કરીના પણ ઉત્તમ અભિનેત્રીઓ તરીકે પંકાઈ છે.’