બ્રેડનો ઉપયોગ કર્યા વગર પણ રવાની સેન્ડવિચ બની શકે છે!
સામગ્રીઃ
- બારીક રવો 1 કપ
- રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- કોથમીર સમારેલી 1 કપ
- તેલ
- લીલા મરચાં 2
- ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- બાફેલા લીલા વટાણા ½ કપ
- હળદર ¼ ટી.સ્પૂન
- ગરમ મસાલો ½ ટી.સ્પૂન
- આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન
- બાફેલા બટેટા 3
- પનીર 100 ગ્રામ
- બાફેલા મકાઈના દાણા 2 ટે.સ્પૂન
રીતઃ એક કઢાઈમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ટી.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ તેમજ 1 ટી.સ્પૂન સમારેલી કોથમીર 1 મિનિટ માટે સાંતળીને 1 કપ પાણી નાખીને ઉકળવા માટે મૂકો. પાણી ઉકળે એટલે તેમાં રવો ઉમેરી દો. જો જાડો રવો હોય તો પાણી 1 ½ કપ લેવું. ગેસની આંચ ધીમી કરીને તવેથા વડે મિશ્રણ હલાવતા રહો. જ્યાં સુધી તે ઘટ્ટ લોટની જેમ બંધાઈ ના જાય. ત્યારબાદ ગેસ બંધ કરીને કઢાઈ ઢાંકીને 5 મિનિટ રહેવા દો.
બીજા ગેસ ઉપર ફ્રાઈ પેનમાં 2 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરૂનો વઘાર કરી લીલા મરચાં સમારીને ઉમેરો. ત્યારબાદ ખમણેલું આદુ નાખીને 2 મિનિટ સાંતળીને ધાણાજીરૂ પાઉડર, લાલ મરચાં પાઉડર, હળદર સાંતળીને બાફેલા વટાણા, મકાઈના દાણા ઉમેરી દો. બાફેલા બટેટાનો છૂંદો કરીને ઉમેરો સાથે ગરમ મસાલો, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. પનીરના નાના ચોરસ ટુકડા કરીને ઉમેરીને 3-4 મિનિટ સાંતળીને ગેસ બંધ કરી દો.
રવાનું પૂરણ લઈ તેમાંથી મોટો ગોળો લઈ પાટલા ઉપર તેલ ચોપળીને સહેજ જાડો વણી લો. આ મોટા રોટલામાંથી વાટકી વડે ગોળાકાર પૂરી કટ કરી લો. આ પૂરી સહેજ જાડી હોવી જોઈએ. આ પુરી ઉપર ચપ્પૂ વડે ચોરસ કાપા પાડીને એકબાજુએ ડિઝાઈન કરી શકાય છે.
પૂરીની ડિઝાઈનવાળો ભાગ બહારની બાજુએ રાખી, અંદરના ભાગમાં બટેટાનું પૂરણ લગાડીને ઉપર બીજી પૂરી ઢાંકી દો. આ રીતે બધી પૂરી તૈયાર કરીને સેન્ડવિચ તૈયાર કરી લો.
એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરીને તેમાં આવે તેટલી સેન્ડવિચ ઉમેરી દો. ગેસની મધ્યમ આંચે સેન્ડવિચ બંને બાજુએથી ગોલ્ડન રંગની શેલો ફ્રાઈ કરી લો.
તૈયાર સેન્ડવિચ ટોમેટો કેચ-અપ કે ચટણી સાથે પીરસો.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)