રાજસ્થાનની ફેમસ પારંપરિક મકાઈ-મેથીની ઢોકળી દાળ સાથે જમવાના મેનુ માટે સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી વેરાયટી બની રહેશે! જો નાસ્તા માટે બનાવવી હોય તો પણ આ ગરમાગરમ સ્વાદિષ્ટ નાસ્તો બધાને ભાવશે!
સામગ્રીઃ
- લીલા વટાણા ½ કપ
- લીલાં મરચાં 2-3
- આદુનો ટુકડો 2 ઈંચ
- લીલી મેથી ઝુડી નાની 1
- મકાઈનો લોટ 2 કપ
- હીંગ ½ ટી.સ્પૂન
- અજમો ½ ટી.સ્પૂન
- કરકરો દળેલો વરિયાળીનો ભૂકો 1 ટી.સ્પૂન
- હળદર પાઉડર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 2 ટી.સ્પૂન
- બેકીંગ પાઉડર અથવા બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
- ઘી અથવા તેલ 1 ટે.સ્પૂન
- ખાટું દહીં 1 કપ
- કોથમીર ધોઈને સુધારેલી 1 કપ
- દેશી ઘી ઢોકળી ઉપર રેડવા માટે
દાળ તેમજ વઘાર માટેઃ
- ફોતરાવાળી મગની દાળ 1 કપ
- ચણા દાળ 1 ટે.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
- તેલ 1 ટે.સ્પૂન
- હીંગ ½ ટી.સ્પૂન
- સૂકાં લાલ મરચાં 2
- લીલા મરચાં 2
- લસણ કળી 3-4
- આદુનો ટુકડો 1 ઈંચ
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
ઢોકળીના વઘાર માટેઃ
- તેલ 1 ટે.સ્પૂન
- હીંગ ½ ટી.સ્પૂન
- લીલા મરચાં 2
- રાઈ ½ ટી.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
રીતઃ મગની દાળ તેમજ ચણા દાળને ધોઈને કૂકરમાં 4-5 સીટી કરીને બાફી લો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ તતડાવો, હીંગ નાખીને લાલ મરચાંના બે ટુકડા કરીને ઉમેરી દો. આદુ તેમજ લસણને ઝીણાં સમારીને નાખી દો. હવે તેમાં દાળ નાખીને લીલા મરચાંના બે ટુકડા નાખીને દાળને ઉકળવા દો. દાળ ઉકળે એટલે તેમાં ગરમ મસાલો નાખી 1 મિનિટ બાદ સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરી દો.
લીલા વટાણા એક મિક્સી બાઉલમાં લઈ તેમાં લીલાં મરચાં તેમજ આદુને સુધારીને કરકરું પીસી લો.
લીલી મેથીના પાન તેની કુણી દાંડી સાથે તોડી લો. પાનને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારીને બારીક સમારી લો.
એક બાઉલમાં મકાઈનો લોટ, અજમો, હીંગ, વરિયાળીનો ભૂકો, હળદર, ધાણાજીરુ તેમજ લાલ મરચાં પાઉડર, બેકીંગ પાઉડર અથવા બેકીંગ સોડા મેળવીને આ કોરો લોટ સાથેનો મસાલો મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઘી અથવા તેલ, ખાટું દહીં, કોથમીર ધોઈને સુધારેલી, સમારેલી મેથીના પાન, વટાણાનું દળેલું પેસ્ટ મેળવીને લોટ બાંધી લો. આ લોટમાંથી નાના લૂવા લઈ ગોળ કરીને ચપટા કરી લો. તેમાં મેંદૂવડાની જેમ હોલ પાડી દો. એક ઈડલી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાડીને આ મકાઈ-મેથી ઢોકળીને દરેક ખાનામાં ગોઠવીને ઈડલી કૂકર ઢાંકીને 20 મિનિટ સુધી ઢોકળી થવા દો. ત્યારબાદ ટૂથ-પીક અથવા ચપ્પૂને એક ઢોકળીમાં નાખીને બહાર કાઢો. જો તે ચોખ્ખું બહાર આવે એટલે ઢોકળી ચઢી ગઈ છે.
આ ગરમાગરમ ઢોકળી ઉપર ઘી રેડીને દાળ સાથે પીરસો.
જો ઢોકળી નાસ્તામાં ખાવી હોય તો દાળને skip કરી દો. દરેક ઢોકળીના બે ટુકડા કરીને એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ તતડાવી, હીંગ નાખી દો. લીલાં મરચાંના ટુકડા તેમજ કળી પત્તાના પાન ઉમેરીને સફેદ તલ નાખીને તરત જ ઢોકળીના ટુકડા વઘારમાં નાખીને 3-4 મિનિટ સાંતડી લો. ત્યારબાદ તેમાં કોથમીર સમારેલી નાખીને ગેસ બંધ કરીને આ ઢોકળી લીલી ચટણી સાથે નાસ્તામાં પીરસો.