ઠંડીના દિવસોમાં શરદીની તકલીફ તો મોટાભાગનાને થતી હોય છે. તેમાં ઠંડી અને શરદી ભગાડી દે તેવા ગરમાગરમ મિક્સ વેજીટેબલ દાળના વડા ખાવા મળી જાય તો?
સામગ્રીઃ
- લીલી ફોતરાવાળી મગની દાળ 1¼ કપ
- પાલકના પાન 1 કપ
- કાંદા 2 (કાંદા ન ખાવા હોય તો skip કરી શકાય છે)
- લીલાં મરચાં 8-10, કોથમીર 2 કપ
- કળી પત્તાનાં પાન 15-20
- બટેટા 2-3
- ગાજર 1 (optional)
- આખા ધાણા 1 ટે.સ્પૂન
- વરિયાળી 1 ટે.સ્પૂન
- સૂકાં લાલ મરચાં 7-8
- હીંગ ¼ ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
રીતઃ મગની દાળ 2-3 પાણીએથી ધોઈને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંથી ¼ કપ જેટલી દાળ અધકચરી પીસીને બાકીની દાળ બારીક પીસી લો.
પાલક તેમજ કોથમીરને અલગ અલગ 3-4 પાણીએથી ધોઈને એક કપડાંમાં સૂકવીને કોરા કરી લો. તેમજ ઝીણાં સમારી લો. સાથે લીલાં મરચાં, કાંદા, કળીપત્તાના પાન પણ ઝીણાં સમારી લો. આ સમારેલાં શાક પીસેલી દાળમાં મેળવી દો. આખા ધાણા, વરિયાળી તેમજ સૂકાં લાલ મરચાંને ખાંડણી-દસ્તામાં અધકચરા પીસીને મેળવી દો. હવે તેમાં હીંગ, ધાણાજીરુ, મરચાં પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું પણ નાખીને મિક્સ કરી દો.
આ મિશ્રણ વડા બાંધી શકાય તેવું હોવું જોઈએ. તેમાંથી ગોળાકાર વડા બનાવતાં જાઓ અને તેલમાં તળતા જાઓ. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ ગેસની આંચ મધ્યમ કરીને જ વડા તળવા.
ગરમાગરમ વડા લીલાં મરચાં, લાંબી ચીરીમાં સમારેલાં કાંદા તેમજ તીખી અને ગળી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.
વડાનું મિશ્રણ તૈયાર કરીને વડા વાળીને રેફ્રીજરેટરમાં રાખી શકો છો. જેથી નાસ્તાના સમયે વાળેલા તૈયાર વડા ગરમાગરમ ઉતારી શકાય!
જો થોડા કલાક પહેલાં વડા તૈયાર કરી રાખવા હોય તો કાચા-પાકાં તળીને પણ રેફ્રીજરેટરમાં રાખી શકાય છે! જેથી તળીને ગરમાગરમ પીરસી શકાય!
