ક્યારેક વધુ પડતી ભારે વાનગીઓ ખાઈને કંટાળી ગયા હોય, તો સાદી પણ પૌષ્ટિક અને અફલાતૂન સ્વાદવાળી રેસ્ટોરન્ટ જેવી દાલ ખિચડી ઘરે બનાવી શકાય!
સામગ્રીઃ
- તુવેર દાળ 1 કપ
- મગની દાળ ¼ કપ
- ચણા દાળ ¼ કપ
- બાસમતી ચોખા 1¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
- આદુ 1 ઈંચ
- લીલું મરચું 1
- ઘી 1 ટે.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
1 વઘારઃ
- તેલ ટે.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- આદુ ઝીણું સમારેલું 1 ટે.સ્પૂન
- 2-3 લીલા મરચાં સમારેલાં
- કાંદા 2
- ટામેટાં 2
- લાલ મરચાં પાઉડર
- લવિંગ 2-3
- તમાલ પત્ર 2
- તજનો ટુકડો અડધો ઈંચ
2 વઘારઃ
- આખાં સૂકાં લાલ મરચાં 2
- લસણની કળી 7-8
- કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- હીંગ ¼ ટી.સ્પૂન
- ઘી 2 ટે.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન
- કળી પતા 6-7 પાન
રીતઃ બંને દાળને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ચોખાને પણ 2-3 પાણીએથી ધોઈને અડધા કલાક માટે પલાળી રાખો.
ચાર કલાક બાદ દાળમાંથી પાણી નિતારી લો. કૂકરમાં ઘી ગરમ કરી જીરૂ તતડે એટલે લીલું મરચું કટ કરીને ઉમેરી દો. હવે દાળ તેમાં ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખીને દાળના માપ કરતાં 1 ઈંચ વધુ આવે તેટલું પાણી કૂકરમાં ઉમેરો. હળદર ઉમેરીને કૂકર ઢાંકીને ગેસની મધ્યમ આંચે 4 સીટી થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દો.
બાસમતી ચોખામાંથી અડધા કલાક બાદ પાણી નિતારી લો. એક તપેલીમાં ચોખા કરતાં ચાર ગણું વધારે પાણી લઈ ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં થોડું મીઠું નાખીને ચોખા તેમાં હળવેથી ઉમેરી દો. 6-7 મિનિટ બાદ ચેક કરી લો. ચોખા 90 ટકા જેટલાં ચઢી ગયા હોય તો ગેસ બંધ કરીને એક સ્ટીલની ચાળણીમાં ચોખા નાખીને તેમાંથી પાણી નિતારી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તમાલ પત્ર, લવિંગનો વઘાર કરી જીરૂનો વઘાર કરો. ત્યારબાદ તેમાં લાંબી સ્લાઈસમાં કટ કરેલા કાંદા ઉમેરો. તેમજ આદુ અને મરચાં ઝીણાં સમારીને ઉમેરી દો. કાંદા સોનેરી રંગના થાય એટલે તેમાં લાલ મરચાં પાઉડર મેળવીને લાંબી સ્લાઈસમાં કટ કરેલા ટામેટાં ઉમેરી દો. ટામેટાં નરમ થાય એટલે તેમાં બાફેલા દાળ તેમજ ચોખા મેળવી દો. આ ખિચડી બહુ ઘટ્ટ પણ ના હોવી જોઈએ કે બહુ પાતળી પણ ના હોવી જોઈએ. તેથી જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને 2-3 મિનિટ ગરમ થાય ત્યારબાદ ઉપર કોથમીર ભભરાવી દો. ગેસ બંધ કરી દો. ખિચડીને એક મોટા બાઉલમાં કાઢી લો.
બીજા વઘાર માટે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ તતડાવીને આખા સૂકા લાલ મરચાં ઉમેરી દો. લસણને ઝીણું સમારીને ઉમેરી દો. હવે તેમાં હીંગ તથા કાશ્મીરી મરચાં પાઉડર મેળવીને ચમચા વડે હલાવીને તરત જ ગેસ બંધ કરીને આ વઘાર ખિચડી ઉપર રેડીને ગરમા ગરમ ખિચડી જમવામાં પીરસો.
