ફ્લાવર-ગાજરનું અથાણું

શિયાળાની ઋતુમાં નિત નવાં શાક ખાવા મળે છે. આ શાકનું અથાણું પણ બનાવી શકાય છે. ફ્લાવરનું શાક તો સહુને ભાવે, ગાજરનો હલવો પણ સહુએ ખાધો છે. પણ, ફ્લાવર-ગાજરનું અથાણું ખાઈ જુઓ!

સામગ્રીઃ  

  • 500 ગ્રામ ફ્લાવર
  • 500 ગ્રામ ગાજર
  • 1 કપ (250 મિ.લી.) સાદો સરકો અથવા સફેદ સરકો
  • 1 કપ ખમણેલો ગોળ (તમારા સ્વાદ મુજબ ગોળ ઓછો વત્તો લઈ શકો છો.)
  • 6 ટે.સ્પૂન આદુની 2 ઈંચ લાંબી કાતરી
  • 4 ટે.સ્પૂન લસણ જાડુ ખમણેલું
  • 1 ટે.સ્પૂન આદુ-લસણની પેસ્ટ
  • 1 કપ (250 મિ.લી) રાઈનું તેલ
  • 2 ટે.સ્પૂન રાઈના કુરિયા
  • 1½ ટે.સ્પૂન મીઠું
  • 3 ટે.સ્પૂન કાશ્મીરી લાલ મરચાં પાવડર
  • ¼  ટી.સ્પૂન હીંગ

ગરમ મસાલોઃ

  • ¾ કપ જીરૂ
  • 8-10 કાળાં મરીના દાણા
  • 2 ટે.સ્પૂન વરિયાળી
  • 7-8 લવિંગ
  • 4 મોટી એલચી
  • 1-1 ઈંચ બે તજના ટુકડા

રીતઃ

જીરૂ, કાળાં મરીના દાણા, વરિયાળી, લવિંગ, મોટી એલચી, તજના ટુકડા શેકી લેવા. ઠંડા થાય એટલે મિક્સીમાં બારીક પીસી લેવા.

ગોળમાં સરકો મિક્સ કરીને બાજુએ રહેવા દો.

ફ્લાવરને મધ્યમ ઈંચના ટુકડામાં સુધારી લેવું. ગાજરને ધોઈને 1.5 ઈંચ લાંબી ચીરીમાં સુધારી લેવું.

એક મોટી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. એમાં 1 ટે.સ્પૂન મીઠું ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ફ્લાવર તેમજ ગાજરના ટુકડા નાખીને હલાવો 1-2 મિનિટ બાદ પાણીમાંથી કાઢી લો. એક સુતરાઉ કાપડ ઉપર શાકના ટુકડા 4-5 કલાક માટે સૂકાવા મૂકી દો, એમાંનું પાણી એકદમ સૂકાય જવું જોઈએ. તમે તડકામાં અથવા ઘરમાં પંખા નીચે સૂકવી શકો છો.

એક કપ રાઈનું તેલ લઈ કઢાઈમાં ગરમ કરો. ગરમ થાય એટલે એમાં હીંગ નાખીને, આદુની કાતરી તેમજ ખમણેલું લસણ નાખી સાંતળો. થોડું લાલ થાય એટલે આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. 2-3 મિનિટ બાદ તેમાં સરકાવાળો ગોળ ઉમેરી દો. ગોળ ઓગળે એટલે એમાં રાઈના કુરિયા, પીસેલો ગરમ મસાલો તેમજ લાલ મરચું ઉમેરીને સાંતળો. 2-3 મિનિટ બાદ ફ્લાવર તેમજ ગાજરના ટુકડા મસાલામાં મિક્સ કરી દો. 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

અથાણું ઠંડું થાય એટેલ એર ટાઈટ જાર અથવા કાચની ધોઈને સૂકી કરેલી જારમાં ભરી લો.

2-3 દિવસ બાદ અથાણું ખાવામાં લઈ શકો છે.