સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર છે, પાલક પિનવ્હીલ પરોઠા!

સામગ્રીઃ
- ઘઉંનો લોટ 2 કપ
- ધોઈને સમારેલી પાલક 2 કપ
- બાફેલા બટેટા 4
- આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
- ચાટ મસાલો 2 ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર ¼ ટી.સ્પૂન
- ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
- શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન
- ધોઈને સમારેલી કોથમીર ½ કપ
- રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- ચીઝ ક્યૂબ 1
- પનીર 100 ગ્રામ
- આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન
રીતઃ એક વાસણમાં પાણી ઉકાળવા મૂકો. ત્યારબાદ તેમાં પાલક ઉમેરીને 2-3 મિનિટ રાખી લીધા બાદ બીજા વાસણમાં બરફવાળું ઠંડું પાણી લઈ તેમાં આ પાલક ઉમેરીને તરત બહાર કાઢી લો.
આ ઠંડી પાલકની મિક્સીમાં પ્યુરી બનાવી લો.
એક વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીને, પાલકની પ્યુરી વડે લોટ બાંધી લો. આ લોટ ઢાંકીને 10 મિનિટ રહેવા દો.
બાફેલા બટેટાને છીણી લો. ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો પાઉડર, ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર, હળદર, આદુ-મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સમારેલી કોથમીર મેળવીને બટેટાનું પૂરણ તૈયાર કરી લો.
10 મિનિટ બાદ લોટના લૂવા બનાવી એક-એક લૂવો વણીને રોટલાની નીચે તેમજ ઉપર બંને બાજુએ થોડા તલ તેમજ રેડ ચિલી ફ્લેક્સ ભભરાવીને એકવાર વેલણ વડે થોડું વણીને બટેટાનું પૂરણ તેની ઉપર ફેલાવીને પાથરી દો. ઉપરથી પનીર તેમજ ચીઝ ખમણી લો. રોટલાનો રોલ વાળીને તેના 1½ ઈંચ જેટલા કટકા ચપ્પૂ વડે કરી લો. આ લૂવાને બંને હાથમાં લઈ થોડો પ્રેશ કરીને ચપટા પિનવ્હીલ રોલ બનાવી દો. અને તવા ઉપર ગોઠવીને, ફરતે થોડું થોડું ઘી નાખીને શેકી લો.





