સામાન્ય રીતે ગુસ્સાને ખરાબ ગણવામાં આવે છે. પણ ધ્યાનથી સમજવાની જરુર છે, કે ગુસ્સો પણ તો લાગણીનો જ એક ભાગ છે. તો પછી પ્રેમ, હેત, વ્હાલ, ગૌરવ, ખુશી, ઉદાસીનતા આ બધાની જેમ ગુસ્સો પણ સ્વાભાવિક રીતે સારો કે ખરાબ કેવી રીતે હોઇ શકે. આ સવાલનો પણ જવાબ છે. લાગણીઓ સારી છે માનવ જીવન માટે, કારણ કે લાગણીઓથી જ જીવંત હોવાનો અહેસાસ જોડાયેલો છે. પણ આ લાગણીઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે તે ખરાબની શ્રેણીમાં આવી જાય.સંસ્કૃતમાં કહેવત છે અતિ સર્વત્ર વર્જયેત્. એટલે કે અતિ કોઇ પણ સ્થાને ત્યાગવું જ સારું. ગુસ્સામાં પણ એવું જ છે. જ્યારે ગુસ્સો ખૂબ વધારે હોય, એટલો વધારે કે તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થાય ત્યારે તે ખરાબની શ્રેણીમાં આવી જાય. તમારા સ્વાસ્થ્ય પર અસર કરવાની સાથોસાથ એ ગુસ્સો તમારા મગજ પર હાવી થઇ જાય, તો તો પછી ભગવાન જ બેલી. કારણ કે એક વાર જો ગુસ્સો મગજ પર હાવી થાય તો કોમન સેન્સ પણ ઝાંખી પડી જાય. અને એ ઝાંખી પડેલી નજર સંબંધોના ઉંડાણને જોયા વગર જ સંબંધોના તાંતણા કાપી નાખે. અથવા તો સ્થિતિની નાજૂકતા સમજ્યા વિના ધીરજને બદલે ગુસ્સાથી કામ લેવામાં આવે તો સ્થિતિ ક્યારે પછી સુધરી ન શકે. આઇનામાં પડેલી તિરાડની જેમ.
ગુસ્સા પર કાબૂ મેળવવો…
આ તિરાડ ન પડે તેને માટે સૌથી જરુરી ગુસ્સા પર કંટ્રોલ કરવો. પણ ગુસ્સા પર કાબૂ મેળવવો એ હલવો ખાવા જેટલી ઇઝી વાત નથી. એ વાત તમને પણ ખબર જ હશે. જો કે હલવો ખાવા જેટલી ઇઝી નથી પણ કદાચ હલવો બનાવવા જેટલી ઇઝી હોઇ શકે. એટલે કે થોડી ધીરજ અને થોડી સમજદારી, અને સતત ધ્યાન રાખીએ તો ગુસ્સા પર કાબૂ રાખવો પોસિબલ થઇ શકે. છે ને હલવો બનાવવા જેવું જ. કહેવાનો મતલબ એટલો કે ગુસ્સા પર કાબૂ મેળવવો એ સાવ ઇઝી નથી પણ સાવ અઘરી વાત પણ નથી. જો તમને વધારે ગુસ્સો આવે છે તો તમે પણ અપનાવી શકો છો કેટલીક આસાન ટીપ્સ અને કરી શકો છો તેને કાબૂમાં.
ગુસ્સા પાછળ કયું કારણ?
સૌથી પહેલા એ જાણવાની કોશીષ કરો કે ખરેખર ગુસ્સા પાછળ કયુ કારણ છે જવાબદાર. આપણે ઘણી વાર કહીએ છીએ કે કોઇનો ગુસ્સો કોઇ બીજા પર નહીં ઉતારવો જોઇએ. પણ આ કહેવાની જ વાત થઇ જાય છે કારણ કે મોટાભાગે આપણે બધા જ કોઇનો ગુસ્સો કોઇ બીજી જગ્યાએ ઠાલવી દઇએ છીએ એ પણ જાણ બહાર. ઉદાહરણ તરીકે ઓફિસના કોઇ કારણે ગુસ્સો આવે અને ઘરે આવીને પરિવારના સભ્યો તેનો ભોગ બની જાય. એટલે સૌથી પહેલા તો ગુસ્સાનું કારણ જાણવુ જરુરી છે.
ગુસ્સો આવવાના સંકેત ઓળખીને પહેલેથી જ ચેતી જવું
ગુસ્સો આવવાનો હોય તે પહેલા આપણે બધા ઇરીટેશન જેવા કેટલાક સિમ્ટમ્સનો અનુભવ કરીએ છીએ. દરેક માટે કોઇ અલગ લક્ષણ હોઇ શકે. પણ એ લક્ષણ તમારા માટે સાઇન બોર્ડ બની શકે. અને એ સાઇન જો તમે ઓળખી લો તો તમે તમારા ઇમોશનની ગાડી કંટ્રોલ કરી શકો. ગુસ્સોએ ફિઝીકલ રીસ્પોન્સ છે તમારી ઉત્તેજક ભાવનાઓનું. એટલે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો ગુસ્સામાં ધુઆપુઆ થઇએ છીએ તે પહેલાના કેટલાક સંકેત તમે ઓળખી શકશો. તમારા હાથની મુઠ્ઠી વાળવી, દાંત પીસવા, વગેરે જેવા લક્ષણો તમે પારખી શકશો તમારા વર્તનમાં. અને એ જો પારખી લીધુ તો પછી તેને ડીફોકસ પણ કરી શકશો. એટલે જે વિચારથી ગુસ્સો વધી રહ્યો છે તે પણ ઓળખી જશો. પછી તો બસ એ વિચાર કરવાના બંધ કરવા એટલુ જ ટાસ્ક બાકી રહેશે. આ સાથે તમે જે લોકો, સ્થળ કે સ્થિતિથી એવા નેગેટિવ વિચાર આવતા હોય તેનાથી પણ થોડુ ડિસ્ટન્સ ક્રિએટ કરી શકો. જે વધુ મદદ કરશે તમારા ઉભરાતા લાવા જેવા ગુસ્સાને શાંત પાડવા માટે.
શાંત પડવાના તમારા રસ્તા શોધી લો
એક વાર વોર્નિંગ સાઇન્સ ઓળખતા થઇ જઇએ પછી તો એંગર કંટ્રોલ કરવો વધુ ઇઝી થઇ જાય. એટલે કે હલવો બનાવવાના લાસ્ટ લેવલ પર આવી ગયા હવે તમે. ફીઝીકલ એંગર સિમટ્મ્સ ખ્યાલ આવતા જ ગુસ્સાના કારણોથી વિપરિત વિચાર ચાલુ કરી દો. બોડીમાં જ્યાં ટેન્શન ક્રિએટ થતુ હોય ગુસ્સા દરમિયાન તે ભાગને થોડુ મસાજ કરો. એટલે આપોઆપ ડીફોકસ થશે માઇન્ડ. તમે એકથી દસ સુધી ગણી પણ શકો. જેથી તમારુ માઇન્ડ ડાઇવર્ટ થશે. જો કે આ ખુબ જુની ટેકનીક છે. આ સિવાય તમે એવી વિડીયો ગેમ પણ રમી શકો જેમાં તમારો ગુસ્સો આપોઆપ બહાર નીકળી જાય અને આસપાસ કોઇ નુકસાન પણ ન થાય. તમે હેપ્પી મોમેન્ટ પણ યાદ કરી શકો.
ગુસ્સો એ ઇમોશન છે
અહીં હંમેશા એ વાત યાદ રાખજો કે ગુસ્સો એ ઇમોશન છે એટલે એ વ્યક્ત કરવો જરુરી છે પણ તે હેલ્ધી રીતે થાય એ પણ એટલુ જ જરૂરી છે. જો ગુસ્સો હાઇપર હોય તો કોમન સેન્સ માળિયે ચઢી જતુ હોય છે. એટલે હંમેશા ગુસ્સો એટલો હાઇપર ન કરવો કે કોમન સેન્સ ભુલી જવાય. કારણ કે આખરે આ કોમન સેન્સ જ છે જે તમારા ગુસ્સાને હેલ્ધી રીતે બહાર કાઢીને તમારા શારિરીક અને માનસિક સ્વાસ્થ્યને સાચવી શકશે.