ફરાળી સેન્ડવિચ

શ્રાવણ માસમાં વ્રત, ઉપવાસ માટે તીખી ફરાળી સામગ્રીમાં બ્રેડ વિનાની ફરાળી સેન્ડવિચ બની શકે છે!

સામગ્રીઃ

  • સાબુદાણા ½ કપ, સામો (મોરૈયો) ½ કપ
  • બાફેલા બટેટા 4
  • દહીં 2 ટે.સ્પૂન
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું) સ્વાદ મુજબ
  • લીલા મરચાં 4-5
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • કળીપત્તાના પાન 7-8
  • સમારેલી કોથમીર ½ કપ
  • સફેદ તલ 1 ટે.સ્પૂન

ફરાળી ચટણી માટેઃ

  • કોથમીર 1 કપ
  • શેકીને છોલેલા શીંગદાણા 1 કપ
  • લીલા મરચાં 4
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીંબનો રસ 1 ટે.સ્પૂન

રીતઃ સાબુદાણા તેમજ સામાને ધોઈને 7-8 કલાક માટે પાણીમાં પલાળી રાખો.

ચટણી માટેની સામગ્રી મિક્સીમાં નાખીને થોડું પાણી રેડીને ચટણી બારીક તૈયાર કરી લો.

આદુ, મરચાં તેમજ કળીપત્તાના પાનને અધકચરા વાટી લો. બટેટાનો મેશર વડે બારીક છૂદો કરીને તેમાં વાટેલાં આદુ-મરચાં તેમજ સિંધવ મીઠું સ્વાદ મુજબ ઉમેરી દો.

સાબુદાણા તેમજ સામો પલળી જાય એટલે તેમાં દહીં તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સીમાં બારીક પીસી લો.

સેન્ડવિચ બનાવવાના સમયે ઈનો આ ખીરામાં મેળવી દો.

સ્ટવ ટોસ્ટર સેન્ડવિચ માટે ટોસ્ટરને તેલ અથવા ઘી વડે ગ્રીસ કરીને તેમાં સામા-સાબુદાણાનું ખીરું એક કળછી રેડીને ફેલાવી દો. તેની ઉપર બટેટાના મિશ્રણમાંથી પાતળી ટીકી બનાવીને ટોસ્ટરમાં ખીરાની મધ્યમાં ગોઠવીને ટીકી ઉપર એક ચમચી વડે ચટણી ફેલાવીને મૂકી, તેની ઉપર ફરી એક કળછી જેટલું ખીરું રેડીને ટીકીને કવર કરી લો, ઉપરથી થોડા સફેદ તલ ભભરાવી દો. ટોસ્ટર બંધ કરીને ગેસની મધ્યમ આંચે બંને બાજુએ 2-2 મિનિટ વારાફરતી ટોસ્ટર ફેરવીને શેકી લો. ટોસ્ટર એકવાર ખોલીને જોઈ લેવું. સેન્ડવિચ શેકાઈ ન હોય તો ફરીથી ટોસ્ટર બંધ કરીને સેન્ડવિચ સોનેરી રંગની થાય ત્યાં સુધી શેકી લો.

ત્યારબાદ તૈયાર ટીકીના ચપ્પૂ વડે પીસ કરીને ચટણી સાથે પીરસો.