બેસન મિલ્ક કેક

ચણાના લોટની આ મિલ્ક કેક ઘણી જ સ્વાદિષ્ટ બને છે. ફક્ત થોડી મહેનત છે ચણાના લોટને શેકવામાં. બાકી આ સ્વાદિષ્ટ કેક ગણપતિ બાપાને ધરાવીને બાપાને પ્રસન્ન કરી શકાય છે!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 2 કપ
  • દૂધનો પાઉડર 1 કપ
  • ઘી 1 કપ
  • એલચી પાઉડર 1 ટે.સ્પૂન
  • બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

ચાસણી માટેઃ

  • સાકર 1½ કપ
  • પાણી 1 કપ

રીતઃ એક ટ્રેમાં બટર પેપર લગાડી તેમાં ઘી ચોપડી લો. તેની ઉપર સૂકા મેવાની કાતરી પાથરી દો.

એક નોન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ઓગળે એટલે ગેસની આંચ એકદમ ધીમી કરીને તેમાં ચણાનો લોટ ઉમેરી દો. સ્પેટુલા અથવા ઝારા વડે એકસરખું આ મિશ્રણ હલાવતાં રહો. જેવો ચણાનો લોટ ઘીમાં મિક્સ થઈ જાય એટલે તેને ઝારા વડે હલાવતાં રહો. જ્યાં સુધી ચણાના લોટમાં સુગંધ ન આવે. હવે તેમાં એલચી પાઉડર મેળવીને હલાવતાં રહો.

આ મિશ્રણ એકસરખું મિક્સ થઈને લીસું થઈ જાય તેનો રંગ સોનેરી રંગનો થઈ જાય તેમજ તે ઘી છોડીને લીસું થાય એટલે ગેસ બંધ કરી દો. હવે ચણાના લોટમાં દૂધ પાઉડર મેળવીને તવેથા વડે હલાવતા રહો ગેસ બંધ રાખીને. મિશ્રણ દાણેદાર થશે. પરંતુ તેને એકસરખું મિક્સ કરીને ઠંડું થવા દો.

એક વાસણમાં સાકર તેમજ પાણી મિક્સ કરીને ગેસની મધ્યમ-તેજ આંચે ચાસણી ઉકળવા દો. ચાસણી ઉકળે અને પરપોટા થવા માંડે ત્યારબાદ થોડીવાર ગેસ ચાલુ રાખીને ચમચા વડે ચાસણી હલાવતા રહો. જેવી ચાસણી થોડી ઘટ્ટ થવા લાગે એટલે ચમચા વડે બે-ત્રણ ટીપાં ચાસણી એક પ્લેટમાં રેડીને તેને અંગૂઠા તેમજ આંગળી વચ્ચે લગાડી જુઓ. જો એક તાર તેમાંથી બને છે. તો ગેસ બંધ કરીને આ ચાસણીને ચણાના લોટના મિશ્રણમાં હળવેથી રેડીને ચમચા વડે એકસરખું મિક્સ કરી લો. આ ચણાના લોટની કઢાઈ ગેસ પર ગરમ થવા મૂકો. ગેસની આંચ એકદમ ધીમી કરીને ચમચા વડે મિશ્રણ એકસરખું હલાવતાં રહો. જેવું મિશ્રણ લીસું થવા આવે એટલે ગેસ બંધ કરીને આ મિશ્રણને બટર પેપર લગાડેલી ટ્રેમાં પાથરીને તવેથા વડે એકસરખું પાથરીને બેથી ત્રણ કલાક માટે જામવા દો. ટ્રેને રેફ્રીજરેટરમાં પણ મૂકી શકાય છે.

ત્રણ કલાક બાદ મીઠાઈના ચપ્પૂ વડે ચોસલા કરીને બાપાના થાળમાં મીઠાઈ કેક ગોઠવી દો.