રાઈતા મરચાં

જમવામાં કે નાસ્તા-ફરસાણમાં સ્વાદ, રાઈતા મરચાંથી વધી શકે છે!

સામગ્રીઃ

  • ભાવનગરી અથવા વઢવાણી મરચાં 500 ગ્રામ (લાલ અને લીલા બંને લઈ શકાય છે)
  • રાઈના કુરિયા ½ કપ
  • તેલ 4 ટે.સ્પૂન
  • હળદર 1-2 ટી.સ્પૂન
  • વરિયાળી 4 ટે.સ્પૂન
  • મેથીના કુરિયા 3 ટે.સ્પૂન
  • ધાણાના કુરિયા 4 ટે.સ્પૂન
  • હિંગ 1 ટે.સ્પૂન
  • 1 મોટા લીંબુનો રસ
  • મીઠું

રીતઃ મરચાંને ધોઈને નિતારી લીધા બાદ એક ચોખ્ખા કાપડ વડે લૂછીને કોરા કરી લેવા.

ત્યારબાદ તેની ઉભી ચીરી કરી 6-7 ટુકડા કરી લેવા. લગભગ 1 ઈંચ જેટલા ટુકડા હોવાં જોઈએ. અથવા મરચાંમાં ફક્ત ઉભી ચીરી કરીને બીયાં કાઢી લઈને પણ તેમાં મસાલો ભરી શકાય છે.

હવે મરચાંમાં 1 ટી.સ્પૂન હળદર અને 1 ટે.સ્પૂન મીઠું ઉમેરીને હાથ વડે મિક્સ કરી લો અને મરચાંનું વાસણ ઢાંકી દઈ, અડધોથી એક કલાક માટે રાખી મૂકો.

એક કલાક બાદ મરચાંને સ્ટીલની ચાળણીમાં મૂકીને વધારાનું પાણી નિતારી લેવું. 10 મિનિટ બાદ પંખા નીચે એક કિચન પેપર પાથરી, તેની ઉપર આ મરચાંને 15-20 મિનિટ માટે મૂકીને કોરા કરી લેવા.

મરચાં માટે મસાલો તૈયાર કરવા માટે એક મિક્સી બાઉલમાં મેથીના કુરિયા, ધાણાના કુરિયા તેમજ વરિયાળી લઈ પલ્સ મોડ ઉપર અધકચરા વાટી લો. ત્યારબાદ તેમાં રાઈના કુરિયા મેળવીને ફરીથી મિક્સી ચલાવી અધકચરો ભૂકો તૈયાર કરી લો. આ પાઉડરમાં ½ ટી.સ્પૂન હીંગ તથા ½ ટી.સ્પૂન હળદર તેમજ એક ચમચી મીઠું મેળવી લો.

મરચાં માટેનું તેલ એક વાસણમાં સરખું ગરમ કરી લઈ તેને દળેલા પાઉડર ઉપર રેડીને મિક્સ કરીને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.

ત્યારબાદ આ મસાલામાં કોરા કરેલાં મરચાં મેળવી દો. અને લીંબુનો રસ પણ મેળવીને 2 કલાક માટે ઢાંકીને મૂકો.

મરચાં ભરવા માટે કાચની બરણી અથવા એરટાઈટ જાર કોરી કરી લઈ તેમાં આથેલાં મરચાં ભરીને ઢાંકીને 2-3 દિવસ રૂમમાં મૂકી રાખો. ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકી દો. આ રાઈતા મરચાં ફ્રીજમાં 1 મહિના સુધી રાખી શકાય છે.