બુંદી બનાવવાની ઝંઝટ વિના બની જાય છે આ દાણેદાર મોતીચૂર લાડુ! ગણપતિ બાપ્પા પધારી રહ્યાં છે, તો બનાવી લો બાપ્પાને ભાવતાં લાડુનો પ્રસાદ!
સામગ્રીઃ
- ચણાની દાળ 1 કપ
- ખાંડ 1 કપ
- ઘી મુઠીયા તળવા માટે
- એલચી પાવડર 1 ટી.સ્પૂન
- કેસરના તાંતણા 7-8
- બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
રીતઃ ચણાની દાળને ધોઈને 4-5 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ દાળમાંથી પાણી નિતારી લેવું. આ દાળને મિક્સીમાં પાણી નાખ્યા વિના કરકરી પીસી લેવી. જો પાણી નાખવું જ પડે તો થોડુંક જ નાખવું.
એક કઢાઈમાં ઘી ગરમ કરી લો. ઘી ગરમ થાય એટલે દાળના કરકરા મિશ્રણમાંથી ચપટા મુઠીયા બનાવીને ઘીમાં તળી લો. ગેસની આંચ ધીમી-મધ્યમ રાખવી. મુઠીયા હલ્કા સોનેરી રંગના તળવા.
આ મુઠીયાને નાના ટુકડામાં તોડી લો. ઠંડા થાય એટલે મિક્સીમાં પીસી લો. મિક્સીને ઓન-ઓફ કરીને દળી લો. 4-5 વાર મિક્સી ફેરવીને થશે.
દળેલા મિશ્રણને સ્ટીલની ચાળણીમાં ચાળી લો. બચેલા ટુકડાને ફરીથી મિક્સીમાં ફેરવી લેવા.
કેસરના તાંતણાને ટે.સ્પૂન પાણીમાં પલાળવા માટે મૂકો.
એક તપેલીમાં 1 કપ સાકર તેમજ ½ કપ પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. સાકર ઓગળે ત્યારબાદ 4-5 મિનિટ માટે પાણી ઉકળવા દો. ચાસણી ચિપચિપી થાય એટલે કેસરવાળું પાણી મેળવીને ગેસ બંધ કરીને આ ચાસણી ચણાના લોટના દળેલા મિશ્રણમાં મેળવી દો. તેમાં એલચી પાવડર તથા બદામ-પિસ્તાની કાતરી પણ મિક્સ કરી દો. આ મિશ્રણ થોડું ઢીલું રહેશે. જો વધુ પડતું ઢીલું હોય તો તેને 1 મિનિટ માટે ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. જેથી ચણાના લોટના કરકરા દાણામાં આ ચાસણી પચી જાય. 20 મિનિટ બાદ આ મિશ્રણમાંથી લાડુ વાળી લો.