સ્વાસ્થ્યપ્રદ શક્કરિયાના શિવરાત્રિના વ્રત માટે, જરા જુદા સ્વાદવાળા ફરાળી વડા બની શકે છે!

સામગ્રીઃ સામો 1 કપ, શક્કરિયા 250 ગ્રામ (3 નંગ), બટેટો 1, સિંધવ મીઠું સ્વાદ મુજબ, લીલાં મરચાં 3-4, આદુનો ટુકડો 1 ઈંચ, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, વરિયાળી 1 ટી.સ્પૂન ,શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન, લીંબુનો રસ 1½ ટે.સ્પૂન, કોપરાનું છીણ 3-4 ટે.સ્પૂન, શેકેલા શીંગદાણાનો ભૂકો 4 ટે.સ્પૂન, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, સફેદ તલ 2-3 ટે.સ્પૂન, તેલ વડા તળવા માટે
ફરાળી ચટણીઃ આદુનો ટુકડો 1 ઈંચ, ધોઈને સમારેલી કોથમીર 1 કપ, લીલા મરચાં 2-3, જીરૂ 1 ટી.સ્પૂન, સિંધવ મીઠું સ્વાદ મુજબ, શીંગદાણા 2 ટે.સ્પૂન, ધોઈને સમારેલા ફુદીનાના પાન 1 કપ, લીંબુનો રસ 1 ટે.સ્પૂન
રીતઃ સામાને 2-3 પાણીએથી ધોઈને એક કૂકરમાં કાઢી લો. ત્યારબાદ રતાળુ તેમજ બટેટાને છોલીને ધોઈને તેના નાના ટુકડા કરીને સામા સાથે કૂકરમાં ઉમેરી દો. અને 1½ કપ પાણી મેળવીને કૂકર બંધ કરીને ગેસની મધ્યમ આંચે કૂકરની બે સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી, કૂકરને ઠંડું થવા દો.
ચટણી માટે મિક્સીમાં ફુદીનાના પાન, કોથમીર, આદુનો ટુકડો તેમજ મરચાં સમારીને મેળવો તથા સ્વાદ મુજબ સિંધવ મીઠું, જીરૂ, શીંગદાણા અને લીંબુનો રસ મેળવીને ચટણી પીસી લો.
કૂકર ઠંડું થયા બાદ ખોલીને તેમાંથી સામો તેમજ બટેટા, શક્કરિયાને એક વાસણમાં કાઢી લો અને ઠંડા થયા બાદ મેશર વડે છૂંદી લો.
હવે આ મિશ્રણમાં શેકેલા જીરાનો પાઉડર, કાળા મરી પાઉડર, કોપરાનું છીણ, શીંગદાણાનો ભૂકો, વરિયાળી, આદુ-મરચાંની પેસ્ટ, તલ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ સિંધવ મીઠું તેમજ લીંબુનો રસ મેળવીને લોટ બાંધી લો.
તેલવાળા હાથ કરીને વડાના લોટમાંથી લૂવા લઈ તેને સરખા ગોળ વાળીને ચપટા કરી લો. એક ડીશમાં તલ લઈને વડાની બંને બાજુએ તલ લગાડી લો. આ રીતે બધા વડા તૈયાર કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે કઢાઈમાં આવે તેટલા વડા ઉમેરીને ગેસની આંચ મધ્યમ કરીને વડા બંને બાજુએથી સોનેરી રંગના તળી લો.
ગરમાગરમ વડા ચટણી સાથે પીરસો.



