મગની દાળના અપ્પે

સૌથી પૌષ્ટિક એવા સ્વાદિષ્ટ મગની દાળના અપ્પે બાળકોને ટિફિનમાં પણ આપી શકાય!

સામગ્રીઃ

  • મગની દાળ 1 કપ
  • લીલા વટાણા ½ કપ
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 3
  • કોથમીર ધોયેલી 1 કપ
  • સિમલા મરચું 1
  • ગાજર અડધું
  • કાંદો 1
  • રાઈ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 4-5
  • તેલ વઘાર માટે 1 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • અપ્પે શેકવા માટે ઘી
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે

રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 6-7 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સીમાં વાટીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં લીલા વટાણા, આદુ, મરચાં, કોથમીર ઉમેરીને પીસી લઈ વાટેલી મગની દાળમાં મેળવી દો. તેમાં ચાટ મસાલો તેમજ મીઠું સ્વાદ પ્રમાણે મેળવો.

હવે તેમાં સિમલા મરચું, કાંદો તેમજ ગાજર ઝીણાં સમારીને ઉમેરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરી દો. રાઈ તતડે એટલે ગેસ બંધ કરી, સફેદ તલ તેમજ કળી પત્તાના પાન ઉમેરી દો. આ વઘાર મગની દાળના મિશ્રણમાં મેળવી દો.

અપ્પે પેનમાં દરેક ખાનામાં જરા જરા ઘી લગાડી દો. આ પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ ગેસ ધીમો કરી દો. અપ્પે પેનના દરેક ખાનામાં મગની દાળનું મિશ્રણ એક-એક ચમચી જેટલું રેડીને પેન ઢાંકીને ગેસની ધીમી આંચે 4-5 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાંના અપ્પે ઉપર સહેજ ઘી અથવા તેલના 2-3 ટીપાં રેડી, ચમચી વડે અપ્પ્ ઉથલાવી ફરીથી 4-5 મિનિટ માટે થવા દો.

આ અપ્પે ચટણી સાથે પીરસો.