જામનગરી રસ પાંઉ

જામનગરમાં બનતી પ્રખ્યાત રસ પાંઉની વાનગીમાં રસો બનાવવામાં થોડી કળાકૂટ છે. પણ કંઈક નોખી અન્ય પ્રદેશની વાનગીનું નામ કાને પડે તો કઈ ગૃહિણી એ બનાવવામાં કંટાળો કરે? તો બનાવી જુઓ કંઈક નવીનતમ વાનગીની વેરાયટી!

સામગ્રીઃ

  • ગોળ 100 ગ્રામ
  • ખજૂર 100 ગ્રામ
  • આમલી 50 ગ્રામ
  • લીલા મોળા મરચાં 3
  • લીલી તીખા મરચાં 2
  • લસણની કળી 10-12
  • આદુનો ટુકડો 1½ ઈંચ
  • ધોઈને સમારેલી કોથમીર 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • ગરમ મસાલો 2 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર 1½ ટી.સ્પૂન
  • લીંબુ 1
  • ખાંડ 1 ટી.સ્પૂન (અથવા તમારા સ્વાદ મુજબ)
  • કડક પાઉં 10-12
  • લીલી ચટણી
  • લસણની ચટણી

સજાવટ માટેઃ

  • મસાલા શીંગ
  • ચણાના લોટની ઝીણી સેવ
  • ઝીણી સમારેલી કોથમીર
  • ઝીણો સમારેલો કાંદો

રીતઃ એક કઢાઈમાં 1-1½ ગ્લાસ પાણી ઉમેરી તેમાં ગોળ, ખજૂર તેમજ આમલી નાખીને ધીમા મધ્યમ ગેસ પર ગરમ કરવા મૂકો.

બીજી બાજુ મિક્સીમાં બંને લીલા મરચાં ટુકડા કરીને ઉમેરો. તેમાં લસણની કળી, આદુનો ટુકડો તેમજ કોથમીર ઉમેરો. સાથે સૂકા મસાલા લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, હળદર, ધાણાજીરુ ઉમેરીને તેમાં ખાંડ તથા લીંબુનો રસ પણ મેળવી દો. ફક્ત અડધો કપ પાણી મેળવીને આ મસાલો પીસી લો.

ગોળ, ખજૂર આમલીનું મિશ્રણ ઠંડું થઈ ગયું હશે. આ મિશ્રણમાં લસણ-આદુનો વાટેલો મસાલો એક સ્પેટ્યૂલા વડે સરખો મેળવી લો. ત્યારબાદ એક સૂપ ગાળવાની સ્ટીલની ચાળણીમાં આ મિશ્રણ રેડીને એક ચમચી વડે હલાવીને ગાળી લો. થોડીવાર લાગશે પણ ત્યારબાદ એકદમ સ્મૂધ રસો તૈયાર થશે.

આમાંથી થોડો રસો એક બાઉલમાં કાઢી લો.

કડક પાઉંના ચપ્પૂ વડે 1 ઈંચ જેટલા ટુકડા કરી લો. હળવેથી આ પાઉં કટ કરવા કારણ કે, કડક હોવાને કારણે તેનો ભૂકો વધારે થશે. કડક પાઉં ના મળે તો સાદા પાઉંના પીસ કરીને તવા પર ગોઠવીને ગેસની ધીમી આંચે કડક કરી લેવા અથવા બેબી ટોસ્ટ (સાકર વગરના) લઈ શકાય.

પાઉંના ટુકડાને એક એક કરીને બાઉલમાં કાઢેલા રસામાં ડુબાડીને કાઢીને એક પ્લેટમાં ગોઠવતા જાઓ. (પાઉંના ટુકડા રસથી તરબતર થયેલા હોવા જોઈએ) પ્લેટમાં આવે તેટલા પાઉંના ટુકડા ગોઠવાઈ જાય એટલે તેની ઉપર લીલી તેમજ લસણની ચટણી એક-એક પાઉં ઉપર રેડીને ઉપરથી મસાલા શીંગ ભભરાવી દો. ત્યારબાદ ઉપર ઝીણી સેવ ભભરાવ્યા બાદ તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને આ રસ પાઉંની ચટપટી ચાટ પીરસો.