ગણપતિ બાપા પધાર્યા છે. તેમને લાડુ અને મોદક તો તમે ધરાવ્યા જ હશે. તો બાપા માટે હવે કંઈક અલગ, છતાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી મગની દાળની બરફી પણ બનાવી જુઓ!
સામગ્રીઃ
1 કપ મગની દાળ અથવા આખા મગ પણ લઈ શકો છો
4 ટે.સ્પૂન ગાયનું ઘી,
1 ટે.સ્પૂન કિસમિસ,
400 મિ.લિ. દૂધ,
1 કપ ગોળ ઝીણો સમારેલો,
1 ટી.સ્પૂન એલચી પાવડર
10 બદામની કાતરી
રીતઃ
મગને 2-3 પાણીએથી ધોઈને 5-6 કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને મિક્સરમાં બારીક પીસી લો.
એક કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં મગની પેસ્ટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં કિસમિસ, ગોળ તેમજ દૂધ ઉમેરીને ગેસની આંચ ધીમી કરી દો. મિશ્રણને ધીમે ધીમે હલાવતાં રહો, જ્યાં સુધી એ ઘટ્ટ ન થઈ જાય.
એક થાળીમાં ઘી ચોપડીને તેમાં આ મિશ્રણ રેડીને એકસરખું ફેલાવી દો. ઉપરથી બદામની કાતરી ભભરાવી દો. એકાદ કલાક બાદ આ બરફીના ચોસલા પાડી લો.
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવી આ મિઠાઈ ડાયાબિટીસ ધરાવનાર લોકો પણ નિશ્ચિંત બનીને ખાઈ શકે છે!