આ ઉત્તપમ ઈન્સ્ટન્ટ બની જાય છે. પૌઆને કારણે તે પોચા બને છે. બાળકોના ટિફિન માટે પૌઆના મિક્સ વેજીટેબલ ઉત્તપમ સારા રહેશે!
સામગ્રીઃ
- પૌઆ 1 કપ
- રવો 1 કપ
- દહીં ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- કાળા મરી પાવડર 1 ટી.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- આદુનો ટુકડો 1 ઈંચ
- લીલા મરચાં 2
- સિમલા મરચું 1
- કાંદો 1
- ગાજર 1 નાનું
- કોબી ખમણેલી ½ કપ (optional)
- મકાઈના બાફેલા દાણા ½ કપ
- ઈનો પાવડર 1 ટી.સ્પૂન
- તેલ ઉત્તપમ સાંતડવા માટે
- ચીઝ ક્યૂબ 2-3 (optional)
વઘાર માટેઃ
- તેલ 1 ટી.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- કળીપત્તાના પાન 8-10
રીતઃ એક મોટા બાઉલમાં પૌઆ લઈ, તેને 2 પાણીએથી ધોઈને પૌઆ પલળે એટલું પાણી નાખીને 2-3 મિનિટ માટે એકબાજુએ રાખો. 3 મિનિટ બાદ પૌઆને હાથેથી સ્મેશ કરી લો. ત્યારબાદ તેમાં રવો અને દહીં જેરણી વડે મિક્સ કરી લો. તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઢોકળાના ખીરા જેવું પ્રવાહી થાય તેવું બનાવી લો અને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
ત્યાબાદ ખીરામાં સિમલા મરચું, કાંદો ઝીણાં સમારીને મેળવી દો. ગાજર, કોબી તેમજ આદુનો ટુકડો ખમણીને મેળવો અને સમારેલી કોથમીર, મકાઈના દાણા, કાળા મરીનો પાવડર, સ્વાદ મુજબ મીઠું પણ મેળવી દો. જો ખીરું ઘટ્ટ થાય તો પ્રમાણસર પાણી ઉમેરી દો.
વઘારીયામાં તેલ ગરમ કરીને રાઈ તતડાવીને હીંગ નાખી દો. ત્યારબાદ તેમાં કળીપત્તાના પાન ઉમેરીને આ વઘાર ખીરામાં મેળવી દો.
ખીરું તૈયાર થયા બાદ જ્યારે ઉત્તપમ ઉતારવા હોય તે સમયે ખીરામાં ઈનો પાવડર નાખી તેની ઉપર 1 ચમચી ગરમ પાણી રેડીને ચમચા વડે મિક્સ કરી લો.
ઉત્તપમ માટે પેન ગેસ પર ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે થોડું ¼ ટી.સ્પૂન તેલ લગાડી ખીરું રેડીને ફેલાવો. જો બાળકો માટે બનાવતા હોવ તો તેની ઉપર થોડું ચીઝ ખમણીને તેને ઢાંકીને 2 મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેને ઉથલાવીને ફરીથી 2-3 ટીપાં જેટલું તેલ ફરતે રેડીને 2 મિનિટ માટે ઢાંકી દો. ઉત્તપમ ગોલ્ડન રંગના શેકાય જાય એટલે ઉતારી લેવા.
તમને જોઈએ તે સાઈઝના ઉત્તપમ બનાવો. આ ઉત્તપમ ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસી શકાય.