કાકડીનો સંભારો

જમવામાં કોઈવાર શાક ભાવતું ન હોય કે મહેમાન આવ્યા હોય તો પણ જમણવારની થાળીમાં પીરસો તો ભોજનનો સ્વાદ વધારી દે તેવો નવી વેરાયટીનો કાકડીનો સંભારો બહુ જલ્દી બની જાય છે!

સામગ્રીઃ

  • કાકડી 2
  • મરચાં 6-7
  • રાઈ 1 ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • તેલ 3 ટે.સ્પૂન
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન

રીતઃ કાકડીને ધોઈને બે ભાગમાં કટ કરીને તેના પતીકા કટ કરી લો. અથવા ચોરસ ટુકડામાં સમારી લો. મરચાંના ફાળા કરીને બે-બે ટુકડામાં સમારી લો. ચણાનો લોટ ચાળીને રાખો.

એક કઢાઈ અથવા પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તથા જીરૂ તતડાવી હીંગનો વઘાર કરી લો. ત્યારબાદ તેમાં મરચાં વઘારી ઢાંકીને 1 મિનિટ સંતડાવા દો. હવે તેમાં કાકડી નાખી ઉપરથી સ્વાદ મુજબ મીઠું, તેમજ હળદર નાખીને તવેથા વડે સરખું મિક્સ કરીને 1 મિનિટ સાંતળો. હવે તેમાં ચણાનો લોટ સરખો મિક્સ કરીને ઢાંકી દો. ગેસની આંચ ધીમી રાખવી. 2 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને 1 મિનિટ રહેવા દીધા બાદ તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરીને જમવામાં પીરસો.