જ્યારે કોઈ શાક ઘરમાં ઉપલબ્ધ ના હોય તો સૌથી પહેલાં બટેટા જ ધ્યાનમાં આવે છે. હવે બાળકોનું ક્રિસમસ વેકેશન પૂરું થઈ ગયું છે. તો ટિફીન માટે પણ જીરા આલૂ બાળકોનું મનપસંદ શાક બની રહેશે!
સામગ્રીઃ
- બાફેલા બટેટા 6
- જીરુ 1-1½ ટે.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- સરસોં તેલ 2-3 ટે.સ્પૂન (અથવા શીંગ તેલ)
- આખા ધાણા 1 ટે.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- હળદર પાઉડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરુ પાઉડર 1 ટી.સ્પૂન
- ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
- આદુનો ટુકડો 1 ઈંચ
- ઓછા તીખાં લીલાં મરચાં 2
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
- ગરમ મસાલો 1 ટી.સ્પૂન
- કાળું મીઠું 2-3 ચપટી
- ફુદીનાનો પાઉડર 1 ટી.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
- કાળાં મરી પાઉડર ½ ટી.સ્પૂન
રીતઃ બાફેલા બટેટાને મોટાં ચોરસ ટુકડામાં સમારી લો. એક કઢાઈ અથવા ફ્રાઈ પેનમાં સરસોં તેલ ગરમ કરો. (જીરા આલૂ સ્વાદિષ્ટ બનાવવા માટે સરસોં તેલ સારું રહેશે, છતાં શીંગ તેલ પણ વાપરી શકાય છે)
આખા ધાણાને અધકચરા પીસી લો. આદુને ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. લીલાં મરચાંના નાના ગોળ ટુકડામાં સુધારી લો.
તેલ ગરમ થયા બાદ તેમાં જીરાનો વઘાર કરી તરત આખા ધાણાનો ભૂકો પણ નાખીને 2 મિનિટ સાંતળવા દો. ત્યારબાદ તેમાં સમારેલાં બટેટા ઉમેરીને 2-3 મિનિટ સાંતળો. ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ફરીથી 3-4 મિનિટ થવા દો.
હવે તેમાં સમારેલા આદુ તેમજ લીલા મરચાં ઉમેરીને થોડીવાર સાંતળો અને હળદર પાઉડર, ધાણા પાઉડર, ચીલી ફ્લેક્સ, કાળાં મરી પાઉડર ઉમેરીને મસાલાને ચઢવા દો.
થોડીવાર બાદ તેમાં ગરમ મસાલો, આમચૂર પાઉડર, 2-3 ચપટી કાળું મીઠું ઉમેરીને તેમાં કસૂરી મેથી તેમજ ફુદીના પાઉડર નાખીને થોડીવાર સાંતળો ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને તૈયાર જીરા આલૂ પરોઠા, રોટલી કે પુરી સાથે પીરસો.