ગરમીમાં મોટેભાગે શાકભાજી મળતાં નથી. તો સહેલાઈથી ઉપલબ્ધ કાંદા તેમજ ટામેટાંનું સ્વાદસભર શાક બનાવી લો! જેમાં રહેલા કાંદા તમને ગરમીમાં લૂથી પણ બચાવશે!
સામગ્રીઃ
- કાંદા 8-10
- ટામેટાં 4
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
- તેલ 2 ટે.સ્પૂન
- ચણાનો લોટ 2 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- દહીં 1 કપ
- મલાઈ 1 ટે.સ્પૂન
- લીલાં મરચાં 3-4
- કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
મસાલોઃ
- 4-5 લસણની કળી
- આદુનો ટુકડો 1 ઈંચ
- કાળાં મરી 4-5
- તજનો ટુકડો 1 ઈંચ
- લવિંગ 3
રીતઃ કાંદાને છોલીને ધોઈ લો. તેમાંથી લાંબી જાડી સ્લાઈસ કટ કરી લો. ટામેટાંની પણ લાંબી જાડી સ્લાઈસ કટ કરી લો. કાંદા તેમજ ટામેટાંને એક બાઉલમાં લઈ તેમાં ધાણાજીરુ પાઉડર, લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું તેમજ કસૂરી મેથી ઉમેરીને હાથેથી કાંદાને મસાલા સાથે મેળવીને મેરીનેટ કરી લો. લીલા મરચાંને લાંબી બે ચીરીમાં કટ કરીને ભેળવી લો. આ મિશ્રણને અડધા કલાક માટે ઢાંકીને રાખો.
એક મિક્સીમાં લસણની કળી, આદુનો ટુકડો, કાળાં મરી, તજનો ટુકડો, લવિંગને અધકચરા પીસી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુનો વઘાર કરી અધકચરા વાટેલા મસાલાની પેસ્ટ સાંતડી લો. હવે તેમાં મેરીનેટ કરેલા કાંદા વઘારીને કઢાઈ ઢાંકીને ધીમી આંચે 10 મિનિટ થવા દો. વચ્ચે વચ્ચે શાકને તવેથા વડે ફેરવતા રહો. કાંદા-ટામેટાં નરમ થઈને ચઢી જાય એટલે તેમાં મલાઈ તેમજ દહીં મેળવીને એક કપ પાણી ઉમેરીને મિક્સ કરીને ઢાંકીને ફરીથી 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં તેલ છૂટું પડેલું દેખાય એટલે કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને શાક ઉતારી લો.
આ શાક પરોઠા સાથે સારું લાગશે.