ટામેટા પરાઠા

માનવામાં ન આવે એટલાં સહેલા તેમજ ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બની જતા, કંઈક અલગ પણ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે આ પરાઠા!

સામગ્રીઃ

  • ટામેટા 3-4
  • ઘઉંનો લોટ 1½ કપ
  • કાંદા 2 (optional)
  • અજમો ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન
  • તેલ પરાઠા સાંતળવા માટે
  • લસણ કળી 3-4
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન

રીતઃ ઘઉંનો લોટ થોડો કઠણ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડે એટલે સમારેલી લસણનો વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલાં કાંદા તેમજ લીલાં મરચાં 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ ઉમેરી 2 મિનિટ સાંતળી લીધા બાદ સમારેલાં ટામેટાં ઉમેરીને સાંતળો. ટામેટાં નરમ થાય તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં કસૂરી મેથી, અજમો, ચાટ મસાલો મેળવી દો. 1 મિનિટ બાદ ચણાનો લોટ મેળવીને 2-3 મિનિટ સાંતળીને આ મિશ્રણ ઠંડું થવા દો.

લોટને થોડું તેલ ચોપડીને કુણી લો. તેમાંથી એક મોટો લૂવો લઈ પુરી જેવડો વણીને ટામેટાંના મિશ્રણમાંથી 2 ચમચી જેટલું મિશ્રણ વચ્ચે મૂકીને પુરીને ચારેકોરથી કિનારી વાળીને પેક કરી લો. લોટનું અટામણ દઈ પરોઠું વણીને તવામાં તેલ અથવા ઘી લગાડીને શેકી લો.

આ પરોઠું દહીં સાથે પીરસી શકાય છે. નાનાં બાળકોને ટોમેટો કેચ-અપ સાથે પીરસી શકાય છે.