હેમા માલિની યાદ કરે છે… મેરા પેહલા પેહલા…

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ઓક્ટોબર દીપોત્સવી ૧૯૭૬ અંકનો)


શુટિંગનો મારો પહેલો દિવસ

દરેક જણ એમ માને છે કે ‘સપનોં કા સોદાગર’ના સેટ પર જ હું પહેલીવાર કૅમેરા સામે આવી, પણ ના, એ સાચું નથી. ઘણાં વર્ષ પહેલાં જ્યારે હું સાવ નાનકડી બેબી હતી ત્યારે પહેલી વાર મેં એક ફિલ્મમાં કામ કર્યું હતું. ‘ઈડ્યા સત્યમ્’ નામની એ તામિલ ફિલ્મ હતી. વેલુ મનીએ એનાં દિગ્દર્શન કર્યું હતું. મને હજી યાદ છે કે અમે શૂટિંગ માટે ઉટી ગયાં હતાં, કારણ કે એ નૃત્ય આઉટડોરમાં ઝડપાયું હતું.

મારો પહેલો નૃત્ય કાર્યક્રમ

પ્રથમ જાહેર નૃત્ય કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં…

સ્કુલમાં ઘણી વાર મેં નૃત્યના કાર્યક્રમ આપ્યા હતા એટલે પહેલીવાર ક્યારે નૃત્ય કાર્યક્રમ આપ્યો હતો તે હું ચોક્કસ જાણતી નથી. આમ છતાં મારો પ્રથમ જાહેર નૃત્ય કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં થયેલો. નહેરુજી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને એવી બીજી મહાન વ્યક્તિઓ સમક્ષ મેં નૃત્યો રજુ કર્યા. મને બરાબર યાદ છે કે ત્યારે હું ખરેખર ગેલમાં આવી ગઈ હતી. મેં લગી રે ક્ષોભ અનુભવ્યો નહોતો. સંગીત સાંભળતાં જ મેં નૃત્ય શરૂ કરી દીધું હતું. ગભરામણનો તો પ્રશ્ર્ન જ નહોતો. હંમેશા હું એવી સ્વસ્થ અને સાહજિક જ રહી છું. અરે, મુંબઈ આવીને પહેલી જ વાર રાજકપૂર સાથે કામ કર્યું ત્યારે ય જરા સરખી પણ ગભરામણ અનુભવી નહોતી, પણ મારો શરમાળ સ્વભાવ જ સમસ્યા જેવો છે.

મારો પહેલો હીરો

‘મને રાજકપૂર સાથે કામ કરવાનો જરાય ડર લાગ્યો નહોતો’

રાજકપૂર જ મારો પહેલો હીરો હતો. મારી કારકિર્દી માટે હું ત્રણ વ્યક્તિની આભારી છું. તેમાં એક છે શ્રી અનંત સ્વામી, કે જેઓ મને મુંબઈ લાવ્યા, બીજા રાજકપૂર, કે જેઓ મારા જેવી નવીસવી અભિનેત્રી સાથે કામ કરવા સંમત થયા અને ત્રીજી વ્યક્તિ છે મહેશ કૌલ, કે જેમણે મને અભિનયની દીક્ષા આપી. અભિનય કેમ કરવો એનું તેમણે જ્ઞાન આપ્યું. મેં પહેલાં કહ્યું તેમ ‘સપનોં કા સૌદગાર’માં મેં કામ કર્યું ત્યારે મારામાં ક્ષોભ જેવું કંઈ નહોતું અને તેથી જ રાજકપૂરનો કે એવો બીજા કશાનો મારામાં ડર નહોતો. પણ તેમની સામે મને શરમ ખૂબ જ લાગતી. રાજકપૂર માટે મને માન ઘણું છે, પણ એક વાત કહી દઉં કે, રાજકપૂરે પોતાની મેળે આગળ આવીને મારો સંકોચ દૂર કરવાનું વલણ દાખવ્યું નહોતું. આ વાત મેં પહેલા પણ કહી અને આજે ફરીથી કહું છું કે રાજકપૂર માત્ર ત્યારે પોતાને ભાગે આવતું કામ આપીને આઘા રહેતા. મારા જેવી નવીસવી અભિનેત્રી એની સામે કામ કરવા આવી છે તો તેને સહાયભુત થવું જોઈએ એવી કશી તેમણે લાગણી દેખાડી નહોતી. એનું વર્તન આવું કેમ હતું તે મને સમજાયું નહિ, કદાચ તેમને એમ હશે કે મહેશ કૌલ જેવા પ્રતિભાશાળી આદમીની દેખરેખ હેઠળ હું કામ કરી રહી હોવાથી પોતે વચ્ચે માથું મારવાનું પસંદ કર્યું નહિ હોય. નસીબે ‘સપનોં કા સૌદગાર’ પછી તેમની સાથે કામ કરવાની તક જ આવી નહોતી.

મારા પ્રથમ દિગ્દર્શક

‘મહેશ કૌલ મારે મન શ્રેષ્ઠ દિગ્દર્શક હતા’

મેં જે જે દિગ્દર્શકોની સાથે કામ કર્યું છે તેમાં મહેશ કૌલ મારે મન શ્રેષ્ઠ દિગ્દર્શક રહ્યા છે. કેવી રીતે હસવું, રડવું અને અભિનય આપવો એ બતાવવામાં તેમણે ઘણી કાળજી લીધી. આજેય હું જે કંઈ છું તેનો મોટો ભાગ મહેશ કૌલને આભારી છે. એક વ્યક્તિ તરીકે પણ મને એ ગમતા. ભારે માયાળુ, સમજદાર અને ધીરજવાન. મારી પહેલી જ ફિલ્મમાં મને આવા દિગ્દર્શક મળ્યા તેને હું મારું શુભ નસીબ ગણું છું.

મારી પ્રથમ સફળ ફિલ્મ

‘જ્હોની મેરા નામ’માં દેવ આનંદ સાથે

‘સપનોં કા સૌદગાર’ કંઈ સાવ ધબડકો કરનારી ફિલ્મ નહોતી. તેમ એટલી બધી સફળ પણ નહોતી. આમ છતાં મારી પાસે ઘણી ફિલ્મો હતી અને તેથી હું નિરાશ થઈ નહોતી. ખરું પૂછો તો ‘જ્હોની મેરા નામ’ પહેલાં મારું એક પણ પિક્ચર ધજાપતાકા ફરકાવનારું પુરવાર થયું નહોતું. ‘જ્હોની મેરા નામ’ મારું સૌ પ્રથમ સફળ પિક્ચર હતું. એ પહેલાં ‘શરાફત’ સરેરાશ સારું પિક્ચર પુરવાર થયું હતું.

મારું પહેલું આકર્ષણ

ઓહ એનો જવાબ આપવો મુશ્કેલ છે. પણ આ પ્રશ્નનો ઉત્તર આપવો સહેલો નથી. આપણે આ પ્રશ્ર્નને પડતો મૂકીએ તો…

ફિલ્મોમાં મારી પ્રથમ દિવાળી

એ વિષે ખાસ કશું નોંધપાત્ર કે યાદગાર નથી. ફિલ્મ અભિનેતાઓ સાથેની કોઈ ઉજવણીમાં મેં કદી ભાગ લીધો નથી. બધું મારા કુટુંબ પૂરતું અને અંગત મિત્રો પૂરતું મર્યાદિત રહ્યું છે. ફિલ્મી વ્યક્તિઓની મંડળી વચ્ચે દિવાળી, હોળી કે કોઈ ઉજવણીમાં મેં ભાગ લીધો નથી.

મારું પ્રથમ પ્રિમિયર

હેમા માલિની એમનાં માતા સાથે

ઓહ, એ મને બરાબર યાદ છે. કે. એ. અબ્બાસનું એ પિક્ચર હતું ‘આસમાન મહલ…’ એના પ્રિમિયરમાં મેં પહેલવહેલી હાજરી આપેલી. થિયેટર કયું હતું એ મને યાદ નથી, પણ આ ફિલ્મના પ્રિમિયર વખતે જીવનમાં પહેલીવાર મેં ક્ષોભ અને ભય અનુભવ્યા હતા. હું રાજકપૂરની નવી હીરોઈન હોવાના દાવાથી મને મંચ ઉપર જવાનું કહેવામાં આવ્યું. ત્યારે હું એટલી બધી શિયાંવિયાં થઈ ગયેલી કે મારાં અમ્માને મારે કહેવું પડ્યું કે, તમે પણ મારી સાથે મંચ પર આવો. પણ મારે એકલીએ જ મંચ પર જવું જોઈએ એમ દરેક જણે ભારપૂર્વક કહ્યું. છેવટે હું એકલી મંચ ઉપર ગઈ ત્યારે તમે જાણો છો ત્યાં કોણ કોણ હતું? મારી એક બાજુ શશી કપુર અને બીજી બાજુ ધર્મેન્દ્ર… આ બે અભિનેતાઓને પહેલીવાર રૂબરૂ જોયા. હું તેમની પાછળ જ ઉભી હતી. એ બન્ને જણા ગુસપુસ કરતા હતા કે, ‘આ છોકરી કોણ છે?’ આ વાત અત્યારે યાદ આવે છે ત્યારે હસવું આવે છે. આવા બન્ને માતબર હીરોની વચ્ચે ઉભા રહેતાં હું મુંઝવણ અને ક્ષોભ અનુભવતી હતી.

‘ધરમ સાથે પહેલી જ મુલાકાતથી હું એમનાથી પ્રભાવિત થઈ ગઈ હતી’

એ દિવસે હું આ બન્નેને મળી શકી નહિ, પણ સમારંભ પતી ગયા પછી અમારી ગાડીઓ જ્યાં ઉભી રાખી હતી ત્યાં ધર્મેન્દ્ર સાથે મારી ઓળખાણ કરાવવામાં આવી એ દિવસથી જ હું તેનાથી પ્રભાવિત થઈ ગઈ હતી. એ કેવો સોહામણો લાગતો હતો! ધરમને પણ અમારી એ પહેલી મુલાકાત યાદ છે. એ આજે પણ કહે છે કે, આપણી ઓળખાણ કરાવવામાં આવી ત્યારે કોઈ વિચિત્ર લાગણી હું અનુભવતો હતો તે કહે છે કે, મને લાગ્યું હતું કે, હું એક ખરેખરી મીઠ્ઠી, નિર્દોષ અને સુંદર યુવતીને જોઈ રહ્યો છું.

મારી પ્રથમ જન્મદિનની પાર્ટી

એ દિવસે હું ખુબ ખુશખુશાલ હતી. જુહુ ખાતેની એક હોટેલમાં ‘ધુપછાંવ’ ફિલ્મના લોકોએ મારા જન્મદિન નિમિત્તે પાર્ટી આપી હતી. તેઓ એક મોટીમસ કેક લાવ્યા હતા જે મેં કાપી હતી. તેમણે મને ભેટસોગાદો આપી…હું ન ભૂલતી હોઉં તો એક કાંડા ઘડિયાળ હતું. આ લોકો મારા જન્મદિનની પાર્ટી આપીને ઉજવણી કરી રહ્યા છે એ જોઈને હું ખુશ થઈ, પણ પછી મોડે મોડેથી મને કહેવામાં આવ્યું હતું કે, એ પાર્ટી તો હકીકતમાં સંજીવકુમારના માનમાં હતી. અત્યારે એ મને મોટી મજાક લાગે છે-હા-હા-હા…તમે કલ્પના કરો કે એ લોકો મારા જન્મદિન નિમિત્તે પાર્ટી આપી રહ્યા છે એ જાણીને હું રાજી રાજી થતી હોઉં અને પછી ખબર પડે કે એ તો સંજીવકુમારના માનમાં ઉતી ત્યારે…

પાર્ટી રૂપે આવી રીતે મારો જન્મદિન ઉજવાયો હોય તો તે એક જ માત્ર છે. પણ મારા જન્મ દિવસને મેં હંમેશાં મારી અંગત બાબત જ ગણી છે. ‘ધુપછાંવ’ની પાર્ટી પછી મેં માત્ર એક વાર મારા જન્મદિનની પાર્ટી ઉજવી છે, પણ એ દિવસની ઉજવણીમાં મારા જન્મદિન કરતાં મારા નવા ઘરનું નિમિત્ત વધારે હતું. દર વર્ષે હું મારો જન્મદિન શાંતિથી ઉજવું છું અને તે પણ મારા કુટુંબીઓ અને અંગત મિત્રો સાથે. જન્મદિન નિમિત્તે પાર્ટીઓ યોજવાનો મને શોખ નથી.

ફિલ્મ દુનિયાની મારી પહેલી પાર્ટી

‘મારો શરમાળ સ્વભાવ સમસ્યા જેવો’

મારો સ્કીન ટેસ્ટ લેવાયો એ દિવસે રાજકપૂરે એક પાર્ટી યોજી હતી. અમે સ્ટુડિયોમાંથી સીધા તેમણે યોજેલી પાર્ટીમાં ગયા હતાં. હકીકતમાં એ પોતે અમને પાર્ટીને સ્થળે લઈ ગયા હતા. મને યાદ છે કે મેં નાયલેક્સની અર્ધી સાડી પહેરી હતી. (દક્ષિણ ભારતીય પહેરવેશ). ત્યારે એવા પહેરવેશની ફેશન હતી. મારા આ દીદાર જોઈને રાજકપૂરને ખરેખર વિચિત્ર લાગતું હતું. તેણે મારી સામું જોયા જ કર્યું અને પુછ્યું, તૈયાર છો? મેં કહ્યું કે, હા, હું તૈયાર જ છું.. એટલે પછી તેમણે મારી હેર ડ્રેસરને બોલાવીને કહ્યું કે, મેડમને કહો કે સાડી સરખી પહેરે! પાર્ટીમાં હું શાંત અને ખામોશ હતી. આમે, હજીય હું સ્વભાવે શાંત અને ખામોશ જ છું. મારું શરમાળપણું હું દૂર કરી જ શકતી નથી.

(લેખકઃ એન. ભારતી)