માતાજીના થાળ માટે ચણાનો પ્રસાદ

નવરાત્રીમાં અષ્ટમી કે નવમીના હવન બાદ માતાજીને થાળમાં તેમને ભાવતા શીરા અને પુરી સાથે ચણાનું શાક પણ ધરાવવામાં આવે છે. પ્રસાદમાં ધરાવવામાં આવતા ચણાના શાકનો સ્વાદ બહુ જ નિરાળો હોય છે!

સામગ્રીઃ

  • કાળા ચણા (બ્રાઉન ચણા) 1 કપ
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલાં મરચાં 2-3
  • ધાણાજીરુ પાઉડર 2 ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • ગરમ મસાલો ½ ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • ઘી 2 ટે.સ્પૂન

રીતઃ ચણાને 2-3 પાણીએથી ધોઈને પાણીમાં આખી રાત માટે પલાળી રાખો.

સવારે તેમાંનું પાણી નિતારી લઈને કૂકરમાં આ ચણા લઈ તેમાં ચણા ડૂબે તેનાથી થોડું વધુ પાણી લઈ બાફવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. કૂકરની સીટી 7-8 થવા દેવી. ત્યારબાદ ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.

એક બાઉલમાં લાલ મરચાં પાઉડર, ધાણાજીરુ, ગરમ મસાલો તેમજ હળદર પાઉડર લઈ અડધા કપ પાણીમાં મસાલો મેળવીને પેસ્ટ બનાવી લો.

આદુ તેમજ મરચાંની લાંબી પાતળી ચીરી સમારી લો.

એક કઢાઈ અથવા પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તતડાવો. હવે તેમાં આદુ તેમજ મરચાંની ચીરી 2 મિનિટ સાંતળીને સૂકા મસાલાની પેસ્ટ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈ આમચૂર પાઉડર ઉમેરી દો. ત્યારબાદ કૂકર ઠંડું થયું હશે તેમાંથી બફાયેલા ચણામાંથી 1 ચમચો ચણા મિક્સી બાઉલમાં કાઢીને પીસી લો. બાકીના ચણામાંથી 1 કપ જેટલું પાણી બાજુએ રાખીને બાકીના ચણામાંથી પાણી નિતારી લઈ કઢાઈના મસાલામાં ઉમેરી દો. મિક્સીમાં પીસેલા ચણાની પેસ્ટ પણ ઉમેરી દો અને બફાયેલા ચણાનું પાણી તેમાં ઉમેરીને મિક્સ કરી દો. કઢાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની મધ્યમ આંચે ચણાને સૂકા થવા દો. પાણી સૂકાય જાય એટલે સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

તૈયાર ચણાનું શાક થોડું ઠંડું થાય એટલે માતાજીના થાળમાં ધરાવી દો.