3 ઈન 1 વેજ પકોડા

આ ક્રિસ્પી કાંદા-બટેટાના પકોડા જરા હટકે છે! બાળકોને આમાં ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મળશે. તેમજ મોટેરાંને ભાવતાં કાંદાના ભજીયાનો સ્વાદ પણ!

સામગ્રીઃ

 • કાંદા 2
 • લીલા મરચાં 3-4
 • જીરુ 1 ટી.સ્પૂન
 • અજમો ½ ટી.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ
 • આખા ધાણા 1 ટી.સ્પૂન
 • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
 • ચણાનો લોટ ½ કપ
 • ચોખાનો લોટ ¼ કપ
 • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
 • કાશ્મીરી લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
 • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
 • મોટી સાઈઝના બટેટા 2

રીતઃ કાંદાને લાંબી જાડી સ્લાઈસમાં કટ કરી લો. તેમાં મરચાં ગોળ અથવા લાંબા પાતળા કટ કરીને ઉમેરો. જીરુ તથા અજમો ઉમેરીને, આખા ધાણાને હાથ વડે થોડા મસળીને નાખો. કોથમીર પણ ઉમેરી દો (કોથમીરને બદલે લીલી મેથીના પાન પણ ઉમેરી શકાય). આ મિશ્રણને હાથેથી ચોળી લો જેથી કાંદાની સ્લાઈસ છૂટ્ટી પડે.

હવે તેમાં ચણાનો તથા ચોખાનો લોટ ઉમેરો. તેમાં સૂકા મસાલા કાશ્મીરી લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચિલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જઈ તેનું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરીને એકબાજુએ રાખો.

બટેટાને છોલીને ધોઈને તેને ઉભા 3 પતિકામાં કટ કરી લો. ત્યારબાદ તેમાંથી લાંબી ફ્રેન્ચફ્રાઈઝ જેવી થોડી જાડી એવી ચિપ્સ કટ કરી લો. આ ચિપ્સને 2-3 પાણીએથી ધોઈને એક સુતરાઉ કાપડ અથવા નેપકીન પર સૂકી કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટેટાની એક એક ચિપ્સ લેતા જઈ તેને કાંદા અને ચણાના લોટના મિશ્રણમાં બોળીને કાઢો. કાંદાનું મિશ્રણ ચિપ્સની ચારે બાજુ ચોંટેલું હોવું જોઈએ. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરીને કાંદાના મિશ્રણવાળી આ બટેટાની ચિપ્સ તળવા માટે તેલમાં હળવેથી નાખતા જાવ. ગેસની ધીમી-મધ્યમ આંચે 6-7 મિનિટ સુધી  થોડી થોડીવારે એક ચમચા અથવા ચિપિયા વડે તેલમાંની દરેક ચિપ્સને એક એક કરીને ઉથલાવતા જાવ. આ રીતે 6-7 મિનિટમાં 3 ઈન 1 પકોડા તૈયાર થઈ જશે.

આ ગરમાગરમ પકોડા ટોમેટો કેચ-અપ સાથે સારાં લાગશે!