રાણી પદ્મિનીના જૌહર સીનની એ સિકવન્સ વિશે સંજય ભણસાળી શું કહે છે?

કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’માંથી મળી પ્રેરણા!

સંજય લીલા ભણસાળીએ ‘ચિત્રલેખા’ને આપી વિશેષ મુલાકાત

“ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’થી લઈને ‘મિર્ચ મસાલા’ તથા અન્ય ફિલ્મોને લઈને કેતન મહેતાનો હું પ્રશંસક રહ્યો છું. હિંદી સિનેમાના અન્ય કેટલાક સર્જકોમાંથી કેતન મહેતા પણ મારા પ્રિય છે. ‘પદ્માવત’માં ચિત્તોડગઢની રાણી પદ્મિની પર ચિત્રિત થયેલી જૌહર (અગ્નિસ્નાન)ની સિકવન્સીસમાં મેં કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ના એક દશ્યનો સંદર્ભ લીધો છે” એવું લેખક-દિગ્દર્શક સંજય લીલા ભણસાળીએ આજે (31 જાન્યુઆરીએ) એમના જુહુ સ્થિત નિવાસસ્થાને ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું (સંપૂર્ણ મુલાકાત વાંચો ‘ચિત્રલેખા’ના આગામી અંકમાં).

જેમણે ફિલ્મ જોઈ હશે એમને ખ્યાલ હશે કે રાણી પદ્મિનીને પામવાના બદઈરાદા સાથે દિલ્હીનો શાસક અલ્લાઉદ્દીન ખીલજી ચિત્તોડગઢમાં ખુલ્લી તલવાર લઈને ધસી આવે છે ત્યારે ગઢમાંની રાજપૂતાણીઓ એની પર સળગતા અંગારા ફેંકી એને થોડા સમય માટે અંદર આવતો રોકે છે. આ માટે એ બહાદુર મહિલાઓ એક પછી એક, કપડામાં અંગારા ભરી ખીલજી પર ફેંકે છે.

આ જ રીતે ૧૯૮૭માં આવેલી ચુનીલાલ મડિયાની વાર્તા પરથી કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’માં નસીરુદ્દીન શાહ ગામડામાં સ્મિતા પાટીલ પર બળજબરી કરવા એના ફળિયામાં પ્રવેશવા જાય છે ત્યારે ગામની સ્ત્રીઓ કપડામાં મરચાંની ભૂકી ભરી એની આંખો પર ફેંકે છે. બન્ને સીન્સની સમાનતા વિશે ‘ચિત્રલેખા’એ જ્યારે સંજયભાઈને સવાલ કર્યો ત્યારે એમણે કબૂલ્યું કે “હા, મેં એ મિર્ચ મસાલાના સીન પરથી જ પ્રેરણા મેળવી છે. આટલું જ નહીં, પણ મેં જૌહરની સિકવન્સીસ શૂટ કરતાં પહેલાં કેતનભાઈને ફોન કરીને આ વિશે જણાવ્યું પણ હતું.”

એમણે ઉમેર્યું હતું કે ‘આમ જોવા જઈએ તો ‘મિર્ચ મસાલા’ પણ પદ્માવતી જ હતી. તમે કેરેક્ટર્સ જુવો તો સ્મિતા પાટીલ એ રાણી પદ્મિની, નસીરુદ્ગીન શાહ અલ્લાઉદ્દીન ખીલજી અને રાજ બબ્બર એ રાજા રતનસિંહ રાવલ હતા.’

બહુચર્ચિત ‘પદ્માવત’ ગયા અઠવાડિયે (પચીસ જાન્યુઆરીએ) રિલીઝ થઈ. જો કે ગુજરાત-મધ્ય પ્રદેશ-રાજસ્થાન અને ગોવા એમ રાજ્યોની સરકારે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકતાં ત્યાં એ રિલીઝ થઈ શકી નથી. ફિલ્મ જોનારા દર્શકો તથા સમીક્ષકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી. કોઈને ફિલ્મ બેહદ ગમી છે, કોઈને જરાય નહીં, તો કોઈને અલ્લાઉદ્દીન ખીલજીને આપવામાં આવેલું વધુ પડતું મહત્ત્વ કઠ્યું છે. જો કે એક વાત સાથે બધા સંમત થયા તે એ કે ફિલ્મની ભવ્યતા આંખ માટે જશન છે. આ લખાય છે ત્યાં સુધીમાં ‘પદ્માવત’એ સો કરોડ રૂપિયાથી વધુનો વકરો કરી લીધો છે.

અહેવાલઃ કેતન મિસ્ત્રી